22 April, 2026 01:28 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
લોકો આ સાયકલને જોવા એકઠાં થઈ ગયાં હતાં - તસવીરો વીડિયો ગ્રેબ
ખાણીપીણીના શોખીન સુરતીઓ સમય સાથે લહેરીલાલાની ઓળખમાં નવા પાસા ઉમેરી રહ્યાં છે. સુરત વાર્તાઓનું અને કિસ્સાઓનું શહેર છે. સુરતમાં ઈતિહાસ છે, હીરાની ચમક છે તો ટેક્સ્ટાઈલના તાણાવાણા પણ છે. જો કે સુરતમાં એક અજીબ ઘટના ઘટી અને લોકો ચોંકી ગયા. સુરતના રસ્તા પર ધડ વગરનું અડધું શરીર સાયકલ ચલાવી રહ્યું હતું. ડર, આશ્ચર્ય અને આઘાત જેવી લાગણીઓ સાથે કૂતુહલ અને ઉત્સુકતા પણ હોય તે સ્વાભાવિક છે.
આ સાયકલ જેને જોઈને લાગે કે કોઈ ભૂત કે કોઈ જાદુઈ શક્તિ તેને ચલાવતી હશે તેનું સત્ય ટેક્નોલૉજીમાં છે. તમારે ચોંકવાની જરૂર નથી કારણકે આ સાયકલ ખરેખર તો શિવમ મૌર્ય નામના એક જુવાનિયાનું સર્જન છે. સોશ્યલ મીડિયા પર તે ક્રિએટીવ સાયન્સ નામે તેનું પેજ છે. શહેરમાં આ સાયકલ `ઘોસ્ટ સાયકલ` તરીકે ઓળખાઈ રહી છે.ત્રણ મહિનાની મહેનત પછી શિવમ મૌર્યએ તેના દોસ્ત ગુરપ્રીત અરોરા સાથે મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી ચાલતી સાયકલ બનાવી છે. એક રિપોર્ટ અનુસાર પાંત્રીસેક હજારના અંદાજિત ખર્ચે બનેલી આ સાયકલ એન્જિનિયરીંગનો એક ઉત્તમ નમુનો છે એમ કહેવું જ પડે. સાયકલનું પેડલ મિકેનિઝમ એવું છે કે અડધું શરીર તેના પર ગોઠવાયેલું હોય તેવું લાગે. લોકોએ આ સાયકલ જોઈને આશ્ચર્ય અને ડર બંન્ને લાગણીઓ બતાડી હતી. લોકોએ ડ્રાઈવર લેસ કાર વિશે સાંભળ્યું છે, કદાચ વિદેશમાં બનેલા વીડિયો પણ જોયા હોય પણ માળું પોતાના શહેરમાં અડધું કપાયેલું શરીર સાયકલ ચલાવે તો લોકોને જોણું તો થાય જ પણ સાથે સહજ ડર પણ લાગે.
આ ઘોસ્ટ સાયકલ સ્માર્ટ ફોન પર એપ્પથી ચલાવાય, રિમોટ કંટ્રોલથી પણ ચલાવાય છે અને ચોક્કસ રૂટનું કોડિંગ કરીને પુરી રીતે ઑટોમેટિકલી પણ ચલાવી શકાય છે. સર્કિટ અને સેન્સર્સથી તે અવરોધો ટાળી શકે છે તેમ આ બાહોશ જુવાનિયાઓએ ચોખવટ કરી છે. શિવમ મૌર્ય દ્વારા તૈયાર કરવામાં આવેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ડ્રાઈવરલેસ સાયકલની તકનીકી માહિતી આપવામાં આવી છે. આ સિસ્ટમમાં મુખ્યત્વે Arduino અથવા Raspberry Pi જેવા માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની સાથે રૂટ ફોલો કરવા માટે AI મોડ્યુલ અને લોકેશન ટ્રેકિંગ માટે GPS સિસ્ટમ જોડાયેલી છે. સાયકલના સુરક્ષિત સંચાલન માટે તેમાં વિવિધ સેન્સર્સ લગાવવામાં આવ્યા છે, જેમાં અડચણ ઓળખવા માટે અલ્ટ્રાસોનિક સેન્સર, બેલેન્સ જાળવવા માટે ગાયરોસ્કોપ અને એક્સલેરોમીટર, તેમજ લાઈન કે ચોક્કસ રૂટ ફોલો કરવા માટે IR સેન્સરનો સમાવેશ થાય છે. આ સાયકલને મોબાઈલ એપ (Bluetooth/WiFi દ્વારા), રિમોટ કંટ્રોલ અથવા પ્રી-પ્રોગ્રામ્ડ AI રૂટ દ્વારા સરળતાથી ઓપરેટ કરી શકાય છે.
શિવમ મૌર્યએ સોશ્યલ મીડિયા પર સારી એવી પ્રેઝન્સ ધરાવે છે. આ પહેલાં તેણે બનાવેલા ડ્રાઇવરલેસ મોટરબાઈક ગરુડની પણ ઘણી ચર્ચા થઈ હતી. તેના મતે આ પ્રકારની ટેક્નોલૉજી કોન્ટેક્ટલેસ ડિલીવરી, સિક્યોરિટી પેટ્રોલિંગ અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન માટે વાપરી શકાય છે. સુરતીઓના સ્વાદ સાથે હવે તેમના ઇનોવેટિવ સાયન્સની પણ ચર્ચા ઘણી થઈ રહી છે એમ કહેવું પડે.