27 June, 2026 10:14 AM IST | Amreli | Gujarati Mid-day Correspondent
વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાએ મૃત્યુ પામેલા બાળકના ઘરે જઈને પરિવારજનોને સાંત્વન આપ્યું હતું
ગુજરાતના અમરેલી જિલ્લામાં ટૂંકા ગાળામાં નિર્દોષ વ્યક્તિઓ પર સિંહોના વધેલા હુમલાઓને લઈને ગુજરાત સરકાર ઍક્શનમાં આવી છે. સિંહોના બદલાયેલા વર્તન અને વ્યવહાર વિશે ગુજરાત સરકાર વૈજ્ઞાનિક ઢબે નિષ્ણાતો મારફત ગહન અભ્યાસ કરાવશે. આવી ખાતરી ગુજરાતના વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાએ ગઈ કાલે ચતુરી ગામના ગામજનોને આપી હતી.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા ચતુરી ગામે બુધવારે રાતે એક સિંહણે પાંચ વર્ષના બાળક જિયાન પર હુમલો કરીને ખેંચીને લઈ જતાં બાળકનું મોત થયું હતું. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે ત્યારે વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાએ ચતુરી ગામે બાળકના ઘરે જઈને પરિવારજનોને મળીને શોકાંજલિ અર્પણ કરી હતી.
અર્જુન મોઢવાડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય રીતે સિંહો હુમલા કરતા નથી, પરંતુ એમના બદલાયેલા વર્તનનું કારણ જાણવા માટે અભ્યાસ કરાવવા ગામજનો સાથે વાત થઈ છે. મારી સમક્ષ ગામજનોએ તેમની રજૂઆત કરી હતી. વનવિભાગનો સ્ટાફ વધારવા તેમ જ માલધારીઓના પ્રશ્નો અને ખેડૂતોને લગતા ઇશ્યુની વાત કરી હતી. આવી ઘટના ફરી ન બને એ માટે ટ્રૅકરોની સંખ્યા વધારવા તેમ જ સ્ટાફનું સર્વેલન્સ વધારવા માટે વાત થઈ છે.’
વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાએ ગામજનોની રજૂઆત સાંભળીને હૈયાધારણ આપી હતી
ચતુરી ગામના લોકોએ એવી રજૂઆત કરી હતી કે ગાય અને ભેંસ સહિતનાં પશુઓ પર સિંહોના હુમલા થાય એ સમજી શકાય, પણ હવે સિંહો માણસને મોતને ઘાટ ઉતારે છે એ ગંભીર બાબત છે.
રેવન્યુ વિસ્તારમાંથી સિંહોને જંગલ વિસ્તારમાં ખસેડવા જોઈએ.
બૉર્ડર વિસ્તારનાં ગામોનાં ખેતરોમાં જતા ખેડૂતોને રક્ષણ માટે સાથે લાકડી રાખવા દો. કોઈ વન્યપ્રાણીઓને નુકસાન કરવા માટે નહીં પણ પોતાના રક્ષણ માટે લાકડી રાખવા દો.