પહેલી વાર દિલ્હીની બહાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાશે ગુજરાતમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટીના સાંનિધ્યમાં

08 September, 2026 10:32 AM IST  |  Gujarat | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કાર્યક્રમના આયોજન માટે નર્મદા જિલ્લાના કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં ગઈ કાલે બેઠક યોજાઈ હતી

સ્ટૅચ્યુ ઑફ યુનિટી, એકતાનગર

મધ્ય ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્ટૅચ્યુ ઑફ યુનિટી, એકતાનગર ખાતે પહેલી વાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાશે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનો સમારોહ ૨૦૨૬ની ૨૨ સપ્ટેમ્બરે ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં યોજાશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હીની બહાર આ સમારોહનું આયોજન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે.  

ભારતીય સિનેમાજગતમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓને સન્માનિત કરતા આ રાષ્ટ્રીય સમારોહમાં કુલ ૯૨ પુરસ્કાર-વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે. દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિજેતાઓને પુરસ્કારો અનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ફિલ્મજગતના અનેક કલાકારો અને કસબીઓ ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કાર્યક્રમના આયોજન માટે નર્મદા જિલ્લાના કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં ગઈ કાલે બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમની વ્યવસ્થા, સુરક્ષા, પ્રોટોકૉલ, મહાનુભાવોના આગમન-પ્રસ્થાન, સ્થળવ્યવસ્થા તેમ જ અન્ય તૈયારીઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે બસ-બે એરિયામાં આ કાર્યક્રમ યોજાશે જેના માટે જર્મન અૅલ્યુમિનિયમ સ્ટ્રક્ચરલ ડોમ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમ સ્થળે અંદાજે ૧૦૦૦ મહેમાનોની બેઠકક્ષમતા સાથે અન્ય જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે.  

gujarat news gujarat statue of unity national film awards