યૂસુફ પઠાણના વડોદરાના ઘર પર થશે બુલડોઝર એક્શન? ગુજરાત હાઈ કોર્ટે ફગાવી અરજી

12 September, 2025 03:25 PM IST  |  Vadodara | Gujarati Mid-day Online Correspondent

ટીએમસી સાંસદ અને ભારતના ભુતપૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણનું વડોદરાના તંદલલા વિસ્તારમાં એક ઘર આવેલું છે. આ સંપૂર્ણ વિવાદ શુભમ પાર્ટી પ્લોટ નજીક આવેલા બીજા 978 ચો. મીટરના પ્લોટ સાથે જોડાયેલો છે. ભુતપૂર્વ ક્રિકેટરે 2012 માં આ જમીન પર પોતાનો દાવો કર્યો હતો.

યૂસુફ પઠાણ

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા બંગાળની તૃણમૂળ કોંગ્રેસના નેતા યૂસુફ પઠાણને ગુજરાત હાઈ કોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત હાઈ કોર્ટે વડોદરાની જમીન વિવાદ મામલે ટીએમસીના સાંસદની અરજી ફગાવી દીધી છે, જેથી હવે ત્યાંની મહાનગર પાલિકાના પક્ષમાં નિર્ણય આપતા હવે શું યૂસુફ પઠાણના ઘર પર બુલડોઝર એક્શન થશે? તેવી શક્યતા છે.

વડોદરા મહાનગર પાલિકાના સહકાય મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરે બુધવારે જણાવ્યું હતું કે યૂસુફ પઠાણે કબજો કરેલો પ્લોટ (જમીન) મહાનગર પાલિકા પરત લઈ લેશે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા આ સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે યૂસુફ પઠાણને નોટિસ આપવામાં આવી હતી. જોકે પઠાણે આ નોટિસને પડકારી હતી અને તેના માટે તેઓ અદાલતમાં પહોંચ્યા હતા. અદાલત સમક્ષ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમને આ નોટિસ ટીએમસીના સાંસદ બન્યા બાદ મોકલવામાં આવી હતી.

શું છે આખો મામલો

ટીએમસી સાંસદ અને ભારતના ભુતપૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણનું વડોદરાના તંદલલા વિસ્તારમાં એક ઘર આવેલું છે. આ સંપૂર્ણ વિવાદ શુભમ પાર્ટી પ્લોટ નજીક આવેલા બીજા 978 ચો. મીટરના પ્લોટ સાથે જોડાયેલો છે. ભુતપૂર્વ ક્રિકેટરે 2012 માં આ જમીન પર પોતાનો દાવો કર્યો હતો, જે માટે તેમને મહાપાલિકાએ પરવાનગી પણ આપી હતી, જોકે પછીથી રાજ્ય સરકાર દ્વારા તેને અમાન્ય જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી પઠાણ દ્વારા જ કથિત રીતે તે જમીન પર બાઉન્ડ્રી વોલ અને પશુઓ માટે શેડ બનાવવામાં આવ્યો હતો. તેની જાણ થતાં મહાપાલિકા તરફથી તે મામલે નોટિસ મળ્યા બાદ, પઠાણે હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે, કોર્ટે હવે તેમની અરજી ફગાવી દીધી છે, જેથી હવે શું તેને તોડી પાડવામાં આવશે તે જોવાનું રહેશે.

યુસુફ પઠાણ બંગાળના સાંસદ છે

હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવાના સંકેતો મળી રહ્યા છે. ગુજરાત હાઈ કોર્ટના નિર્ણય બાદ, એવી ચર્ચા છે કે આ મામલે હવે મહાપાલિકા કાર્યવાહી કરી શકે છે. આ કાર્યવાહી ટૂંક સમયમાં થઈ શકે છે કારણ કે મહાપાલિકાની ચૂંટણીઓ પણ થોડા મહિનામાં યોજાવાની છે. જો મહાપાલિકા સકોઈ કાર્યવાહી નહીં કરે, તો ચૂંટણી પહેલા અને દરમિયાન વિપક્ષ યુસુફ પઠાણને માત્ર રાજકીય કારણોસર હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાડી ભાજપ પર હુમલો કરી શકે છે. જોકે આ અંગે હાઈ કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ યુસુફ પઠાણ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ તરફથી લોકસભાના સભ્ય છે. ગયા વર્ષે ચૂંટણીમાં તેઓ બહેરામપુરથી જીત્યા હતા. યુસુફ પઠાણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવ્યા હતા.

gujarat news gujarat high court vadodara gujarat government yusuf pathan trinamool congress tmc