ગુજરાતમાં આ વર્ષે નવરાત્રિનો ખરો માહોલ જામશે : શેરી ગરબાને સરકારે આપી મંજૂરી

25 September, 2021 10:30 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સોસાયટી અને ફ્લૅટના ગરબા, દુર્ગાપૂજા, વિજયા દશમી ઉત્સવ અને શરદપૂર્ણિમા ઉત્સવ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવા ભૂપેન્દ્ર પટેલની સરકારે આપી છૂટ

ફાઈલ તસવીર

કોરોનાની મહામારીના કારણે ગુજરાતમાં નવરાત્રિ દરમ્યાન ગરબે નહીં ઘૂમી શકનાર ખેલૈયાઓ આ વર્ષે મન મૂકીને નવરાત્રિમાં ગરબે ઘૂમી શકશે. ગુજરાત સરકાર દ્વારા ગઈ કાલે શેરી ગરબાઓને મંજ‍ૂરી અપાવામાં આવી હતી.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે ગઈ કાલે યોજેલી બેઠકમાં માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લૅટના ગરબા, દુર્ગાપૂજા, વિજયા દશમી ઉત્સવ અને શરદપૂર્ણિમા ઉત્સવ જેવાં આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે ગુજરાતમાં પાર્ટી પ્લૉટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે કોઈ પણ જગ્યાએ કમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં.

રાત્રિ કરફ્યુમાં પણ છૂટ

ગુજરાત સરકારે રાત્રિ કરફ્યુમાં પણ છૂટછાટ જાહેર કરી છે એ મુજબ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં રાત્રિ કરફ્યુની સમયમર્યાદા અત્યારે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધીની છે એમાં એક કલાકનો ઘટાડો કરીને હવે ૨૫ સપ્ટેમ્બરથી ૧૦ ઑક્ટોબર સુધી રાતના ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ રહેશે.

એક-બે હજાર ખેલૈયાઓને રમવા દેવાની છૂટ માગી હતી

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હવે કોરોનાની પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે ત્યારે સરકારે આ મુદ્દે વિચારણા કરી હતી અને નવરાત્રિમાં છૂટછાટ આપવા કલાકારો તેમ જ પાર્ટી પ્લૉટોના સંચાલકો દ્વારા માગણી ઊઠવા પામી હતી. અમદાવાદ સહિાત ગુજરાતમાં નવરાત્રિ દરમ્યાન ૪૦૦ને બદલે એક હજાર કે બે હજાર નાગરિકોને ગરબે ઘૂમવા પરમિશન આપવાની માગણી કરી હતી.

લગ્નપ્રસંગમાં ૪૦૦ અને અંતિમક્રિયામાં ૧૦૦ જણની છૂટ

નવરાત્રિની સાથોસાથ ગુજરાત સરકારે લગ્નપ્રસંગમાં પણ નાગરિકોની મર્યાદામાં વધારો કર્યો છે અને હવે ગુજરાતમાં લગ્નપ્રસંગમાં ૪૦૦ વ્યક્તિઓ મહાલી શકશે.

લગ્નપ્રસંગોમાં અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી એમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છૂટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા વ્યક્તિઓએ કોરોના વૅક્સિનના બે ડોઝ લીધા હોય એ હિતાવહ રહેશે એમ સરકારે જણાવ્યું છે.

બીજી તરફ અંતિમક્રિયા–દફનવિધિમાં અગાઉ ૪૦ વ્યક્તિઓની મર્યાદા હતી એમાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.

gujarat gujarat news ahmedabad navratri shailesh nayak