28 August, 2025 06:54 AM IST | Surat | Shailesh Nayak
રફ ડાયમન્ડમાં ભગવાન ગણેશજીની ઝાંખી
૨૭.૭૪ કૅરૅટનો આ રફ ડાયમન્ડ આફ્રિકાના કૉન્ગો દેશની ખાણમાંથી નીકળેલો નૅચરલ હીરો છે : વર્ષમાં એક જ વાર ગણેશચતુર્થીના દિવસે આ ડાયમન્ડ ગણેશજીને ઘરે લાવીને કરવામાં આવે છે પૂજા: કુતૂહલવશ લોકો ગણપતિ જેવા રફ હીરાને જોવા ઊમટે છે, પણ વેરિફિકેશન પછી જ મળે છે એન્ટ્રી
કોઈ પણ શુભ કાર્યમાં જેમનું સૌથી પહેલાં નામ લેવાય છે એ શિવ-પાર્વતીના પુત્ર ભગવાન ગણપતિદાદાના ગણેશોત્સવની આજથી સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસ સાથે આધ્યાત્મિકતાના માહોલમાં ઉજવણી શરૂ થશે. દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ આજે હીરાના એક વેપારીના ઘરે ગણેશજીની પ્રતિકૃતિ જેવો રફ ડાયમન્ડ લૉકરમાંથી વાજતે-ગાજતે લાવીને એની પૂજાઅર્ચના કરવામાં આવશે. વેપારી પાસે રહેલા આ રફ હીરામાં ગણેશજીની ઝાંખી થાય છે અને એટલે જ તેમણે એને વેચી દેવાના બદલે શ્રદ્ધાપૂર્વક પોતાની પાસે રાખ્યો છે. અચરજ પમાડે એવા આ ડાયમન્ડ ગણપતિજીને જોવા લોકોમાં ઉત્સુક્તા હોય છે, પરંતુ વેરિફિકેશન કરીને સગાંસંબંધીઓને દર્શન કરાવવામાં આવે છે.
અચરજ પમાડે એવા આ રફ ડાયમન્ડ વિશે વાત કરતાં હીરાના વેપારી રાજેશ પાંડવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિશ્વમાં પર્ફેક્ટ ગણપતિ આકારનો આ એકમાત્ર રફ હીરો છે અને એમાં જમણી સૂંઢવાળા ગણપતિ દેખાય છે જે જવલ્લે જ જોવા મળે છે. આ રફ હીરો નૅચરલ છે અને એ આફ્રિકાના કૉન્ગો દેશની ખાણમાંથી નીકળ્યો છે. આ રફ હીરો ૨૭.૭૪ કૅરૅટનો છે. ગણપતિદાદાની ઝાંખી આ રફ હીરામાં થાય છે એટલે એની સાથે અમારી આસ્થા જોડાઈ હોવાથી એ અમારા માટે અમૂલ્ય છે. મારી પાસે ૨૦૦૫થી આ રફ હીરો છે. આ હીરો અમૂલ્ય હોવાથી વર્ષમાં એક વાર માત્ર ગણેશચતુર્થીના દિવસે લૉકરમાંથી ઘરે લાવીને એની પૂજાઅર્ચના કરીએ છીએ. આ ગણપતિનાં દર્શન કરવા લોકોનો ધસારો રહે છે, પણ વેરિફિકેશન કરીને સગાંસંબંધીઓને આવવા દઉં છું.’
મૂળ ભાવનગર જિલ્લાના મહુવાના રાજેશ પાંડવે આ રફ હીરા વિશે કહ્યું હતું કે ‘સુરતમાં હું પહેલાં હીરાની દલાલીનું કામ કરતો હતો. એ સમયે ૨૦૦૫માં હીરાનું એક પૅકેટ મારી પાસે વેચાવા આવ્યું હતું. એમાંથી આ રફ હીરો નીકળ્યો હતો. એને જોયો એટલે મને આશ્ચર્ય થયું હતું, કેમ કે એમાં મને ગણેશજીની ઝાંખી દેખાઈ હતી. આ હીરો હું ઘરે લઈ ગયો હતો અને ફૅમિલીને બતાવ્યો ત્યારે ફૅમિલી પણ આ હીરાને જોઈને અચરજ પામી ગઈ હતી અને કહ્યું કે આમાં ગણેશજી દેખાય છે તો આપણે એને આપણી પાસે રાખી લઈએ. એટલે એ સમયે આ રફ હીરો મેં ખરીદી લીધો હતો. ત્યારથી આ હીરો મારી પાસે છે. લોકોને જ્યારે ખબર પડી કે રફ હીરામાં ગણપતિ દેખાય છે એટલે એને જોવા માટે ધસારો થયો હતો. જોકે આ હીરાને હવે અમે લૉકરમાં રાખીએ છીએ અને ગણેશચતુર્થી આવે ત્યારે એને લૉકરમાંથી ઘરે લાવીએ છીએ અને પૂજા કરીએ છીએ. આ હીરો ઘરે આવે ત્યારે મારે ત્યાં સગાંસંબંધીઓ એ જોવા અને એનાં દર્શન કરવા આવે છે, પરંતુ અમે વેરિફિકેશન કર્યા વગર કોઈને આવવા દેતા નથી. આ રફ હીરો મારી પાસે આવ્યા પછી અમારી પ્રગતિ થઈ છે.’