30 September, 2025 09:50 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે
ટિકિટ વેચાણમાં મોટા પાયે અનિયમિતતા અને શંકાસ્પદ કરચોરીના આરોપો બાદ, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટૅક્સ (GST) વિભાગે સોમવાર અને મંગળવારે અમદાવાદમાં એકાએક દરોડા પડ્યા હતા. જેમાં શહેરના કેટલાક સૌથી મોટા નવરાત્રી ગરબા આયોજકોનું નામ સામેલ છે અને હવે તેમની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકપ્રિય સ્થળો રંગ મોરલા, સુવર્ણ નગરી અને સ્વર્ણિમ નગરી સહિત આઠ સ્થળોએ એક સાથે દરોડા કરવામાં આવ્યું હતું. આ સાથે આદિત્ય ગઢવી, જિગરદાન ગઢવી અને પૂર્વા મંત્રી જેવા સ્ટાર કલાકારો સાથે થતાં ગરબા કાર્યક્રમો હાલમાં જીએસટી વિભાગના તપાસ હેઠળ આવ્યા છે.
કાળાબજારના આરોપો
નિશ્ચિત ભાવે વેચવાના પાસ, કાળાબજાર કરી કથિત રીતે ઊંચા દરે વહેંચવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો સામે આવ્યા બાદ તપાસકર્તાઓની ટેમે કાર્યવાહી શરૂ કરી દીધી છે. "ઘણા પાસ તેમની જાહેર કરેલી કિંમતથી બમણા કે ત્રણ ગણા ભાવે વેચાઈ રહ્યા હતા," એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું, અને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિભાગ તપાસ કરી રહ્યું છે કે શું આવક ઘોષણાઓમાં ફેરફાર કરીને કલેક્શન ઓછું બતાવવામાં આવ્યું હતું.
આયોજકો નજર હેઠળ
અમદાવાદનો ગરબા સિઝન, ખાસ કરીને નવરાત્રિ દરમિયાન, કરોડો રૂપિયાનો ઉદ્યોગ છે જે દર વર્ષે મોટી સંખ્યામાં ભીડને આકર્ષે છે. પાસની ઊંચી માગણી, સ્થળોએ મર્યાદિત ક્ષમતા સાથે, ઘણીવાર ટિકિટોના કાળાબજારને પણ પ્રોત્સાહન મળે છે, જેમાં ટિકિટો અનૌપચારિક નેટવર્ક દ્વારા ઊંચા ભાવે વેચવામાં આવે છે. "કાગળ પર, આયોજકો નિશ્ચિત દરે ચોક્કસ સંખ્યામાં પાસ જાહેર કરે છે. પરંતુ વાસ્તવિકતાઓ સૂચવે છે કે વચેટિયાઓ દ્વારા ભાવ વધારો અને જથ્થાબંધ વિતરણ થાય છે," તપાસથી પરિચિત એક સૂત્રએ જણાવ્યું હતું. GST વિભાગ હવે આયોજકોના નાણાકીય રેકોર્ડની તપાસ કરી રહ્યું છે, જેમાં વેચાણ ખાતાવહી, ઓનલાઈન વ્યવહારો અને સ્પોટ કલેક્શનનો સમાવેશ થાય છે, જેથી મૂલ્યાંકન કરી શકાય કે કરપાત્ર આવકનિ ઇરાદાપૂર્વક ઓછી માહિતી આપવામાં આવી છે કે નહીં. જીએસટી વિભાગના 10થી વધુ અધિકારીઓની ટીમે સુરતની સુવર્ણ નવરાત્રિ ગરબામાં પણ દરોડા પાડ્યા છે.
નવરાત્રિ અર્થતંત્રની ભૂતકાળની ચકાસણી
આ પહેલીવાર નથી જ્યારે અમદાવાદના ગરબા ઈવેન્ટ ટૅક્સ ચોરીના આરોપો હેઠળ આવ્યા હોય. પાછલા વર્ષોમાં પણ, આવકવેરા અને GST બન્ને અધિકારીઓએ હાઇ-પ્રોફાઇલ ગરબા ઇવેન્ટ્સ દ્વારા થતી કમાણીના વિશાળ પાયે ટાંકીને રિપોર્ટિંગમાં વિસંગતતાઓ દર્શાવી હતી. સ્પોન્સરશિપ, જાહેરાત અને સેલિબ્રિટી પર્ફોર્મન્સના મિશ્રણને કારણે, તપાસકર્તાઓનો દાવો છે કે ઉદ્યોગ ઘણીવાર આ બાબતમાં ફસાઈ જાય છે. જ્યારે GST વિભાગે હજી સુધી સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, જોકે સૂત્રોએ માહિતી આપી હતી કે જો કરચોરીના પુરાવા મળશે તો સર્વેક્ષણો પછી નોટિસ અને આયોજકો સામે વધુ તપાસ કરવામાં આવશે.