09 November, 2025 10:39 AM IST | Patan | Gujarati Mid-day Correspondent
રેતીના ઢગલા સ્વરૂપે પદ્મનાભ ભગવાન અને દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ. રેતીના ઢગલાને ફૂલહાર દ્વારા શણગાર કરવામાં આવે છે.
રેતીના ભગવાન તરીકે શ્રદ્ધાળુઓમાં પૂજાય છે પદ્મનાભ ભગવાન : આજે પાટણના પદ્મનાભ ભગવાનની વાડીએ શ્રદ્ધાળુઓ ઊમટશે માટી લેવા : સપ્તરાત્રિના રેવડિયા મેળામાં ધાર્મિકજનો આવે છે દર્શને : રેતીના ઢગલા પર અબીલ, ગુલાલ, કંકુ તેમ જ ફૂલોથી પૂજા કરીને શણગારવામાં આવે છે
ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગર પાટણમાં રેતીના ભગવાન તરીકે શ્રદ્ધાળુઓ જેને પૂજે છે એ પદ્મનાભ ભગવાનની વાડીમાં આજે ધાર્મિકજનો પ્રભુનાં દર્શન કરવાની સાથે-સાથે માટી લેવા ઊમટશે. એક જમાનામાં જ્યાંથી સરસ્વતી નદી વહેતી હતી એ નદીકિનારે આવેલી વાડીમાં દેવી-દેવતાઓ અને ઋષિ-મુનિઓ તેમ જ પાંડવો માટીના ઢગલા સ્વરૂપે વર્ષોથી પૂજાઈ રહ્યાં છે. ભારતમાં એકમાત્ર પાટણ નગર એવું હશે જ્યાં દેવી-દેવતાઓ અને ઋષિ-મુનિઓને માટીના ઢગલા સ્વરૂપે પૂજવામાં આવે છે.
સામાન્ય રીતે મંદિરોમાં ભગવાન કે માતાજીની મૂર્તિ કે ફોટો હોય છે અને એની પૂજા-અર્ચના થાય છે, પરંતુ પાટણમાં કલેક્ટર ઑફિસ વિસ્તારમાં આવેલી પદ્મનાભ ભગવાનની વાડીમાં માટીના ઢગલાઓ છે જેને લોકો શક્તિ અને ભગવાનના સ્વરૂપમાં વર્ષોથી પૂજી રહ્યા છે. આ પરંપરા લોકઆસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. પદ્મનાભ ભગવાનની આ વાડીએ છેલ્લા છ દિવસથી સપ્તરાત્રિનો રેવડિયા મેળો ચાલી રહ્યો છે જેમાં રોજ રાતે ધાર્મિકજનો દર્શન કરવાની સાથે-સાથે મેળામાં મહાલવા ઊમટી રહ્યા છે.
રેતીના ઢગલા સ્વરૂપે ભગવાન શ્રીકૃષ્ણ.
રેતીના ઢગલા સ્વરૂપે પાંચ પાંડવોનું સ્થાનક.
માટીના ઢગલાને ભગવાન તરીકે પૂજવાની પ્રથા વિશે તેમ જ માટીના ઢગલાઓ ભગવાન અને શક્તિના રૂપમાં કેવી રીતે પૂજાવાના શરૂ થયા એ વિશે વાત કરતાં પદ્મનાભ ભગવાનની વાડી ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમોદ પ્રજાપતિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાટણમાં આવેલી પદ્મનાભ ભગવાનની વાડી પાસેથી એક જમાનામાં સરસ્વતી નદી વહેતી હતી. અહીં રેતીના ઢગલાના સ્વરૂપે પદ્મનાભ ભગવાન તેમ જ દેવી-દેવતાઓ, ઋષિ-મુનિઓ, પાંડવો પૂજાય છે એની પાછળની લોકવાયકા એવી છે કે ૬૦૦ વર્ષ પહેલાં અહીંના બાદશાહને પીઠમાં પાઠું થયું હતું. એના માટે બાદશાહે ઘણા ઉપચાર કર્યા, પણ એ કેમેય કરીને મટતું નહોતું અને બાદશાહ એના કારણે પરેશાન થઈ ગયા હતા. પદ્મનાભજીને આ વાતની ખબર પડી એટલે ચાકડાની માટી લઈને બાદશાહના પાઠા પર લગાડી દીધી હતી. માટીનો લેપ થતાં થોડા દિવસમાં બાદશાહનું પાઠું મટી ગયું હતું. બાદશાહે પદ્મનાભજીને નદીકિનારે જમીન આપી હતી. લોકવાયકા મુજબ એ જમાનામાં પદ્મનાભજીએ કારતક સુદ ચૌદશથી વાડીમાં ૩૩ કોટિ દેવી-દેવતાઓ, ઋષિ-મુનિઓ, પાંડવોને નિરાકાર રૂપમાં માટીના ઢગ સ્વરૂપે સ્થાન આપવાનું શરૂ કર્યું હતું. આ કામ કારતક વદ પાંચમ સુધી ચાલ્યું હતું. આ દરમ્યાન સંતો-મહંતો, ઋષિ-મુનિઓ વાડીમાં આવ્યા હતા. તેઓ અહીં સાત દિવસ રોકાયા હતા અને ઉત્સવ થયો હતો. પદ્મનાભજીએ વાડીમાં દેવી-દેવતાઓ અને ઋષિ-મુનિઓને નિરાકાર રૂપમાં માટીના ઢગલા સ્વરૂપે સ્થાન આપ્યું અને પોતે પાંચમના દિવસે માટીમાં સમાઈ ગયા અને ત્યાં જ્યોત પ્રગટી હતી.’
મનુષ્ય રૂપે જન્મેલા પદ્મનાભજી પાંચમની તિથિએ માટીમાં સમાઈ ગયા હતા અને જ્યોત પ્રગટી હતી એટલે સૌ તેમને ભગવાનના સ્વરૂપે પૂજે છે એમ જણાવતાં પ્રમોદ પ્રજાપતિએ કહ્યું હતું કે ‘શ્રદ્ધાળુઓએ એ સમયે પદ્મનાભજીને પણ માટીના ઢગલા સ્વરૂપે સ્થાન આપીને ભગવાન તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું. એ પરંપરા આજ સુધી ચાલી આવી છે. કારતક સુદ ચૌદશથી કારતક વદ પાંચમ સુધી અહીં સાત દિવસ રાતે મેળો યોજાય છે. આજે પાંચમ છે અને મેળાનો છેલ્લો દિવસ છે એટલે શ્રદ્ધાળુઓ આજે માટી લેવા ઊમટે છે. માટીનું મહત્ત્વ અને એની તાકાત પદ્મનાભ ભગવાને બતાવી હતી એટલે શ્રદ્ધાળુઓ અહીંથી પાંચમા દિવસે માટી પ્રસાદીરૂપે લઈ જાય છે. લોકોમાં એવી શ્રદ્ધા છે કે માણસને કંઈ વાગ્યું-કર્યું હોય કે કોઈ દરદ હોય તો અહીંની માટી લઈ જઈને એનો લેપ કરીને લગાડીએ તો દરદ મટી જાય છે. એટલે આ ખાસ દિવસે ધાર્મિકજનો અહીં વાડીમાં આવીને દર્શન કરીને પ્રસાદીરૂપે માટી ઘરે લઈ જાય છે. માટીના ઢગલા ભગવાનના સ્વરૂપમાં પૂજાય છે એવું ભારતનું આ એકમાત્ર સ્થાનક છે.’