24 January, 2026 09:51 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
પોતાના કેસમાં પાર્ટી-ઇન-પર્સન તરીકે હાજર રહીને ગુજરાતી ભાષામાં દલીલ કરવાની પક્ષકારે ગુજરાત હાઈ કોર્ટમાં કરેલી રિટ અરજી ગુજરાત હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. જસ્ટિસ અનિરુદ્ધા પી. માયીએ કહ્યું હતું કે ‘ગુજરાત હાઈ કોર્ટની સત્તાવાર અથવા તો અધિકૃત ભાષા અંગ્રેજી છે એટલે અંગ્રેજી ભાષામાં જ રજૂઆત કે દલીલો ચાલે એ યોગ્ય ગણાય. અંગ્રેજી ભાષા સિવાય અન્ય ભાષામાં રજૂઆત કે દલીલો કરવાની પરવાનગી આપી શકાય નહીં.’
અરજદાર પક્ષકારને ગુજરાત હાઈ કોર્ટની લીગલ સર્વિસ કમિટીએ તેઓ અંગ્રેજી ભાષામાં નબળા હોવાને કારણે કોર્ટ સમક્ષ દલીલો કરવા માટે અસમર્થ હોવાનું જાહેર કર્યું હતું. તેથી અરજદારે લીગલ સર્વિસ કમિટીના પોતાને અસમર્થ જાહેર કરતા પ્રમાણપત્રને હાઈ કોર્ટમાં રિટ અરજી દ્વારા પડકાર્યું હતું. અરજદાર પક્ષ તરફથી જણાવાયું હતું કે અરજદારે પોતાના કેસની રજૂઆત પાર્ટી-ઇન-પર્સન તરીકે તેમની માતૃભાષા ગુજરાતીમાં કરવા માટે પરવાનગી માગી હતી. જોકે હાઈ કોર્ટની કમિટીએ જણાવ્યું હતું કે અરજદાર દસમું ધોરણ પાસ છે અને તેઓ અંગ્રેજી ભાષા સમજવામાં કે એમાં પોતાના વિચારો રજૂ કરવામાં સક્ષમ નથી. કમિટીના મતે અરજદાર પાસે કેસની હકીકતોને અંગ્રેજી ભાષામાં સમજવાની કે સમજાવવાની સક્ષમતા ન હોવાને કારણે તે અદાલતને સહાયરૂપ બની શકે એમ નથી.
અરજદારે કમિટીના આ નિર્ણયને ગેરકાયદે અને અયોગ્ય જાહેર કરવાની માગણી કરતાં જણાવ્યું હતું કે હાઈ કોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષાનો આગ્રહ રાખવો એ તેમના અધિકારોનું ઉલ્લંઘન છે અને તેમને માતૃભાષા ગુજરાતીમાં દલીલો કરવાની છૂટ મળવી જોઈએ.