29 April, 2026 08:19 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાજકોટમાં વિજયોત્સવ મનાવતા BJPના કાર્યકરો
મોંઘવારી સહિતના પ્રશ્નોને બાજુએ મૂકીને ગુજરાતના કરોડો મતદારોએ ભારતીય જનતા પાર્ટી (BJP)માં ભરોસો મૂક્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં BJPએ વધુ એક વખત મેદાન મારીને ચૂંટણીઓમાં જીત મેળવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતનાં કૉર્પોરેશનોમાં ફરી પાછો ભગવો લહેરાયો છે. જોકે ગઈ કાલે અમદાવાદના ખાડિયા વૉર્ડમાં મેજર અપસેટ સર્જાયો હતો. ખાડિયામાં BJPનો વર્ષો બાદ થયેલો પરાજય સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત ૧૫ મહાનગરપાલિકાઓ ઉપરાંત ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લાપંચાયતો, ૨૬૦ તાલુકાપંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તથા ૧૧ નગરપાલિકાઓની પ્રસંગોપાત્ત ખાલી પડેલી ૧૩ બેઠકોની પેટાચૂંટણી માટે થયેલા મતદાન વિશેની મતગણતરી ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી જેમાં મોટા ભાગની બેઠકો પર BJPનો વિજય થયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં BJPએ વધુ એક વખત જીત મેળવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, પણ ખાડિયા વૉર્ડમાં વર્ષો પછી પહેલી વાર BJP હારી ગઈ છે અને કૉન્ગ્રેસની પૅનલ જીતી છે. ખાડિયા વૉર્ડ વર્ષોથી BJPનો ગઢ ગણાય છે ત્યાં ચારમાંથી એક પણ બેઠક પર BJPના ઉમેદવાર જીત્યા નથી; જ્યારે કૉન્ગ્રેસનાં મીના નાયક, બિરજુ ઠક્કર, ધ્રુવ કલાપી અને મોહમ્મદ ઇલ્યાસ ખાન પઠાણનો વિજય થયો હતો. ખાડિયા વૉર્ડમાં BJPની હાર થતાં નેતાઓ અને કાર્યકરોમાં નિરાશા પ્રસરી ગઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની કુલ ૧૯૨ બેઠકોમાંથી BJPએ ૧૬૦ બેઠકો પર જ્યારે કૉન્ગ્રેસે ૩૨ બેઠકો પર વિજય મેળવ્યો છે.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની કુલ ૧૨૦ બેઠકોમાંથી BJPનો ૧૧૫ બેઠકો પર, આમ આદમી પાર્ટી (AAP)નો ૪ બેઠકો પર અને કૉન્ગ્રેસનો ૧ બેઠક પર વિજય થયો છે.
વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનની કુલ ૭૬ બેઠકોમાંથી BJPનો ૬૭ બેઠકો પર, કૉન્ગ્રેસનો ૬ બેઠકો પર અને ૧ અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે જ્યારે બે બેઠક બિનહરીફ થઈ હતી જે BJPને ફાળે ગઈ છે.
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનની કુલ ૭૨ બેઠકોમાંથી BJPએ ૬૫ બેઠકો પર અને કૉન્ગ્રેસે ૭ બેઠકો પર વિજય મેળવ્યો હતો.
નર્મદા જિલ્લાપંચાયતમાં પહેલી વાર આમ આદમી પાર્ટી (AAP) સત્તાનાં સૂત્રો સંભાળશે. નર્મદા જિલ્લાપંચાયતની કુલ બાવીસ બેઠકોમાંથી ૧૫ બેઠક પર AAPનો અને ૭ બેઠકો પર BJPનો વિજય થયો છે.
કૉન્ગ્રેસે આંકલાવ તાલુકાપંચાયત સહિત કેટલીક તાલુકાપંચાયતમાં વિજય મેળવ્યો છે.
વિસાવદર વિધાનસભા બેઠક પરથી એક સમયે AAPના વિધાનસભ્ય બનેલા અને રાજીનામું આપીને BJPમાં જોડાયેલા ભૂપત ભાયાણી જૂનાગઢ જિલ્લાપંચાયતની ભેંસાણ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમનો પરાજય થયો છે.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં વિપક્ષનાં નેતા AAPનાં પાયલ સાકરિયાની હાર થઈ છે.
કચ્છમાં ભુજ નગરપાલિકામાં વૉર્ડ-નંબર એકમાં આશ્ચર્યજનક પરિણામ આવ્યાં છે. ભુજ નગરપાલિકામાં વૉર્ડ-નંબર એકમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ- ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ૩ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. આમ ભુજમાં AIMIMએ એન્ટ્રી મારી છે.