સુરતના ઝવેરીએ બનાવી વિશ્વની સૌથી નાની, માત્ર એક ઇંચની બાવીસ કૅરૅટ સોનાની ગણેશમૂર્તિ

28 August, 2025 06:54 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

આ મૂર્તિઓ ફક્ત એક ઇંચ ઊંચી અને ૧૦ ગ્રામ વજનની છે, જે 3D પ્રિન્ટ ટેક્નૉલૉજી અને ઍન્ટિક ફિનિશનો ઉપયોગ કરીને ઝીરો ડિફેક્ટ ગુણવત્તા સાથે બનાવવામાં આવી છે.

કિંમત છે ૧.૫ લાખ રૂપિયા, ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એન્ટ્રી માટે અરજી મોકલવામાં આવી

સુરતના એક ઝવેરીએ ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની વિશ્વની સૌથી નાની બાવીસ કૅરૅટ સોનાની મૂર્તિઓ બનાવીને અદ્ભુત સિદ્ધિ મેળવી છે. આ મૂર્તિઓ ફક્ત એક ઇંચ ઊંચી અને ૧૦ ગ્રામ વજનની છે, જે 3D પ્રિન્ટ ટેક્નૉલૉજી અને ઍન્ટિક ફિનિશનો ઉપયોગ કરીને ઝીરો ડિફેક્ટ ગુણવત્તા સાથે બનાવવામાં આવી છે.

આ મૂર્તિ વિશે ઝવેરી વીરેન ચોકસીએ જણાવ્યું હતું કે ‘દરેક મૂર્તિની કિંમત આશરે ૧.૫ લાખ રૂપિયા છે. એની કારીગરી એટલી જટિલ છે કે ૧૦ ફુટની મૂર્તિમાં ભગવાન ગણેશના ચહેરા અને શણગારમાં જે સ્પષ્ટતા જોવા મળે એવી આ એક ઇંચની મૂર્તિમાં પણ જોઈ શકાય છે.

સૌથી ખાસ વાત એ છે કે આટલી નાની મૂર્તિ હોવા છતાં એમાં ઝીરો ડિફેક્ટ છે એટલે કે કોઈ પણ પ્રકારની ખામી નથી. મારું કાર્ય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને ઝીરો ડિફેક્ટના વિઝન સાથે સુસંગત છે.’ આ મૂર્તિને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એન્ટ્રી મળે એ માટે અરજી કરવામાં આવી છે. આ મૂર્તિ બનાવવામાં વીસેક દિવસ લાગ્યા હતા અને ૪૦ કારીગરોની ટીમે આ કાર્ય પર દિવસ-રાત કામ કર્યું હતું. આઠેક નિષ્ણાતોની ટીમે આ ઉત્તમ કારીગરી બનાવવા માટે દિવસ-રાત કામ કર્યું છે.

gujarat news gujarat surat ganpati ganesh chaturthi festivals surat diamond burse gujarati community news