ઈશ્વરના આશીર્વાદ કે સલામત હોટેલ પહોંચ્યા

20 October, 2021 08:28 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ઉત્તરાખંડમાં સતત બે દિવસથી પડી રહેલા ભયંકર વરસાદને કારણે રુદ્રપ્રયાગની નજીક ફાટામાં ફસાયેલા અમદાવાદના પાંચ મિત્રોમાંના એક તેજસ બ્રહ્મભટ્ટ સેફ હોવા બદલ ભગવાનનો આભાર માને છે

અમદાવાદથી ઉત્તરાખંડની યાત્રાએ ગયેલા મિત્રો અત્યારે તો ફસાઈ ગયા.

‘અમારા માથે ભગવાનના આશીર્વાદ હતા કે અમે સહીસલામત હોટેલ પહોંચી ગયા. અહીં સતત બે દિવસથી વરસાદને કારણે બહાર નીકળી ન શકાય એવી અત્યંત ખરાબ પરિસ્થિતિ હતી અને અમારે બધાને હોટેલમાં પુરાઈ રહેવું પડ્યું છે’ એમ ઉત્તરાખંડની કુદરતી આફતમાં ફસાયેલા અમદાવાદના તેજસ બ્રહ્મભટ્ટે ઉત્તરાખંડના ફાટાથી ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું.
ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનના પગલે ઊભી થયેલી કુદરતી આફતમાં ગુજરાતી યાત્રાળુઓ ફસાયા છે. 
ઉત્તરાખંડમાં બનેલી કુદરતી ઘટનાની વાત કરતાં ઉત્તરાખંડમાં મિત્રો સાથે યાત્રાએ ગયેલા અમદાવાદના તેજસ બ્રહ્મભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમે પાંચ મિત્રો અમારા વેહિકલમાં યાત્રા પર અહીં ઉત્તરાખંડ આવ્યા છીએ. અમે રુદ્રપ્રયાગથી ૧૦ કિલોમીટર દૂર ફાટામાં એક હોટેલમાં રોકાયા છીએ. અમે રવિવારે કેદારનાથનાં દર્શન કરવા નીકળ્યા હતા. ત્યારે ઉત્તરાખંડની સરકારે વાતાવરણ ખરાબ હોવાથી રેડ અલર્ટ આપી હતી અને ખરાબ વાતાવરણને કારણે યાત્રા સ્થગિત કરવામાં આવી જેને કારણે અમારું રજિસ્ટ્રેશન ન થઈ શક્યું, ત્યાંની સરકાર પાસે ઍડ્વાન્સ ટેક્નૉલૉજીને કારણે ખબર પડી ગઈ હતી કે વરસાદ પડશે. જોતજોતામાં તો વાતાવરણ ખરાબ થવા માંડ્યું હતું. વાદળ વધી ગયાં હતાં એટલે પરિસ્થિતિ પામી જઈને અમે બધા તરત હોટેલ પર પાછા આવી ગયા હતા. એ પછી તો જોરદાર વરસાદ પડ્યો હતો. રવિવારથી ચાલુ થયેલો વરસાદ સતત બે દિવસ સુધી પડતો રહ્યો. વરસાદને કારણે પરિસ્થિતિ બગડી ગઈ હતી અને બહાર નીકળી ન શકાય એવું વાતાવરણ થઈ ગયું હતું જેથી તમામ લોકોએ હોટેલમાં જ રોકાઈ રહેવું પડ્યું હતું.’
તેજસ બ્રહ્મભટ્ટે વધુમાં કહ્યું કે ‘અમારાં નસીબ સારાં કે રવિવારે અમે હોટેલ પર પાછા આવી ગયા હતા. ઘણા લોકો એવા હતા કે તેઓ નીચે નહોતા જઈ શક્યા અને નીચેથી લોકો ઉપર નહોતા આવી શક્યા. એટલી ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ હતી. અહીં અમને ઓછામાં ઓછા ૧૫૦ જેટલા ગુજરાતીઓ મળ્યા હતા જેઓ નવસારી, સુરત સહિતનાં શહેરોથી આવ્યા છે. જોકે આજે વાતાવરણ થોડું ખૂલ્યું છે અને હવે અમે સેફ છીએ.’
અમદાવાદમાં રહેતા મનીષ બ્રહ્મભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો નાનો ભાઈ તેજસ બ્રહ્મભટ્ટ, ચિરાગ બારોટ, ભદ્રેશ બારોટ, પ્રજ્ઞેશ બારોટ અને હરેશ બારોટ અમદાવાદથી નવરાત્રિમાં ૧૨ જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળ્યા છીએ. તેઓ બે દિવસથી ઉત્તરાખંડમાં ફસાયા છે અને રૂમની બહાર પણ નથી નીકળી શકતા. અમે વિડિયો-કૉલથી તેમના સંપર્કમાં છીએ.’

ઉત્તરાખંડમાં ગુજરાતના ૨૩૫ યાત્રીઓ સેફ છે
ઉત્તરાખંડમાં યાત્રા કરવા ગયેલા ૨૩૫ યાત્રીઓ સહીસલામત છે અને આ તમામ યાત્રાળુઓ સલામત સ્થળે પહોંચી ગયા હોવાનું ગુજરાત સરકારના કન્ટ્રોલરૂમનાં સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું.
ઉત્તરાખંડની કુદરતી ઘટનાને લઈને ગઈ કાલે ગુજરાત સરકાર હરકતમાં આવી હતી અને ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરનો હેલ્પલાઇન-નંબર જાહેર કર્યો હતો. કન્ટ્રોલરૂમનાં સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતના અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, જામનગર, મોરબી, નવસારી, પાટણ, વડોદરા, તાપી અને છોટાઉદેપુર જિલ્લામાંથી યાત્રીઓ ઉત્તરાખંડમાં યાત્રાએ ગયા છે. અત્યાર સુધીમાં ૨૩૫ યાત્રીઓનો સંપર્ક થયો છે અને એ તમામ યાત્રીઓ સલામત સ્થળે પહોંચી ગયા છે.’
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી સાથે ટેલિફોન પર વાત કરીને ગુજરાતના જે યાત્રીઓ ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ-સહાય માટે વાત કરી છે. 

gujarat gujarat news uttarakhand ahmedabad shailesh nayak bhupendra patel gujarat cm