ગુજરાતમાં પહેલી વાર કોઈ એક જ હૉસ્પિટલમાં ૪૦૦ કિડની ડોનેટ થઈ

11 November, 2025 08:57 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં થયેલા લેટેસ્ટ અંગદાનમાં બે કિડની મળતાં આ માઇલસ્ટોન રચાયો

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં થયેલા લેટેસ્ટ અંગદાનમાં બે કિડની મળતાં આ માઇલસ્ટોન રચાયો: આ જ હૉસ્પિટલમાં અત્યાર સુધીમાં થયાં ૨૧૮ વ્ય​ક્તિનાં અંગદાન, ૭૦૧ વ્યક્તિઓને મળ્યું નવજીવન

ગુજરાતની હૉસ્પિટલોના ઇતિહાસમાં પહેલી વાર કોઈ એક જ હૉસ્પિટલમાંથી ૪૦૦ કિડનીનું અંગદાન થવાની ઘટના અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં બની છે. સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ થયેલા અને ૭ નવેમ્બરે બ્રેઇન-ડેડ જાહેર થયેલા મધ્ય પ્રદેશના બાવીસ વર્ષના યુવાનના ગુપ્ત અંગદાનમાં લિવર અને હૃદયના અંગદાનની સાથે-સાથે બે કિડની મળતાં આ માઇલસ્ટોન રચાયો હતો.

સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતમાં આવું પહેલી વાર બન્યું છે કે ગુજરાતની કોઈ એક જ હૉસ્પિટલમાંથી ૪૦૦ કિડનીનું અંગદાન થયું હોય. ૪૦૦ કિડનીનું ડોનેશન એ ગૌરવશાળી માઇલસ્ટોન છે અને આટલી માનવજિંદગી બચાવવાનું ભગીરથ કાર્ય થયું છે. સિવિલ હૉસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૨૧૮ વ્યક્તિનાં અંગદાન થયાં છે. એ દ્વારા ૭૨૩ અંગો, ૧૫૬ આંખો અને ૨૬ ચામડીનાં દાન સહિત કુલ ૯૦૫ અંગો અને પેશીઓનું દાન થયું છે જે એક જ હૉસ્પિટલમાંથી થયેલા અંગદાનના રેકૉર્ડ સમાન છે. આ અંગદાન દ્વારા ૭૦૧ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.’ 

કયાં અંગોનું કેટલું દાન?

સિવિલ હૉસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૯૨ લિવર, ૪૦૦ કિડની, ૧૮ સ્વાદુપિંડ, ૭૧ હૃદય, ૬ હાથ, ૩૪ ફેફસાં, બે નાનાં આંતરડાં, ૧૫૬ આંખો અને ૨૬ ચામડીનું દાન મળ્યું છે. 

gujarat news ahmedabad municipal corporation ahmedabad healthy living gujarat