કચ્છના બાળકલાકારનો ગ્લોબલ હનુમાનકૂદકો

19 July, 2026 11:42 AM IST  |  Mumbai | Varsha Chitaliya

માત્ર પોણાબે વર્ષની ઉંમરે મ્યુઝિક આલબમ રિલીઝ કરીને વિશ્વના સૌથી નાની વયના પુરુષ ગાયકનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવનાર આ બાળકલાકાર હવે ઇન્ટરનૅશનલ લેવલે ધૂમ મચાવી રહ્યો છે

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ સર્ટિફિકેટ સાથે.

ક્લબફુટ નામની જન્મજાત શારીરિક ક્ષતિ સામે ઝઝૂમીને દોડતા થયેલા કચ્છના ૯ વર્ષના પર્વ ઠક્કરનું ભક્તિગીત ‘રેઝોનન્ટ રોર ઑફ હનુમાન’ પ્રતિષ્ઠિત હૉલીવુડ ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક અવૉર્ડ્‍સ માટે નૉમિનેટ થયું છે. માત્ર પોણાબે વર્ષની ઉંમરે મ્યુઝિક આલબમ રિલીઝ કરીને વિશ્વના સૌથી નાની વયના પુરુષ ગાયકનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવનાર આ બાળકલાકાર હવે ઇન્ટરનૅશનલ લેવલે ધૂમ મચાવી રહ્યો છે

સંગીતના સૂર ચમત્કાર સર્જી શકે એનું જીવંત ઉદાહરણ છે કચ્છના અંજારનો ૯ વર્ષનો બાળકલાકાર પર્વ ઠક્કર. ક્લબફુટ નામની શારીરિક ક્ષતિ સાથે જન્મેલો આ બાળક મ્યુઝિક-થેરપીના સહારે દોડતો થયો અને કચ્છથી હૉલીવુડ સુધીની સફર ખેડી નાખી. માત્ર પોણાબે વર્ષની ઉંમરે સત્તાવાર મ્યુઝિક-આલબમ રિલીઝ કરીને વિશ્વના સૌથી નાની વયના પુરુષ ગાયકનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવનાર પર્વે ઇન્ટરનૅશનલ લેવલે ધૂમ મચાવી છે. પર્વનું ભક્તિગીત ‘રેઝોનન્ટ રોર ઑફ હનુમાન’ પ્રતિષ્ઠિત હૉલીવુડ ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક અવૉર્ડ્‍સ (HIMA) 2026માં નૉમિનેટ થતાં વૈશ્વિક મંચ પર ગુજરાતીઓનું માથું ગર્વથી ઊંચું થયું છે. કહેવાય છે કે હુન્નર કોઈ ઉંમરનો મોહતાજ નથી. કંઈક આવો જ ચમત્કાર કરી બતાવનાર આ નાનકડા રૉકસ્ટારની પ્રેરણાદાયી કહાણી પ્રસ્તુત છે.

અવૉર્ડ્‍સ સાથે પર્વ.

ઇન્ટરનૅશનલ અવૉર્ડ માટે નૉમિનેશન

પર્વના પપ્પા ડૉ. કૃપેશ ઠક્કર કહે છે, ‘પર્વના અવાજમાં ગવાયેલું સંસ્કૃત ભક્તિગીત ‘રેઝોનન્ટ રોર ઑફ હનુમાન’ (Resonant Roar of Hanuman) HIMA 2026માં વર્લ્ડ મ્યુઝિક કૅટેગરીમાં સત્તાવાર રીતે નૉમિનેટ થયું છે. વાસ્તવમાં આ ગીત નથી, હનુમાનમંત્ર છે. અમે એને સનાતન મંત્ર તરીકે રજૂ કર્યું છે. હૉલીવુડમાં મોકલવા માટે અંગ્રેજી નામ આપવું પડ્યું. નામમાં રોર (જોરથી ગર્જના કરવી) લખવાનું કારણ છે. પર્વ એમાં હનુમાનની જેમ પાવરફુલ અવાજમાં જય શ્રીરામ બોલે છે. મંત્રમાં પર્વ ઉપરાંત મારો અને દીકરી વાચાનો અવાજ પણ છે. આ ઇવેન્ટ ૩૦ જુલાઈએ અમેરિકાના લૉસ ઍન્જલસમાં થશે. ભારતથી નૉમિનેટ થનારો તે યંગેસ્ટ સિંગર છે. ૨૦૨૫ની ૨૭ ઑગસ્ટે આ મંત્ર ગ્રૅમી અવૉર્ડ્‍સની કન્સિડરેશન પ્રોસેસ સુધી પણ પહોંચ્યો હતો. અમારા ગ્લોબલ પ્રોજેક્ટ્સમાં એને ‘ધ ક્લબફુટ ઍન્થમ’ તરીકે પણ રજૂ કરવામાં આવે છે.’

ક્લબફુટની સારવારમાં વપરાતાં શૂઝ.

જન્મજાત યોદ્ધા

કચ્છના અંજારમાં રહેતા કૃપેશભાઈ MBBS ડૉક્ટર છે અને તેમનાં પત્ની પૂજા આયુર્વેદિક ડૉક્ટર છે. તેઓ પહેલેથી જાણતાં હતાં કે તેમનું સંતાન ક્લબફુટ નામની શારીરિક ક્ષતિ સાથે આ દુનિયામાં આંખો ખોલશે. શારીરિક અને માનસિક યુદ્ધ સામે લડવાની તેમની તૈયારી હતી અને સંતાને પણ મહાભારતના અર્જુનની જેમ લડવાનું છે એ નક્કી હતું. તેમણે બીમારીના ડેટા કલેક્ટ કર્યા અને સારવાર વિશે ઊંડાણપૂર્વક રિસર્ચ કર્યું. ૨૦૧૪થી આ કપલ ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક ઍન્ડ હેલ્થ હેઠળ વિવિધ પ્રોજેક્ટ પર કામ કરે છે. પર્વનો જન્મ થયો એ દિવસે તેમણે એક પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો જે આજે ક્લબફુટની સારવાર વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.

આ સંદર્ભે સવિસ્તર માહિતી આપતાં કૃપેશભાઈ કહે છે, ‘સગર્ભાવસ્થા દરમ્યાન પૂજા ગર્ભસંસ્કાર કરતી હતી. પાંચમા મહિનાની સોનોગ્રાફીમાં જાણવા મળ્યું કે સંતાન ક્લબફુટ સાથે જન્મ લેશે. માના પેટમાં હતો ત્યારથી મ્યુઝિક-થેરપી પર કામ શરૂ કર્યું. અમે દૃઢપણે માનીએ છીએ અને વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે કે સંગીતમાં જાદુ છે. ક્લબફુટ એવી બીમારી છે જેમાં બાળકના એક અથવા બન્ને પગ હૉકી સ્ટિકની જેમ વાંકા વળેલા હોય. ૨૦૧૭ની ૭ મેએ જન્મેલા પર્વના બન્ને પગ વળેલા હતા. અમને ૧૦૦ ટકા ખાતરી હતી કે અમારું સંતાન દોડશે. આવા બાળકનો જન્મ થયાના ૬ મહિનાની અંદર સારવાર શરૂ કરી દો તો ૬-૭ વર્ષની ઉંમર સુધીમાં તે ચાલતાં શીખી જાય. સમયસર સારવાર શરૂ કરવામાં ન આવે તો જીવનભરની ખોડ રહી જાય. ભારતમાં અજ્ઞાનતાને લીધે આવાં બાળકો ચાલતાં શીખતાં નથી. આ આખી સફર પાછળની બૅકગ્રાઉન્ડ સ્ટોરી કહું તો ૨૦૧૪થી અમે જુદા-જુદા અવેરનેસ પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ. દરેક પ્રોજેક્ટમાં પર્વ નામ હોય છે. પર્વ એટલે કે ઉત્સવ. સંતાન જન્મે એ દિવસે ‘ગ્લોબલ ક્લબફુટ અવેરનેસ પર્વ’ (GCA Parv) પ્રોજેક્ટ શરૂ કરવાનું નક્કી હતું, જેનો હેતુ સમસ્યા અને એની સારવાર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. સંતાનમાં દીકરો જન્મતાં તેનું નામ જ પર્વ રાખી લીધું. દીકરાની સારવાર અને પ્રોજેક્ટને આગળ વધારવા મારું ક્લિનિક બંધ કરી દીધું, પત્નીની પ્રૅક્ટિસ ચાલુ રાખી.’

