12 December, 2024 08:24 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં લૅબ-રિપોર્ટમાં છેડછાડ, માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, ફાયર-સેફટીના સર્ટિફિકેટનો અભાવ સહિતની ગેરરીતિઓ કરવા બદલ અમદાવાદ સહિત ગુજરાતની પાંચ હૉસ્પિટલને આ યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણના બે ડૉક્ટર તેમ જ બે લૅબોરેટરીને પણ આ યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
ગુજરાતમાં સ્ટેટ ઍન્ટિ ફ્રૉડ યુનિટે તજજ્ઞ તબીબોની ટીમને સાથે રાખીને PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હૉસ્પિટલોની મુલાકાત કરીને તપાસ હાથ ધરી હતી;` જેમાં પાટણની હીર ચિલ્ડ્રન હૉસ્પિટલ તેમ જ નિષ્કા ચિલ્ડ્રન હૉસ્પિટલ અને નીઓનેટલ કૅર, દાહોદ જિલ્લાની સોનલ હૉસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઑર્થોપેડિક હૉસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની જલારામ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં ગેરરિતીઓ અને ત્રુટિઓ જણાઈ આવી હતી.
સસ્પેન્ડ કરવામાં આવેલી હૉસ્પિટલ સાથે જોડાયેલી અને ગેરરીતિ આચરનાર પાટણની હેલ્થસ્પ્રિંગ ૨૪ પૅથોલૉજી લૅબોરેટરી અને શિવ ડાયગ્નૉસ્ટિક લૅબોરેટરીને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરી છે. બીજી તરફ ગેરરીતિઓ બદલ પાટણની હીર ચિલ્ડ્રન હૉસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. હિરેન પટેલને તેમ જ નિષ્કા ચિલ્ડ્રન હૉસ્પિટલ અને નીઓનેટલ કૅર હૉસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. દિવ્યેશ શાહને આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
12 જાન્યુઆરી ૨૦૨૪થી અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ કરવા બદલ કુલ આટલી હૉસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે.