18 July, 2026 08:53 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
બિલાલ શેરા, મહમ્મદ કડીવાલ, મોહમ્મદ સુણસરા, શફીઅ મુખી, મોહમ્મદ હસન કરડિયા
ગુજરાતની ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ થોડા દિવસ પહેલાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ૮ આરોપીઓને ઝડપીને તેમની પૂછપરછ કરતાં જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાઈને દેશવિરોધી કાવતરું રચતા વધુ પાંચ આરોપીઓને પકડ્યા છે. આ પાંચ આરોપીઓ આતંકવાદી કૃત્ય પાર પાડવાના ષડયંત્રમાં સક્રિય રીતે ભાગ ભજવી રહ્યા હોવાનું જણાઈ આવતાં તેમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને ૮ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બૉમ્બ અસેમ્બલ કરીને IED બ્લાસ્ટ કરવાનું શીખ્યા હતા. તમામ આરોપીઓ ‘અકેલા મુજાહિદ જિહાદ કૈસે કરે’ પુસ્તકની ઝેરોક્સ કરાવીને વાંચતા અને મદરેસાના અન્ય તાલીમાર્થીઓને જેહાદમાં જોડાવા માટે દાવત આપતા હતા.
આરોપીઓ દ્વારા આવી ૩ દાવત આપવામાં આવી હતી.
આરોપીઓ પાસેથી મળી આવેલું સાહિત્ય
આરોપીઓએ ૨૦૨૩થી લઈને ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં કુલ ૮ વાર અલગ-અલગ સમયે અલગ-અલગ જગ્યાએ વિવિધ એક્સપ્લોઝિવ ટાઇમર મેકૅનિઝમથી બ્લાસ્ટ કરવાની પદ્ધતિઓનો અભ્યાસ કરી સક્રિય પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. આ માટે આરોપીઓ દ્વારા ગન પાઉડર બનાવવા માટેના રૉ ઇન્ગ્રીડિઅન્ટને ઑનલાઇન શૉપિંગ પ્લૅટફૉર્મ અને લોકલ માર્કેટમાંથી ખરીદીને બૉમ્બ ફોડવાની જુદી-જુદી પદ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આની તપાસ દરમ્યાન એક આરોપી પાસેથી IED બૉમ્બ બનાવવાની સામગ્રી તપાસ માટે રિકવર કરવામાં આવી છે.