ગુંજે ગીતા શતક મહોત્સવમાં કી-બોર્ડ વગાડતાં મંત્રોચ્ચાર કરતો પર્વ.

સારવાર વિશે જણાવતાં કૃપેશભાઈ કહે છે, ‘આવા બાળકના પગને ૧૮૦ ડિગ્રી બહાર ખેંચી પ્લાસ્ટર બાંધીને રાખવા પડે. શરૂઆતમાં દર અઠવાડિયે પ્લાસ્ટર ચેન્જ કરાય. ત્યાર બાદ ૧૫ દિવસે, મહિને એમ સમય વધારતા જવાનું. બે વર્ષનો થાય ત્યાં સુધી પગમાં ચોવીસે કલાક પ્લાસ્ટર બાંધેલું રહે. મેડિકલ ટ્રીટમેન્ટની સાથે મ્યુઝિક-થેરપી પણ આપતા. સનાતન ધર્મના મંત્રોમાં અદમ્ય શક્તિ છે. સંગીત-થેરપી એટલી કારગત નીવડી કે ૧૫ મહિનાની ઉંમરે પર્વ જલારામધૂન, રામધૂન ગાવા લાગ્યો. મંત્રો સહેલાઈથી ગાઈ શકે છે એ જાણ્યા પછી તે એક વર્ષ ૩૪૨ દિવસનો હતો ત્યારે અલગ-અલગ વર્ઝનમાં મંત્રો રેકૉર્ડ કરીને આલબમ લૉન્ચ કર્યું - ‘પર્વ ધ યંગેસ્ટ સિંગર’, જેને કારણે પર્વનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધાયું. તે વિશ્વનો સૌથી નાની ઉંમરનો મેલ સિંગર બન્યો. આ દરમ્યાન મેડિકલ લડત ચાલુ હતી. બે વર્ષનો થયો પછી અમે તેને દિવસે ચલાવવાનો પ્રયત્ન કરતા અને રાત્રે પગમાં ખાસ પ્રકારનાં શૂઝ પહેરાવીને સુવડાવી દેતા. આ શૂઝમાં વચ્ચે સળિયો હોય જેથી તે પગને અંદર વાળી ન શકે. પાંચ વર્ષની ઉંમરે તે ચાલતાં શીખી ગયો. હાલમાં તે ૯ વર્ષનો છે. મહાભારતના યોદ્ધાની જેમ લડ્યો આથી તેના જીવન પરથી બની રહેલી હિન્દી ફિલ્મનું નામ ‘મૈં ભી અર્જુન : પર્વ’ છે. તે ક્લબફુટ અવેરનેસ પ્રોજેક્ટનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર
પણ છે.’

