ગુજરાતમાં એપ્રિલમાં જ મે જેવી છે ગરમી

08 April, 2022 09:13 AM IST  |  Ahmedabad | Rashmin Shah

ઍવરેજ ટેમ્પરેચર ૪૩.૭ : આવતા એક વીકમાં હીટ વેવ વધારે જોર પકડવાની સંભાવના

ફાઇલ તસવીર

છેલ્લા ૧૦ દિવસથી ગુજરાતમાં ચાલી રહેલી હીટ વેવે ગઈ કાલે નવી ઊંચાઈ મેળવી હતી અને ગુજરાતનું ઍવરેજ મૅક્સિમમ ટેમ્પરેચર ૪૩.૭ ડિગ્રીને સ્પર્શી ગયું હતું, જે સામાન્ય રીતે એક મહિનો વહેલું જોવા મળ્યું હતું. ગુજરાતમાં મે મહિનાનો તાપ આકરો ગણવામાં આવે છે, પણ હીટ વેવને કારણે આ વખતે એપ્રિલમાં જ મેનો અનુભવ શરૂ થઈ ગયો હતો. ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘ઉત્તરીય પવનો આવતા બંધ થઈ જતાં ગરમીમાં હજી પણ વધારો થવાની શક્યતા છે.’

ગઈ કાલે ગુજરાતનાં સાત શહેરોનું મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીથી વધારે રહ્યું હતું, જેમાં જૂનાગઢ સૌથી ટોચ પર હતું. જૂનાગઢનું મૅક્સિમમ ટેમ્પરેચર ૪૪.૧ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં ૪૩.૮, અમદાવાદમાં ૪૩.૧, ભુજમાં ૪૩, ડીસામાં ૪૨.૯, વડોદરામાં ૪૧.૩ અને સુરતમાં ૪૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના પોરબંદર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને કચ્છમાં હીટ વેવ હજી વધશે અને મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ તાપ જોવા મળશે. શનિવાર પછી ગુજરાતમાં આંશિક તાપ ઘટવાની શક્યતા છે.

હીટ વેવની અસર વચ્ચે ગઈ કાલે ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાન પણ ૩૦ ડિગ્રીથી વધારે રહ્યું હોવાથી રાતના સમયે પણ અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો.

gujarat gujarat news Weather Update Rashmin Shah