08 November, 2026 02:27 PM IST | Salangpur | Gujarati Mid-day Correspondent
શેષ પૂજનનો પુરુષો તેમ જ મહિલાઓએ પણ લાભ લીધો હતો
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં ગઈ કાલે કાળીચૌદસના દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનદાદાના મંદિરે સમૂહયજ્ઞ અને હનુમાનદાદાનું વિશેષ પૂજન યોજાયું હતું. અગણિત ધાર્મિકજનોએ યજ્ઞમાં આહુતિ અર્પી હતી. ભક્તજનોએ હનુમાનદાદાના અભિષેક, છપ્પનભોગ અન્નકૂટ અને આરતીનો લહાવો લઈને હનુમાનદાદાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
શ્રીકષ્ટભંજનદેવ હનુમાનદાદાને હીરાજડિત મુગટ, પોપટની ડિઝાઇનવાળાં રજવાડી ફૂલ, ઝાડ, કમળની ડિઝાઇનવાળો મુગટ, મયૂરપંખના વાઘા અને મોતીનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહમાં મોતી અને પુષ્પોથી સજાવટ કરવામાં આવી હતી. સવારે ૫.૩૦ વાગ્યે મંગળા આરતી અને ત્યાર બાદ સવારે ૭ વાગ્યે શણગાર આરતી, જ્યારે ૧૧.૧૫ વાગ્યે છપ્પનભોગ અન્નકૂટ આરતી યોજાઈ હતી. સવારે ૮ વાગ્યે અભિષેક કરાયો હતો, જ્યારે બપોરે ૧૨.૩૦ વાગ્યે સમૂહ મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં ચરણે અંદાજે ૯૫ ગ્રામ સોનું અને ૧૬૦૦ ગ્રામ ચાંદીનાં ઘરેણાં અને આરતી અર્પણ કરાઈ હતી. ધનતેરસના દિવસે દ્વારકામાં એક વૈષ્ણવજને અંદાજે ૯૫ ગ્રામ સોનાનાં કર્ણ ફૂલ અને માળા ભગવાન દ્વારકાધીશનાં ચરણે અર્પણ કર્યાં હતાં. જ્યારે અન્ય એક વૈષ્ણવજને અંદાજે ૧૬૦૦ ગ્રામ ચાંદીની આરતી અર્પણ કરી હતી.