સંગીતનો જાદુગર

પર્વનું જૉન્ર છે શ્ળોક અને મંત્રો. તે જેમ-જેમ મોટો થતો ગયો એમ સંગીતમાં તેની રુચિ વધી. ભક્તિગીત અને કીર્તન ગાવામાં મજા પડવા લાગી. અખિલ ગાંધર્વ વિદ્યાલયથી સંગીત વિશારદની પરીક્ષા આપવા લાગ્યો. અત્યાર સુધીમાં ૩ પરીક્ષા આપી છે. હવે વોકલ ડિગ્રીની તૈયારી કરે છે. દેશભક્તિનાં ગીતો અને પારિવારિક ગીતો પણ ગાય છે. રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ સુપરહિટ રહ્યું. ‘પપ્પા મારા સુપરમૅન’, ‘લવ યુ મા’, ‘લાડલી બેની મારી’ જેવાં ગીતોએ લોકોનાં દિલ જીતી લીધાં. ​સિન્ગિંગની સાથે પર્વ હાર્મોનિયમ અને કી-બોર્ડ વગાડે છે. તેના ઘરમાં સંગીતનો માહોલ છે. પપ્પા અને ૧૪ વર્ષની બહેન વાચા સિંગર છે. તેમણે ‘પર્વ ફ્યુઝન બૅન્ડ’ શરૂ કર્યું છે જેમાં ભાઈ-બહેન, પેરન્ટ્સ અને દાદા-દાદી છે. ભગવદ્ગીતા અને સનાતન ધર્મના શ્ળોકે તેને બીમારી સામે લડવાની અને સંગીતના ક્ષેત્રે આગળ વધવાની હિંમત આપી. ખરા અર્થમાં યોદ્ધા બનીને પર્વ આ જંગ જીત્યો છે. આજે તે વિશ્વભરમાં સૂર-સંગીત પીરસવાની સાથે બીમારીને ફેસ્ટિવલની જેમ સેલિબ્રેટ કરતાં-કરતાં લડો એવો સંદેશ પહોંચાડે છે. તેના નવા આલબમ ‘રેઝોનન્ટ રોર ઑફ હનુમાન’ મંત્રને ગ્લોબલ પ્રોજેક્ટની ઍન્થમ તરીકે જોવામાં આવે છે. જે બાળક નાનપણમાં સરખું ચાલી પણ નહોતું શકતું, આજે તેના અવાજનો ગુંજારવ હૉલીવુડ સુધી પહોંચ્યો છે એ નાનીસૂની સિદ્ધિ નથી. નાની વયે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં નામ નોંધાવીને હિસ્ટરી ક્રીએટ કરનાર આ કચ્છી કલાકાર પર હવે હૉલીવુડ પણ ફિદા થયું છે. ભારતીયોની નજર હવે ૩૦ જુલાઈએ લૉસ ઍન્જલસમાં આયોજિત પ્રતિષ્ઠિત હૉલીવુડ ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક અવૉર્ડ્‍સ 2026 પર છે. પર્વને સંગીતની દુનિયામાં હજી ઘણું આગળ વધવું છે.

રિયલ લાઇફ હીરો
ગંભીર શારીરિક પડકારો સામે લડીને સંગીતના સથવારે વૈશ્વિક ઓળખ બનાવનાર બાળકલાકાર પર્વની કહાની કોઈ ફિલ્મી પટકથાથી કમ નથી. પર્વ માત્ર ગાયક નથી. તે હવે અભિનેતા પણ બની ચૂક્યો છે. તેના જીવન અને સંઘર્ષ પરથી ૩ ભાષા (ગુજરાતી, હિન્દી અને 
અંગ્રેજી)માં બાયોપિક બની રહી છે. ગુજરાતી ફિલ્મ ‘નાનકડાં પગલાં ભરે હરણફાળ’, હિન્દી ફિલ્મ ‘મૈં ભી અર્જુન : પર્વ’ અને અંગ્રેજી ફિલ્મ ‘ટાઇની સ્ટેપ્સ ટેક જાયન્ટ લીપ્સ’માં તે પોતે જ હીરોની ભૂમિકામાં છે. આ ફિલ્મના રાઇટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર પર્વના પપ્પા કૃપેશભાઈ છે. 
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવી ઘટના પહેલી વાર બની રહી છે જેમાં રિયલ લાઇફ હીરો અને રિયલ શૂટિંગ હોય. પર્વના પેરન્ટ્સે તે જન્મ્યો એ દિવસથી રિયલ સીન શૂટ કરવાનું શરૂ કર્યું હતું. ફિલ્મમાં બધા સીન સાચકલા છે. ૮૦ ટકા ફિલ્મ તૈયાર થઈ ગઈ છે. તેના પેરન્ટ્સ દર્શકોને બતાવવા માગે છે કે તેમણે પર્વને અર્જુનની જેમ ઊભો કર્યો છે. આ વર્ષના અંતે ફિલ્મ તૈયાર થઈ જશે અને એને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવામાં આવશે. ત્યાર બાદ થિયેટરમાં રજૂ કરવાનો પ્લાન છે. ૯ વર્ષની ઉંમરે પોતાની લાઇફ પર ફિલ્મ ધરાવતો પર્વ વિશ્વનો સૌથી નાનો કલાકાર બનવાનું બહુમાન પ્રાપ્ત કરશે.

