૧,૧૧,૭૫,૦૦૦થી વધુ પોસ્ટકાર્ડ લખાયાં નરેન્દ્ર મોદીને

16 October, 2025 10:04 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

વિશ્વમાં સૌપ્રથમ વાર કોઈ દેશના વડા પ્રધાનને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં કાર્ડ લખાયાં હોવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બન્યો

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ૩૫૦ બાય ૮૦ ફુટના વિસ્તારમાં ૭૫ લાખનો આંકડો પોસ્ટકાર્ડ દ્વારા બનાવવામાં આવ્યો હતો, ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

ગુજરાતના નાગરિકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા ૧,૧૧,૭૫,૦૦૦થી વધુ આભાર પોસ્ટકાર્ડનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ સર્જાયો છે. વિશ્વના કોઈ પણ દેશના વડા પ્રધાનને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખાયાં હોવાની આ સૌપ્રથમ ઘટના બની છે અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બન્યો છે.  

ગુજરાતના સહકાર વિભાગના સચિવ સંદીપકુમારે કહ્યું હતું કે ‘ગુજરાતના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં ૧,૧૧,૭૫,૦૦૦થી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં હતા. ૧૪ ઑક્ટોબરે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડના અધિકારીઓ દ્વારા રેકૉર્ડનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડના ડેટા મુજબ પોસ્ટકાર્ડ લેખનનો અત્યાર સુધીનો વર્લ્ડ રેકૉર્ડ ૬૬૬૬ પોસ્ટકાર્ડ લખવાનો હતો જે સ્વિસ એજન્સી ફૉર ડેવલપમેન્ટ ઍન્ડ કો-ઑપરેશન સેક્શન વૉટર બાસેલ, સ્વિટ્ઝરલૅન્ડ પાસે હતો જે હવે ગુજરાતના નામે થયો છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ૩૫૦ બાય ૮૦ ફુટના વિસ્તારમાં ૭૫ લાખનો આંકડો બનાવીને એમાં પોસ્ટકાર્ડ્સ લગાવવામાં આવ્યાં હતાં. આ કામગીરી માટે સહકાર વિભાગના પચાસથી વધુ અધિકારીઓ અને ૧૦૦થી વધુ કર્મચારીઓએ સતત ૪ દિવસ સુધી જહેમત ઉઠાવી હતી.’ 

સંદીપકુમારે કહ્યું હતું કે ‘ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) સુધારા, મેક ઇન ઇન્ડિયા અભિયાન, હર ઘર સ્વદેશી–ઘર ઘર સ્વદેશી, જનધન યોજના, બુલેટ ટ્રેન ક્ષેત્રે વડા પ્રધાન દ્વારા ભારતમાં થયેલાં પ્રજાહિતનાં કાર્યો માટે આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં હતાં. પોસ્ટકાર્ડ અભિયાન શરૂ થયું ત્યારે ૭૫ લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાશે એવો અંદાજ હતો, પરંતુ ગુજરાતના લોકોએ ૧.૧૧ કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને ગુજરાતનું નામ વિશ્વફલક પર રોશન કરી ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે.’

gujarat news gujarat narendra modi guinness book of world records indian government bharatiya janata party