માન ગએ ઉસ્તાદ, પોતાના પક્ષથી થઈ નારાજગી દૂર

29 April, 2022 07:58 AM IST  |  Mumbai | Shailesh Nayak

પક્ષથી નારાજ થયેલા ગુજરાત કૉન્ગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના સૂર બદલાયા, કહ્યું કે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે : હાર્દિક પટેલના પિતા ભરત પટેલની ગઈ કાલે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં કૉન્ગ્રેસના નેતાઓ રહ્યા ઉપસ્થિત

ગઈ કાલે યોજાયેલી હાર્દિક પટેલના પિતા ભરત પટેલની શ્રદ્ધાંજલિ સભા અને ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાત કૉન્ગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના અગ્રણીઓ.

છેલ્લા કેટલાક દિવસોથી પોતાના જ પક્ષથી નારાજ થયેલા ગુજરાત કૉન્ગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની નારાજગી દૂર થઈ હોય એવું જણાય છે કેમ કે પક્ષથી નારાજ થયેલા હાર્દિક પટેલના ગઈ કાલે સૂર બદલાયા હતા અને કહ્યું હતું કે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.

પિતા ભરત પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે હાર્દિક પટેલે ગઈ કાલે શ્રદ્ધાંજલિ સભા અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન વિરમગામમાં પોતાના નિવાસસ્થાને કર્યું હતું. જેમાં ગુજરાત કૉન્ગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના અગ્રણીઓ, સાધુ-સંતો, સમાજના આગેવાનો, બીજેપીના સ્થાનિક નેતાઓ તેમ જ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. ભરત પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મેં એવું કહ્યું કે મને કામ આપો. ચોક્કસ પાર્ટી તરફથી મને કામ મળશે તો ૧૧૦ની સ્પીડે ચાલતી ટ્રેનની જેમ કામ કરીશ. એ જ પાર્ટી  વ્યક્તિત્વનું, એ જ સાથીદારોનું મહત્ત્વનું અંગ રહ્યું છે. જ્યારે કોઈ નારાજગી હોય તો સાથે બેસીને સુલઝાવી દેવી જોઈએ એ સારી વાત છે. એવું માનતા હોય કે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે તો હું પણ એ પ્રક્રિયામાં આગળ વધીશ. સવાલ બહુ સિમ્પલ છે, ગુજરાત રાજ્યના હિત માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું છે. એમાં કેટલી સરળતાથી, કેટલા સહયોગથી આપણે આગળ વધી શકીએ એ પ્રયાસ આવનારા દિવસમાં કરવાનો છે. સુખ-દુઃખના સાથી બનવું દરેક વ્યક્તિત્વ માટે મહત્ત્વનું હોય છે. સૌ આવ્યા એ મારા માટે આનંદની વાત છે. વ્યક્તિગત વિરોધ હોઈ શકે, અલગ મતભેદ હોઈ શકે પણ ધાર્મિક પ્રસંગે એ મતભેદ ન હોય.’ 

 

gujarat gujarat news gujarat elections Gujarat Congress congress hardik patel