27 April, 2026 10:43 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મતદાન કરીને બહાર આવેલાં દીકરી ફેની, માતા જ્યોતિ અને પિતા ઉદય પટેલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગઈ કાલે મતદાનનો દિવસ હતો ત્યારે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર એવા એક પિતાએ રાહત અનુભવી હતી, કેમ કે દીકરીનાં લગ્નની તારીખ નક્કી થયાના બે દિવસ પછી ચૂંટણીની તારીખ જાહેર થઈ. જોગાનુજોગ દીકરીનાં લગ્ન અને મતદાનની તારીખ એક જ આવતાં પિતા દ્વિધાભરી સ્થિતિમાં મુકાયા ત્યારે ઉમેદવારનાં ધર્મપત્નીએ લગ્નની જવાબદારી માથે લઈને પતિની ચિંતા હળવી કરી દીધી હતી. એને પગલે ગઈ કાલે કન્યાદાન પહેલાં આખો પરિવાર વાજતેગાજતે મતદાનમથકમાં મતદાન કરવા પહોંચ્યો હતો અને કન્યાદાન પહેલાં મતદાન કર્યું હતું.
BJPએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ગોમતીપુર વૉર્ડમાંથી ઉમેદવાર તરીકે ઉદય પટેલને જાહેર કર્યા હતા. જોકે ચૂંટણીની તારીખ જાહેર થતાં જ તેઓ અસમંજસભરી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. આ વિશે વાત કરતાં ઉદય પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દીકરી ફેનીનાં લગ્નની તારીખ નક્કી થયાના બે દિવસ પછી ચૂંટણીની તારીખ જાહેર થઈ હતી અને આ બન્ને પ્રસંગની તારીખ એક જ આવી હતી. એને કારણે એક પિતા તરીકે હું દ્વિધાભરી સ્થિતિમાં મુકાઈ ગયો હતો. મને ત્યારે થયું હતું કે હવે હું શું કરીશ? એક તરફ દીકરીનાં લગ્ન અને બીજી તરફ ચૂંટણી. કોના તરફ ધ્યાન આપવું એ દ્વિધાભરી સ્થિતિમાં મારી પત્ની જ્યોતિએ મારી દ્વિધાને હળવી કરી દીધી હતી. તેણે કે હું દીકરીનાં લગ્નની જવાબદારી સંભાળી લઈશ, તમે ચૂંટણીનું કામ કરો. દીકરીના લગ્નપ્રસંગે અમે પરિવાર સાથે મતદાન કર્યું છે. પહેલાં મતદાન અને પછી કન્યાદાનનો અવસર મારા પરિવારને પ્રાપ્ત થયો છે.’
જેનાં લગ્ન હતાં તે ફેની પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીકરીનું કન્યાદાન કરવું એ માતા-પિતાના જીવનમાં સૌથી મહત્ત્વની પળ હોય છે, પરંતુ મતદાન એના કરતાં પણ મોટું દાન છે. મારાં માતા-પિતા અને મારા સહિત પરિવારના બધા સભ્યોએ મતદાન કર્યું એની ખુશી છે.’