04 August, 2026 10:39 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ગુજરાતમાં ગઈ કાલે રાતે ૮ વાગ્યા સુધીમાં ૭૯ તાલુકાઓમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. જોકે આ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૬૯.૩૬ ટકા વરસાદ પડી ચૂક્યો છે. એમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૯૫.૭૪ ટકા અને સૌથી ઓછો કચ્છમાં ૨૯.૦૫ ટકા વરસાદ પડ્યો છે.
નૉર્થ ગુજરાતમાં ૫૧.૧૬ ટકા, ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં ૬૫.૭૫ ટકા અને સૌરાષ્ટ્રમાં ૫૪.૪૭ ટકા વરસાદ પડ્યો છે.
ગુજરાતના ૩ તાલુકાઓમાં માત્ર ૩ મિલીમીટર, ૭ તાલુકાઓમાં ૫૧થી ૧૨૫ મિલીમીટર, ૧૧૭ તાલુકાઓમાં ૨૫૧થી ૫૦૦ મિલીમીટર, ૭૯ તાલુકાઓમાં ૫૦૧થી ૧૦૦૦ મિલીમીટર, જ્યારે ૩૫ તાલુકાઓમાં ૧૦૦૦ મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો છે.
સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, ભરૂચ, મોરબી, મહીસાગર, નર્મદા, નવસારી અને તાપી જિલ્લાના ૨૬ ડૅમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે એટલે કે છલોછલ થઈ ગયા છે.
કચ્છના રાપર તાલુકામાં આવેલો ફતેહગઢ ડૅમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. ૨૭ ડૅમ ૭૦થી ૧૦૦ ટકા ભરાયા છે, જ્યારે ૩૩ ડૅમમાં પચાસથી ૭૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે.