ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત સરકાર અહીં બનાવશે ભવ્ય મ્યુઝિયમ

03 August, 2021 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મ્યુઝિયમ માટે ગુજરાત સરકારે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે. પાંચ એકર જમીનમાં આ ભવ્ય મ્યુઝિયમ બનાવવામાં આવશે.

ફાઇલ ફોટો

રાષ્ટ્રીય શાયર તરીકે ખ્યાતનામ એવા કવિ ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણી ગુજરાત સરકાર રાજ્ય સ્તરે કરવા માટે યોજના બનાવી રહી છે. આ યોજના અંતર્ગત સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ, સમાજ સુધારક અને લેખક ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં ભવ્ય મ્યુઝિયમ બનાવવાની તૈયારી કરી રહી છે. મ્યુઝિયમ માટે ગુજરાત સરકારે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે. પાંચ એકર જમીનમાં આ ભવ્ય મ્યુઝિયમ બનાવવામાં આવશે.

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં 28 ઓગસ્ટ, 1896ના રોજ થયો હતો. ગુજરાત સરકારે મ્યુઝિયમના કાર્ય માટે આ જાન્યુઆરી મહિનામાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ એક સમિતિની રચના કરી હતી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીને પણ આ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. ચુડાસમાની અધ્યક્ષતાવાળી આ સમિતિએ કરેલા સૂચનોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે રાજ્ય સરકારે અલગથી અમલીકરણ સમિતિની પણ રચના કરી છે.

હાલ આ મ્યુઝિયમ પ્રોજેક્ટ માટે ચોટીલામાં સુરેન્દ્રનગર કલેક્ટરની કચેરી દ્વારા જમીનની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઝવેરચંદના જન્મ સમયે તેમના પિતા કાલિદાસ અને માતા ધોળીબેન ચોટીલામાં બે ઓરડાના સત્તાવાર ક્વાર્ટરમાં રહેતા હતા. મેઘાણીના પિતા કાલિદાસ બ્રિટિશ યુગમાં પોલીસ દળમાં કાર્યરત હતા. હવે પિનાકીએ તેના દાદાના સ્મારક તરીકે આ જ ઘરને વિકસિત કર્યું છે. પિનાકીએ સરકારને ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળની આસપાસ પુસ્તકાલય, સેમિનાર હોલ, વગેરે સુવિધાઓ સાથે એક સંકુલ બનાવવાનું સૂચન કર્યું હતું.

gujarat jhaverchand Meghani Chotila