સાત હૉલ્ટ અને કટિંગ ચા

09 January, 2022 10:41 AM IST  |  Rajkot | Rashmin Shah

વાઇબ્રન્ટ કૅન્સલ થતાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગઈ કાલે અમદાવાદ-રાજકોટ સિક્સ-લેનનું કામ જોવા નીકળી પડ્યા ત્યારે રસ્તામાં અનેક જગ્યાએ ગાડી ઊભી રખાવીને આસપાસનાં ગામડાંના લોકો સાથે પણ વાતો કરી

ભૂપેન્દ્ર પટેલ

સોમવારથી ગુજરાતમાં વાઇબ્રન્ટ શરૂ થવાની હતી, પણ કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વાઇબ્રન્ટ કૅન્સલ થતાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અગાઉથી નિર્ધારિત તમામ કાર્યક્રમો કૅન્સલ થયા, જેને લીધે પોતાનું શેડ્યુલ ફ્રી થઈ જતાં ભૂપેન્દ્રભાઈ પટેલ આગોતરી જાણ કર્યા વિના જ પોતાની ટીમ સાથે ગઈ કાલે સવારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાલતું સિક્સ-લેનનું કામ જોવા માટે નીકળી પડ્યા હતા. પોતાની આ ટ્રિપ દરમ્યાન ભૂપેન્દ્રભાઈએ સાત હૉલ્ટ લીધા હતા અને દરેક હૉલ્ટ પર રોડનું કામ જોવાની સાથોસાથ તેમણે ત્યાં હાજર રહેલા લોકો સાથે વાત પણ કરી હતી, તો આજુબાજુનાં ગામડાંના લોકો ભેગા થઈ જતાં તેમની સાથે પણ વાતો કરી હતી.

ભૂપેન્દ્રભાઈએ પહેલો હૉલ્ટ બગોદરા પાસે આવેલી કનૈયા કાઠિયાવાડી હોટેલ નામના ધાબા પર કર્યો હતો અને ત્યાં ખાટલા પર બેસીને મસાલા-ચા પણ પીધી હતી, એટલું જ નહીં, તેમણે એ સમયે હોટેલમાં હાજર અન્ય ગ્રાહકોની લાગણીને માન આપીને તેમની સાથે ફોટો પણ પડાવ્યા હતા, તો ટીનેજર્સે સેલ્ફીની માગણી કરતાં સેલ્ફી પણ પડાવ્યા હતા. ચા પીધા પછી ભૂપેન્દ્રભાઈએ ચાનાં વખાણ કર્યાં હતાં અને ચાના પૈસા ચૂકવાયા કે નહીં એની ચીવટ પણ રાખી હતી.

દાદાના હુલામણા નામે વધુ પૉપ્યુલર થયેલા ભૂપેન્દ્રભાઈને ખાટલા પર બેસીને મસાલા-ચા પીતા જોઈને લોકોને કેશુભાઈ પટેલ યાદ આવી ગયા હતા. કેશુભાઈ પટેલે અમદાવાદમાં પસાર થતી વખતે ગાડી રોકાવીને સાબરમતી જેલના કેદીઓ દ્વારા તૈયાર થતાં અને જેલનાં ભજિયાં તરીકે જાણીતાં થયેલાં ભજિયાં ખાધાં હતાં અને જૂનાગઢ-વિસાવદર હાઇવે પર આવેલા એક ધાબા પર બેસીને રકાબીમાં ચા પણ પીધી હતી.

ભૂપેન્દ્રભાઈ પટેલે હાઇવે પર ચાલતા કામની બાબતમાં પણ પોતાની કુનેહ દર્શાવતાં રસ્તા પર ઘૂંટણભેર બેસીને હાઇવે પર ચાલતા ડામરકામને ઝીણવટથી ચકાસ્યું હતું, તો ડામરમાં કોઈ જાતની ભેળસેળ નથી થતી એની પણ ખરાઈ કરી લીધી હતી. 

gujarat gujarat news gujarat cm bhupendra patel ahmedabad rajkot Rashmin Shah