૩૭ ટકા સૂતરના ઉત્પાદન સાથે ગુજરાત છે દેશનું ટેક્સટાઇલ કૅપિટલ : ભૂપેન્દ્ર પટેલ

30 December, 2021 09:31 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સુરતમાં વીવિંગ ગ્રોથ ફૉર ટેક્સટાઇલ વિષય પર પ્રી-વાઇબ્રન્ટ સમિટ યોજાઈ, કાપડ ઉદ્યોગકારોની જીએસટી વિશેની માગણીને ધ્યાનમાં લઈને કેન્દ્ર સમક્ષ રજૂઆત કરાશે

સુરતમાં ઇન્ટરનૅશનલ એક્ઝિબિશન ઍન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગઈ કાલે વીવિંગ ગ્રોથ ફૉર ટેક્સટાઇલ વિષય પર પ્રી-વાઇબ્રન્ટ સમિટમાં સંબોધન કરી રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં આવેલા સુરતમાં ઇન્ટરનૅશનલ એક્ઝિબિશન ઍન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગઈ કાલે વિવિંગ ગ્રોથ ફૉર ટેક્સટાઇલ વિષય પર પ્રી-વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી, જેમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે દેશના કુલ ૩૭ ટકા સૂતરનું ઉત્પાદન કરનારું ગુજરાત દેશના ટેક્સટાઇલ ઉદ્યોગનું કૅપિટલ છે. ભારતમાં વણાયેલા ફેબ્રિક્સમાં ગુજરાતનો હિસ્સો ૩૭ ટકા છે.
ગુજરાત સરકાર દ્વારા ૧૦થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ દરમ્યાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ–૨૦૨૨ યોજાશે જેના ભાગરૂપે પ્રી-વાઇબ્રન્ટ સમિટના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના અનુસંધાનમાં ગઈ કાલે સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગુજરાત વ્યક્તિકેન્દ્રી નહીં, પણ પૉલિસી ડ્રિવન રાજ્ય છે. ગુજરાતમાં વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રિયલ ફ્રેન્ડલી પૉલિસી અમલી છે એના કારણે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફૉર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. ગુજરાત સરકારે ટેક્સટાઇલ પૉલિસીના માધ્યમથી ટેક્સટાઇલ ઉદ્યોગમાં ટેક્નૉલૉજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ ડેવલપમેન્ટ અને ટેક્સટાઇલ પાર્ક્સ–કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરાં પાડ્યાં છે. ફાઇવ-એફની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફૉર્મ્યુલાથી ગુજરાતે કાપડ ઉદ્યોગમાં ઉલ્લેખનીય પ્રદાન કર્યું છે. નવી ટેક્નૉલૉજી, નવી પેટર્ન અને સ્કીલ અપગ્રેડેશનના સહારે રાજ્યનો કાપડ ઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે. સુરતના સંદર્ભમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ફાર્મ ટુ ફેશનની સંપૂર્ણ વૅલ્યુ-ચેઇન સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઉપલબ્ધ છે જેના થકી વૈશ્વિક ફલક પર સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ વિકાસનાં સીમાચિહ્નો સર કરશે. એનો લાભ રાજ્ય અને દેશનાં અર્થતંત્રને થવાનો છે.
આ પ્રસંગે કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યપ્રધાન દર્શના જરદોશે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અને સંસદસભ્ય સી.આર. પાટીલે આ પ્રસંગે કહ્યું હતું કે રાજ્ય સરકાર કાપડ ઉદ્યોગકારોની જીએસટી વિશેની માગણીને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરશે. 

gujarat gujarat news gujarat cm bhupendra patel shailesh nayak