અમદાવાદમાં સોશ્યલ મીડિયા પરના ટ્વીટથી દિવ્યાંગ વૃદ્ધને મળ્યો આશરો

02 June, 2021 02:27 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

જિલ્લા અધિક કલેક્ટર હર્ષદ વોરાએ સરખેજ વિસ્તારમાં ગંદકીમાં સબડી રહેલા ભરત રાવળ પાસે ટીમ મોકલી તેમને આશ્રયગૃહમાં સ્થાન અપાવ્યું

સરખેજ વિસ્તારમાં બ્ર‌િજ નીચે ગંદકીમાં સબડી રહેલા દિવ્યાંગ વૃદ્ધને ઓઢવના આશ્રયગૃહમાં લઈ જવામાં આવ્યા હતા.

સોશ્યલ મીડિયા પર આવેલા એક ટ્વીટથી અમદાવાદમાં ૭૨ વર્ષના દિવ્યાંગ વૃદ્ધને આશરો મળ્યાની સુખદ ઘટના બનવા પામી છે અને સરખેજ વિસ્તારમાં ગંદકીમાં સબડી રહેલા ભરત રાવળ પાસે અમદાવાદ જિલ્લાના અધિક કલેક્ટર હર્ષદ વોરાએ એક ટીમ મોકલી આશ્રયગૃહમાં આશરો અપાવ્યો હતો.

હર્ષદ વોરાના ધ્યાનમાં આવેલા ટ્વીટમાં એવી નોંધ હતી કે ‘આ નિરાધાર વૃદ્ધ દિવ્યાંગ લાચાર પરિસ્થિતિમાં પીડાઈ રહ્યા છે.’ આ ટ્વીટ વાંચીને તેમણે વૃદ્ધનું લોકેશન માગ્યું હતું જેના આધારે ખબર પડી કે આ દિવ્યાંગ સરખેજ વિસ્તારમાં આવેલા ઉજાલા સર્કલ બ્ર‌િજ નીચે ગંદકીમાં સબડી રહ્યા છે. હર્ષદ વોરાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આદેશ કરી એક ટીમ સ્થળ પર મોકલી હતી. આ ટીમે દિવ્યાંગ ભરત રાવળને બ્ર‌િજ નીચેથી ગાડીમાં બેસાડીને ઓઢવ વિસ્તારમાં આવેલા જિલ્લા આશ્રયગૃહમાં લઈ ગઈ હતી જ્યાં તેમને આશરો મળ્યો છે.

gujarat ahmedabad