ગુજરાતના ગીર સોમનાથના નવાબંદરે હોડીઓ ડૂબી, લાપતા ૮ માછીમારોમાંથી ૧નો મૃતદેહ મળ્યો

03 December, 2021 09:44 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ભારે પવન ફૂંકાતાં કેટલીક બોટ ડૂબી ગઈ અને બોટમાં સૂતેલા માછીમારો ગુમ થયા, કોસ્ટ ગાર્ડની બોટ અને બે હેલિકૉપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ

ગીર સોમનાથના જિલ્લાના નવાબંદર ગામે સમુદ્રની જેટી પર લાંગરેલી બોટ ભારે પવનમાં તૂટીને ડૂબી ગઈ હતી. ઘણી બોટને નુકસાન થયું હતું.

બુધવારની મધરાત્રે જોરદાર પવન ફુંકાતાં અને મિની વાવાઝોડા જેવી સ્થિતિ સરજાતાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર ગામે જેટી પર લાંગરેલી હોડીઓ સમુદ્રમાં ડૂબી ગઈ હતી. બોટમાં સૂઈ રહેલા માછીમારો પૈકીના આઠ માછીમારો લાપત્તા થયા છે અને એ પૈકીના એક માછીમારનો મૃતદેહ ગઈ કાલે મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બચાવ રાહત માટે સૂચના આપી હતી અને કોસ્ટ ગાર્ડની બોટ અને બે હેલિકૉપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. 
અખિલ ભારતીય ફિશરમેન અસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ વેલજી મસાણી અને નવાબંદર ગામના સરપંચ સોમવાર મજીઠિયાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘બુધવારની મધરાત્રે જોરદાર પવન ફુંકાયો હતો. લગભગ સવા કલાક સુધી વાવાઝોડા ટાઇપનો પવન ફુંકાયો હતો. નવાબંદર ગામે સમુદ્ર કિનારે જેટી પર ઘણી બોટ લાંગરેલી હતી એ ભારે પવનના કારણે એકબીજા સાથે અથડાતાં ૨૫થી વધુ બોટ નુકસાન પામી હતી તો ૧૦થી ૧૨ બોટ તૂટીને ડૂબી ગઈ હતી. આ બોટમાં સૂતેલા બાર જેટલા માછીમારો ગુમ થઈ ગયા હતા, જે પૈકી ૪ માછીમારો જીવતા બહાર આવ્યા હતા અને તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા. જ્યારે એક માછીમારની ડેડ-બૉડી મળી આવી છે.’
ગીર સોમનાથના નવાબંદર પર વાવાઝોડા અને વરસાદને કારણે માછીમારી માટેની પાંચ બોટમાં રહેલા ૧૪ જેટલા ખલાસી માછીમારો પૈકીના ૮ જેટલા માણસો સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના વિશે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને બચાવ રાહત માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. 
આ સૂચનાના પગલે કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાંધીને કોસ્ટ ગાર્ડની બોટ અને બે હેલિકૉપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી અને ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

gujarat gujarat news shailesh nayak