ત્રણ પક્ષમાંથી ફૉર્મ ભરનાર ઉમેદવારે ફાઇનલી BJPમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો

14 April, 2026 07:15 AM IST  |  Dahod | Gujarati Mid-day Correspondent

ગુજરાતના ચૂંટણી-ઇતિહાસમાં બની આશ્ચર્યજનક ઘટના ઃ દાહોદ જિલ્લાપંચાયતની પીપેરો બેઠક પરથી ભારતસિંહ વાખળાએ BJP, કૉન્ગ્રેસ અને AAPમાંથી ઉમેદવારી નોંધાવી હતી

ભારતસિંહ વાખળા

ગુજરાતના ચૂંટણી-ઇતિહાસમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. દાહોદ જિલ્લાપંચાયતની પીપેરો બેઠક પરથી એક જ ઉમેદવારે ત્રણ-ત્રણ રાજકીય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ગઈ કાલે ફૉર્મ-ચકાસણી હતી જેમાં આ ઉમેદવારે કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ને બદલે ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી ચૂંટણી લડવાનો નિર્ણય કરીને કૉન્ગ્રેસ અને AAPનું ફૉર્મ રદ કરાવ્યું હતું.   

દાહોદ જિલ્લામાં રહેતા ભારતસિંહ વાખળાએ દાહોદ જિલ્લાપંચાયતની પીપેરો બેઠક માટે  BJP, કૉન્ગ્રેસ અને AAPમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સંભવિત રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પહેલી એવી ઘટના હશે જેમાં એક જ ઉમેદવારે ત્રણ રાજકીય પક્ષમાંથી ફૉર્મ ભર્યું હોય. ભારતસિંહ વાખળાએ BJP, કૉન્ગ્રેસ અને AAPમાંથી ઉમેદવારી ફૉર્મ ભર્યું હતું. એટલું જ નહીં, તેમને ત્રણેય રાજકીય પાર્ટીમાંથી મૅન્ડેટ પણ મળી ગયા હતા. ગઈ કાલે ફૉર્મની ચકાસણીનો દિવસ હતો જેથી તેમણે BJPમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કરીને કૉન્ગ્રેસ તેમ જ AAPમાં ભરેલું ઉમેદવારી ફૉર્મ રદ કરાવ્યું હતું. 

મીડિયા સાથે વાત કરતાં ભારતસિંહ વાખળાએ કહ્યું હતું કે ‘મેં ત્રણેય પક્ષમાંથી ટિકિટ માગી હતી અને મને ટિકિટ મળી પણ ગઈ હતી. ફૉર્મ-ચકાસણીમાં મારાં ત્રણેય ફૉર્મ મંજૂર થયાં હતાં. એમાંથી બે ફૉર્મ પાછાં ખેંચ્યાં છે અને હવે હું BJPમાંથી ચૂંટણી લડવાનો છું. મેં લેખિતમાં સોગંદનામું કર્યું છે કે કૉન્ગ્રેસ અને AAPમાંથી ચૂંટણી લડવાનો નથી. એટલે કૉન્ગ્રેસ અને AAPમાંથી મારું ફૉર્મ રદ કરવા જણાવ્યું છે. મેં જોયું કે ગુજરાત અને દિલ્હીમાં BJPની સરકાર હોવાથી હું વિચારીને જ BJPમાં જોડાયો છું.’

gujarat news gujarat gujarat elections dahod bhartiya janta party bjp bharatiya janata party congress aam aadmi party indian politics