12 November, 2025 10:58 AM IST | Dwarka | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સોમવારે દિલ્હીમાં થયેલા કાર-બ્લાસ્ટના પગલે દેશમાં સુરક્ષાવ્યવસ્થા સઘન બનાવાઈ છે અને વિવિધ રાજ્યો અલર્ટ મોડમાં આવી ગયાં છે ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રમાં ગઈ કાલે પોલીસ દ્વારા દ્વારકા, જામનગર, પોરબંદરના દરિયાકિનારે આતંકવાદી પ્રવૃત્તિને ખાળવા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
સૌરાષ્ટ્રમાં આવેલા દ્વારકા, જામનગર, પોરબંદર, ઓખા, મીઠાપુર સહિતના દરિયાકાંઠે અને દરિયામાં જઈને મરીન પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. દરિયામાં માછીમારી કરવા જતી બોટો અને પરત ફરતી બોટોમાં પોલીસે તપાસ કરી હતી. ઓખા અને મીઠાપુરમાં આવેલા ઢાબા તેમ જ હોટેલોમાં પોલીસે તપાસ કરી હતી. દ્વારકામાં પોલીસે બસ-સ્ટૅન્ડ તેમ જ રેલવે-સ્ટેશન પર ચેકિંગ કર્યું હતું. આ ઉપરાંત દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરની સુરક્ષા માટે સ્ટેટ રિઝર્વ પોલીસની ટુકડી તહેનાત કરવામાં આવી હતી. જામનગરમાં બેડી બંદર પર માછીમારોની બોટમાં સઘન ચેકિંગ કર્યું હતું.
બીજી તરફ સુરતમાં ભૂતકાળમાં બનેલા બનાવોને ધ્યાનમાં લઈને સુરત પોલીસ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી છે. સુરતમાં ભૂતકાળમાં બ્લાસ્ટ-કેસમાં સંડોવાયેલા હોય કે એમાં મદદ કરનાર હોય, વૉન્ટેડ હોય, નાર્કોટિક્સ કે વેપનના ગુનામાં પકડાયા હોય તેવા લોકો રડારમાં છે. આ તમામ લોકોની સુરત પોલીસે યાદી બનાવી છે અને તેમના પર સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપની ટીમો દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે અને વૉચ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત નજીક દરિયાકિનારો હોવાથી અહીં આવેલાં ગામોના સરપંચોને સુરત પોલીસ દ્વારા અલર્ટ કરવામાં આવ્યા છે અને દરિયાકાંઠે કોઈ શંકાસ્પદ મૂવમેન્ટ થતી હોય તો તરત પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.