ગુજરાત કૉન્ગ્રેસે બીજેપીની સ્કિલ સામે સવાલો કર્યા

18 May, 2022 09:52 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતાવાળાં દેશનાં ટૉપ ફાઇવ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નહીં, રોજગારક્ષમતાના મામલે ટૉપ ફાઇવ રાજ્યોમાં મહારાષ્ટ્ર ટૉપ પર

પ્રતીકાત્મક તસવીર

સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતાવાળા દેશનાં ટૉપ ફાઇવ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નહીં થયો હોવાનું ગુજરાત કૉન્ગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવીને આક્ષેપ કરતાં કહ્યું કે સ્કિલ ડેવલપમેન્ટના બીજેપી સરકારના મોટા દાવાનો પરપોટો ફૂટી ગયો છે. 
ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કરતાં કહ્યું કે ‘દેશના યુવાનો–વિદ્યાર્થીઓમાં નૉલેજ, સ્કિલ – ઍપ્ટિટ્યુડ, સ્કિલ ગૅપ, માપદંડ સાથે વૈજ્ઞાનિક અભિગમથી ૧૧ વિવિધ સેક્ટરના ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ – ૨૦૨૨માં સ્કિલ ડેવલપમેન્ટ, રોજગારક્ષમતા સહિતના મુદ્દે નંબર-વનની જાહેરાત કરતી બીજેપી સરકારના દાવાના પરપોટા ફૂટી ગયા છે અને એ માટે બીજેપી સરકારની નીતિ જવાબદાર છે. રાજ્યમાં યુવાનોને રોજગારમાં વેતન ઓછું મળી રહ્યું છે. બે લાખ રૂપિયા કરતાં વધુ પગાર આપી શકે એવી વ્યવસ્થા ધરાવતાં ટૉપ ફાઇવ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. 
બીજેપી શાસકોના છેલ્લાં ૨૭ વર્ષના દિશાવિહીન, સાતત્ય વિનાની નીતિ, ગુણવત્તાના અભાવના પરિણામે ગુજરાતના યુવાનો સામે મોટા પડકાર ઊભા થયા છે.’ તેમણે વધુમાં કહ્યું હતું કે ‘વધુ રોજગારક્ષમતાનાં ટૉપ ફાઇવ રાજ્યોમાં પ્રથમ મહારાષ્ટ્ર પછી ઉત્તર પ્રદેશ, કેરલા, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકનો સમાવેશ છે. રોજગારક્ષમતા ધરાવતાં ટૉપ ફાઇવ શહેરોમાં પ્રથમ પુણે, ત્યાર બાદ લખનઉ, ત્રિવેન્દ્રમ, કલકત્તા અને બૅન્ગલોરનો સમાવેશ થાય છે.’

gujarat gujarat news shailesh nayak