18 October, 2025 07:28 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
શપથવિધિ સમારોહ પછી ભૂપેન્દ્ર પટેલ અને તેમનું નવું પ્રધાનમંડળ
દિવાળી પર્વની શરૂઆત સાથે જ ભારતીય જનતા પાર્ટી (BJP)ના હાઇકમાન્ડે ગુજરાતમાં સાફસૂફી કરીને ગઈ કાલે પ્રધાનમંડળના વિસ્તરણ સાથે પુનઃ રચના કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત BJP હાઇકમાન્ડે હર્ષ સંઘવીમાં વિશ્વાસ મૂકીને તેમને આગળ વધવા મોકળું મેદાન આપીને સૌથી નાની ઉંમરે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલી શપથવિધિમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે હર્ષ સંઘવી સહિત ૨૧ પ્રધાનોએ શપથ લીધા હતા. આમ હવે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં એક મુખ્ય પ્રધાન અને એક નાયબ મુખ્ય પ્રધાન ઉપરાંત ૨૪ પ્રધાનો સાથે પ્રધાનમંડળમાં કુલ ૨૬ સભ્યો થયા છે. દિવાળીના આ તહેવારની શરૂઆતમાં જ પ્રધાનપદ મળતાં નવા પ્રધાનો અને તેમના પરિવારો સહિત કાર્યકરોમાં ખુશી છવાઈ ગઈ હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્ય પ્રધાન તથા પ્રધાનોને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન તરીકે હર્ષ સંઘવી તથા કૅબિનેટ કક્ષાના પાંચ અને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવતા ૩ તથા રાજ્યકક્ષાના ૧૨ પદનામિત પ્રધાનોએ ઈશ્વરના નામે શપથ લીધા હતા.
નાની ઉંમરે મળ્યું નાયબ પ્રધાનપદ
સુરતના મજુરા વિધાનસભા મતવિસ્તારના વિધાનસભ્ય હર્ષ સંઘવીનો જન્મ ૧૯૮૫ની ૮ જાન્યુઆરીએ થયો હતો એટલે તેમણે ૪૦ વર્ષ પૂરાં કર્યાં છે. તેઓ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે રમતગમત અને યુવક સેવા, ગૃહ
અને પોલીસ હાઉસિંગ સહિતના વિભાગોના પ્રધાન તરીકે કાર્યરત હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની કામગીરી ઊડીને આંખે વળગી હતી. ભારતના અમદાવાદમાં ઑલિમ્પિક્સ યોજાય એવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇચ્છા છે ત્યારે ગુજરાતમાં ઇન્ટરનૅશનલ કક્ષાના જુદા-જુદા રમતોત્સવ થાય એ માટે હર્ષ સંઘવી રમતગમત વિભાગ સાથે સંકલનમાં રહીને સતત પ્રયત્નશીલ રહ્યા છે અને એના ભાગરૂપે કૉમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં આવી રહી છે. આ ઉપરાંત ગૃહવિભાગમાં પણ અસરકારક કામગીરી કરી છે. કદાચ તેમની કામગીરી અને મહેનત તેમ જ તેમની ઉંમરને જોતાં ગુજરાત સરકારમાં નવી પેઢીને તૈયાર કરવા પર ફોકસ કરીને હર્ષ સંઘવીને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા હોઈ શકે છે.
કૅબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો
જિતેન્દ્ર (જીતુ) વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકીનો કૅબિનેટ પ્રધાન તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનશેરિયા અને મનીષા વકીલને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. રાજ્યકક્ષાના પ્રધાન તરીકે કાંતિલાલ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણકુમાર માળી, ડૉ. જયરામ ગામીત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજયસિંહ મહીડા, પી. સી. બરંડા, સ્વરૂપજી ઠાકોર અને રિવાબા જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
૬ પ્રધાનો યથાવત્
ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં કનુભાઈ દેસાઈ, હૃષીકેશ પટેલ, કુંવરજી બાવળિયા અને પરષોત્તમ સોલંકીને નવા પ્રધાનમંડળમાં યથાવત્ રાખવામાં આવ્યા છે, જ્યારે હર્ષ સંઘવી અને પ્રફુલ પાનશેરિયા પાસેથી રાજીનામું લઈને ફરી તેમનો પ્રધાનમંડળમાં સમાવેશ કરીને પ્રમોશન અપાયું છે. એટલે એમ કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલની સરકારના અગાઉના પ્રધાનમંડળના ૬ સભ્યોને યથાવત્ રાખ્યા છે.
૩ મહિલાઓને સ્થાન
ગુજરાતના નવા પ્રધાનમંડળમાં ૩ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. એમાં વડોદરાનાં ભૂતપૂર્વ શિિક્ષકા અને સુપરવાઇઝર તેમ જ અગાઉની સરકારમાં મહિલા અને બાળવિકાસ વિભાગનાં પ્રધાન તરીકે કામ કરનાર ડૉ. મનીષા વકીલ, અમદાવાદની શાળાનાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલ દર્શના વાઘેલા અને ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર રવીન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને પ્રધાન બનાવ્યાં છે. ઉલ્લેખનીય છે કે ૧૯૯૦ની પાંચમી સપ્ટેમ્બરે જન્મેલાં રીવાબા આ પ્રધાનમંડળમાં સૌથી નાની ઉંમરનાં પ્રધાન બન્યાં છે.
