ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાતનું વહીવટી તંત્ર બન્યું બ્રિજ માટે ગંભીર

12 July, 2025 11:04 AM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

બનાસકાંઠા, દાહોદ, નર્મદા, સુરત, ગીર સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓના કલેક્ટરો જાતતપાસ માટે ઊતર્યા બ્રિજ નીચે

ગઈ કાલે પણ મહિસાગર નદીમાં ગંભીરા બ્રિજ પરથી પડેલાં વાહનોને બહાર કાઢવાની કામગીરી ચાલુ હતી.

મધ્ય ગુજરાતમાં આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ ગુજરાતનું વહીવટી તંત્ર હવે બ્રિજની મજબૂતી માટે ગંભીર બન્યું છે. બનાસકાંઠા, દાહોદ, નર્મદા, સુરત, પોરબંદર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓના કલેક્ટરોએ ગઈ કાલે તેમના જિલ્લાઓમાં બ્રિજની જાતતપાસ કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં આવેલા તમામ પુલોની ચકાસણી હાથ ધરવા સૂચનાઓ આપી હતી.

ગંભીરા બ્રિજની ગોઝારી દુર્ઘટના બાદ બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલે તકેદારીના ભાગરૂપે અલગ-અલગ ટીમ બનાવીને જિલ્લામાં આવેલા વિવિધ પુલોનું નિરીક્ષણ અને સેફટી-ઑડિટ હાથ ધર્યું હતું. કલેક્ટર મિહિર પટેલ ટે​ક્નિકલ ટીમ સાથે નૅશનલ હાઇવે નંબર ૫૮ પર આવેલા રતનપુર મેરવાડા ખાતે આવેલા બ્રિજની નીચે જઈને તપાસ હાથ ધરી હતી. મિહિર પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘પ્રાથમિક દૃ​ષ્ટિએ અત્યારે આ બ્રિજ ક્રિટિકલ હાલતમાં નથી એવું જાણવા મળ્યું છે. ડિઝાઇન-સર્કલની ટીમ દ્વારા વિશેષ ટે​ક્નિકલ ઑડિટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.’

દાહોદ જિલ્લામાં દેવગઢબારિયા, ધાનપુર, ઝાલોદ અને લીમખેડા તાલુકાઓમાં આવેલા બ્રિજનું પ્રાંત અધિકારી, કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓએ ઇન્સ્પેક્શન કર્યું હતું. અધિકારીઓએ પુલ નીચે જઈને એ જર્જરિત અને ભયજનક સ્થિતિમાં છે કે કેમ એની તપાસ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને અન્ય અધિકારીઓએ પુલની સાઇડમાં ઊતરીને તપાસ હાથ ધરી હતી

ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એન. વી. ઉપાધ્યાયે અન્ય અધિકારીઓ સાથે જિલ્લામાં આવેલા વિવિધ પુલ અને વોકળા, નહેરો અને કાંસની મુલાકાત લીધી હતી. તેમણે પુલની સ્ટ્રક્ચરલ સ્ટૅબિલિટી સહિતની ચકાસણી કરવા માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને માર્ગદર્શન અને સૂચના આપ્યાં હતાં. વેરાવળના બંદર વિસ્તાર, હિરણ પુલ, ઉનાના મચ્છુ​ન્દ્રિ પુલ પરથી પસાર થવા માટે ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે.

પોરબંદર જિલ્લામાં આવેલા પુલોની ખરાઈ કરવા જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ સૂચનાઓ આપી છે અને તેઓ પોતે માર્ગ અને મકાન વિભાગ સહિતના વિભાગોના અધિકારીઓને સાથે રાખીને લકડી બંદર પુલની સ્થિતિની ચકાસણી કરી હતી. આ પુલ ઉપરાંત પોરબંદરમાં આવેલા અન્ય પુલોની પણ ચકાસણી કરી હતી.

સુરત જિલ્લાના કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ કામરેજ તાલુકાના ખોલવડ પાસે નૅશનલ હાઇવે ૪૮ પર તાપી નદી પરના બ્રિજની જાતતપાસ કરી હતી. આ બ્રિજના એક્સ્પાન્શન જૉઇન્ટની સમારકામની કામગીરીને લઈને આ બ્રિજ બંધ કરવામાં આવશે.

નર્મદા જિલ્લામાં આવેલા બ્રિજની ચકાસણી કરવા માટે નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ અન્ય અધિકારીઓ સાથે રાજપીપળા અને અંકલેશ્વર રોડ પર આવેલા કરજણ બ્રિજ નીચે ઊતરીને સ્થળ-નિરીક્ષણ કર્યું હતું. આ બ્રિજ વર્ષો જૂનો છે અને નીચેના ભાગમાં થોડો ક્ષતિ પામેલો જણાતાં સ્ટૅબિલિટી-રિપોર્ટ જોઈને ભારે વાહનો પર નિયંત્રણ કરવા સૂચના આપી હતી. 

gujarat gujarat news gujarat government vadodara banaskantha dahod surat porbandar