11 November, 2025 07:27 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સુરતમાં ડાયમન્ડ માર્કેટ, ટેક્સટાઇલ માર્કેટ સહિતનાં સ્થળોએ પોલીસે તપાસ હાથ ધરવા સાથે પૅટ્રોલિંગ વધાર્યું હતું
દિલ્હીમાં ગઈ કાલે થયેલા કાર-બ્લાસ્ટના પગલે ગુજરાત પણ અલર્ટ મોડ પર આવી ગયું છે અને અમદાવાદ, સુરત, વડોદરા સહિતનાં શહેરોમાં વાહન-ચેકિંગ, શંકાસ્પદ ગતિવિધિઓની તપાસ પોલીસે હાથ ધરી હતી.
દિલ્હીમાં થયેલા કાર-બ્લાસ્ટના પગલે ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયે તકેદારીના ભાગરૂપે ગુજરાતમાં અલર્ટ માટે આદેશ આપ્યા હતા. શહેરો અને ગુજરાતની સરહદ પર એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ તેમ જ શહેર-જિલ્લાના તમામ એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ પર નાકાબંધી, વાહન-ચેકિંગ, પોલીસ-પૅટ્રોલિંગ માટે તમામ શહેર અને જિલ્લાના પોલીસવડાને સૂચના આપી છે. આ આદેશના પગલે અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિર-વિસ્તાર સહિતના વિસ્તારોમાં પોલીસે વાહન-ચેકિંગ હાથ ધર્યું હતું. મંદિરોની આસપાસ, બસ-સ્ટૅન્ડ, રેલવે-સ્ટેશન સહિતનાં સ્થળોએ શંકાસ્પદ વસ્તુઓની તપાસ હાથ ધરી હતી. સુરતમાં ડાયમન્ડ માર્કેટ, ટેક્સટાઇલ માર્કેટ સહિતનાં સ્થળોએ પોલીસે તપાસ હાથ ધરવા સાથે પૅટ્રોલિંગ વધાર્યું હતું.