૧૯ નવા ચહેરાને મળ્યું સ્થાન
ગુજરાત સરકારના પ્રધાનમંડળમાં ૧૯ નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. એમાં જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમ્ન વાજા, રમણ સોલંકી, ઈશ્વરસિંહ પટેલ, ડૉ. મનીષા વકીલ, કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજયસિંહ મહીડા, પૂનમ બરંડા, સ્વરૂપજી ઠાકોર અને રીવાબા જાડેજાને સ્થાન મળ્યું છે. જોકે જીતુ વાઘાણી, નરેશ પટેલ, ઈશ્વરસિંહ પટેલ અને ડૉ. મનીષા વકીલ અગાઉની સરકારમાં પ્રધાન રહી ચૂક્યાં છે.
૧૦ પ્રધાનોની બાદબાકી થઈ
ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાંથી ૧૦ પ્રધાનોની બાદબાકી થઈ છે. એમાં રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુબેર ડીંડોર, મૂળુ બેરા, બચુ ખાબડ, ભાનુબહેન બાબરિયા, મુકેશ પટેલ, ભીખુસિંહજી પરમાર, કુંવરજી હળપતિ અને જગદીશ વિશ્વકર્માનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે જગદીશ વિશ્વકર્માને થોડા સમય પહેલાં ગુજરાત BJPના પ્રદેશપ્રમુખ બનાવ્યા છે.
૧૪ પ્રધાનો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા
ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં ૧૪ પ્રધાનો એવા છે જેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એટલે કદાચ ગુજરાતના ખેડૂતો એવી આશા રાખી શકે કે તેમના પ્રશ્નોને આ નવા પ્રધાનો સારી રીતે સમજી શકશે અને એનો ઉકેલ લાવી શકશે. ખેતી સાથે સંકળાયેલા પ્રધાનો ઉપરાંત ૩ પ્રધાનો ભૂતપૂર્વ પ્રિન્સિપાલ છે, એક ભૂતપૂર્વ શિિક્ષકા ઉપરાંત ડૉક્ટર, પશુપાલન, બાંધકામ, વેપારધંધો અને સમાજસેવા સાથે સંકળાયેલા વિધાનસભ્યો પ્રધાન બન્યા છે.
કોને મળ્યું કયું ખાતું?
ગુજરાતમાં પ્રધાનમંડળના વિસ્તરણ સાથે પુનઃ રચના થયા બાદ ગઈ કાલે સાંજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં પ્રધાનોને તેમના વિભાગોની ફાળવણી કરવામાં આવી હતી.
નાયબ મુખ્ય પ્રધાન તરીકેનું પદ મળ્યા બાદ ગુજરાતના ગૃહ અને રમતગમત વિભાગ હર્ષ સંઘવી પાસે જ રહેશે. બીજી તરફ કૉન્ગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ વિભાગના પ્રધાન બનાવવામાં આવ્યા છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, માર્ગ અને મકાન, નર્મદા અને કલ્પસર, ખાણ અને ખનિજ, માહિતી અને પ્રસારણ સહિતના વિભાગો યથાવત્ રખાયા છે અને અન્ય પ્રધાનોને ન ફાળવેલાં ખાતાં તેમના હસ્તક રહેશે.
હર્ષ સંઘવી પાસે ગૃહ અને પોલીસ હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ યથાવત્ રહ્યા છે. આ ઉપરાંત પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન વિભાગ ફાળવ્યા છે.
કનુભાઈ દેસાઈ પાસે નાણાં વિભાગ યથાવત્ રાખ્યો છે અને શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સોંપાયા છે.
હૃષીકેશ પટેલ પાસેથી આરોગ્ય અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર વિભાગ પાછા લઈને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ ફાળવ્યા છે.
પ્રફુલ પાનસેરિયા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ વિભાગના પ્રધાન હતા. એના સ્થાને હવે તેમને આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ અને પ્રોટોકૉલ વિભાગ સોંપ્યા છે.
પરષોત્તમ સોલંકી પાસે મત્સ્યોદ્યોગ વિભાગ યથાવત્ રહ્યો છે.
જીતુ વાઘાણીને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગના કૅબિનેટ પ્રધાન બનાવ્યા છે.
કચ્છના અંજાર મતવિસ્તારના ત્રિકમ છાંગાને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગ સોંપ્યા છે.
મહિલા પ્રધાનોમાં ડૉ. મનીષા વકીલને મહિલા અને બાળકલ્યાણ (સ્વતંત્ર હવાલો) તેમ જ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ફાળવ્યો છે.
દર્શના વાઘેલાને શહેરી અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ફાળવ્યો છે.
જ્યારે રિવાબા જાડેજાને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનાં રાજ્યકક્ષાનાં પ્રધાન બનાવ્યાં છે.
અર્જુન મોઢવાડિયાને મળી દિવાળી ગિફ્ટ
આમ તો ગઈ કાલે શપથ લેનારા તમામ પ્રધાનોને પ્રધાનપદની દિવાળી ગિફ્ટ મળી છે, પરંતુ કૉન્ગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયાને પ્રધાનપદની મળેલી દિવાળી ગિફ્ટ એટલા માટે વિશેષ બની રહી છે કેમ કે કૉન્ગ્રેસમાંથી BJPમાં આવેલા સી. જે. ચાવડા, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પ્રધાન નથી.