ગુજરાત વિધાનસભાની દીવાલો બની શોભાયમાન

20 February, 2026 09:55 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

માતાની પછેડી, કચ્છી મડ મિરરવર્ક અને વારલી કળાના આર્ટવર્કથી ગુજરાત વિધાનસભાની દીવાલો બની શોભાયમાન

ગુજરાત વિધાનસભાની દીવાલ પર બનાવેલું પરંપરાગત આર્ટવર્ક

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરૂ થયું છે ત્યારે આ વખતે કળાકારીગરીને વિધાનસભાના સંકુલમાં સ્થાન આપીને એક નવતર પગલું ભરવામાં આવ્યું છે. વિધાનસભાના સંકુલની ભીંતો પર અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરરવર્ક અને આદિવાસી વારલી કળાની કળાકૃતિઓને સ્થાન આપવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભાના સંકુલની ભીંતો પર લોકવારસાની ઝાંખી કરાવતી કળાકૃતિઓનું આર્ટવર્ક કરવામાં આવ્યું છે. આ આર્ટવર્ક ગુજરાતની કળાકારીગરીની વૈવિધ્યતાને પ્રતિબિંબિત કરી રહી છે. પરંપરાગત કલમકારી કળા જે અમદાવાદી માતાની પછેડી તરીકે ઓળખાય છે એનું આર્ટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે તો છોટાઉદેપુરની વારલી કળાની લોકકૃતિઓ જોવા મળી રહી છે. વિધાનસભાની દીવાલો પર કચ્છી મડ મિરરવર્ક કળાનો રંગ પણ છવાયો છે. મુલતાની માટી અને રંગીન કાચનો ઉપયોગ કરીને તૈયાર થતી આ પરંપરાગત કળા કચ્છનાં ભૂંગાં ઘરોમાં જોવા મળે છે. આમ અલગ-અલગ ૩ કળાઓનાં આર્ટવર્ક વિધાનસભાની ભીંતોને શોભાવી રહ્યાં છે. ગુજરાત વિધાનસભામાં આવતા પ્રધાનો, પ્રજાના પ્રતિનિધિઓ, અધિકારીઓ સહિતના કર્મચારીઓ તેમ જ મુલાકાતીઓમાં વિધાનસભાની ભીંતો પર દોરાયેલી લોકકળાકૃતિઓના આર્ટવર્કે આકર્ષણ જમાવ્યું છે. આ આર્ટવર્કને લોકો ઉત્સાહથી જોઈ રહ્યા છે.

gujarat government vidhan bhavan gujarat news gujarat culture news