સોશ્યલ અવેરનેસ પ્રોજેક્ટ 
કૃપેશભાઈએ જામનગરથી MBBSની પરીક્ષા પાસ કરી. ત્યાર બાદ તેઓ આગળ અભ્યાસ માટે અમેરિકા ચાલ્યા ગયા. ૨૦૦૮માં ભુજનાં ડૉ. પૂજા સાથે લગ્ન થયાં. ૨૦૧૨માં અમેરિકામાં દીકરી વાચાનો જન્મ થયો. ૭ વર્ષ અમેરિકામાં રહ્યા બાદ સનાતન સંસ્કૃતિનો લગાવ અને સંગીતપ્રેમ તેમને વતન ખેંચી લાવ્યો. મેડિકલ સારવારને સંગીત સાથે જોડીને નવતર પ્રયોગ શરૂ કર્યા. ૨૦૧૪માં તેમણે ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ની સ્થાપના કરી. નામમાં અંગ્રેજી અને સંસ્કૃત શબ્દનો ઉમેરો કરવા પાછળ તાત્પર્ય હતું. વેસ્ટર્ન કલ્ચરને સનાતન પર્વ સાથે જોડવાની ભાવના હતી. ૨૦૧૫માં પહેલો પ્રોજેક્ટ હતો વૅલેન્ટાઇન પર્વ. પહેલી ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી તેમણે કૃષ્ણ પ્રત્યેના પ્રેમને વૅલેન્ટાઇન્સ સાથે જોડીને ઉજવણીના કાર્યક્રમો રાખ્યા. તેમનું પહેલું આલબમ હતું ‘ક્યાં છે કાનો’. બૅક ટુ બૅક સંગીત આલબમ અને સોશ્યલ પ્રોજેક્ટ આવતા ગયા અને સફળ થયા. ત્યારથી દરેક પ્રોજેક્ટના નામમાં પર્વ જોડાઈ ગયું છે. તેમની ટીમે ગુજરાતની ૨૦૦ કૉલેજમાં વૅલેન્ટાઇન પર્વની ઉજવણી કરવાની સત્તાવાર મંજૂરી મેળવી છે. કૃપેશભાઈએ ગુજરાતી ફિલ્મોમાં ગીતો પણ ગાયાં છે. આ સમયગા‍ળામાં પર્વનો જન્મ થયો, પડકારો આવ્યા, એમાંથી તેઓ બહાર નીકળ્યા. ‘ગ્લોબલ ક્લબફુટ અવેરનેસ પર્વ’ (GCA Parv) અને ‘મ્યુઝિક થેરપી ફૉર ઑલ’ તેમના ડ્રીમ પ્રોજેક્ટ છે જેને તેઓ વિશ્વના તમામ દેશના લોકો સુધી પહોંચાડવા માગે છે. ભગવદ્ગીતાના શ્ળોકો અને પોતાની શારીરિક ક્ષતિમાંથી પ્રેરણા લઈને પર્વ આજે આ બન્ને પ્રોજેક્ટનો ગ્લોબલ ઍમ્બૅસૅડર છે અને સામાજિક જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરી રહ્યો છે. પર્વના જન્મદિવસ ૭ મેએ ગુજરાતની અનેક હૉસ્પિટલો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ગ્લોબલ ક્લબફુટ ડે મનાવવામાં આવે છે.

gujarat news gujarat Varsha Chitaliya kutchi community kutch indian music indian classical music guinness book of world records