21 February, 2026 07:54 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દીકરીઓને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જતાં અસામાજિક તત્ત્વો સામે પાટીદાર સહિતના સમાજોએ સભા તેમ જ રૅલીઓ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો એની અસર પડી છે. ગુજરાત સરકાર લગ્નની નોંધણી- પ્રક્રિયામાં સુધારો કરશે અને એમાં વરવધૂનાં માતા-પિતાને જાણ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘રાજ્યમાં દીકરીઓની સુરક્ષા અને સામાજિક માળખાને જાળવી રાખવા માટે ગુજરાત સરકાર ગુજરાત મૅરેજ રજિસ્ટ્રેશન ઍક્ટ ૨૦૦૬ના નિયમોમાં રહેલી લગ્નની નોંધણી-પ્રક્રિયામાં સુધારા કરવા જઈ રહી છે. ગુજરાત સરકાર જે ફેરફારો લાવી રહી છે એમાં મુખ્યત્વે માતા-પિતાની સામેલગીરી છે. લગ્નની નોંધણી વખતે હવે માતા-પિતાને જાણ કરવામાં આવશે અને એ માટે એક અલગથી પોર્ટલ પણ બનાવવામાં આવશે. નવા નિયમો વિશે રાજ્યના નાગરિકો પાસેથી ૩૦ દિવસ સુધીમાં વાંધા અને સૂચનો મગાવવામાં આવ્યાં છે. એક કમિટીની રચના કરવામાં આવશે જે બંધારણીય મર્યાદામાં રહીને યોગ્ય સૂચનો ધ્યાને લઈને એનો અમલ કરાશે. લવ-મૅરેજનો વિરોધ નથી, પણ છેતરપિંડી અને બળજબરી સામે આ સરકાર ચોક્કસપણે સખત પગલાં લેશે. ઓળખ છુપાવીને થતાં લગ્નો એ આપણી સંસ્કૃતિ પરનું આક્રમણ છે. કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો આ સરકાર તેના એવા હાલ કરશે કે તે ભવિષ્યમાં કોઈ દીકરી સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહીં કરે.’
‘પંચમહાલ જિલ્લામાં અનેક બોગસ લગ્નો નોંધાયાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પંચમહાલના કંકોડાકોઈ અને નાથકુવા ગામમાં જ્યાં એક પણ મુસ્લિમ પરિવાર નથી ત્યાં તલાટી કમ મંત્રી દ્વારા સેંકડો નિકાહ-સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવ્યાં છે. એની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.’- હર્ષ સંઘવી
-લગ્નની નોંધણીની અરજી બન્ને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે.
-અરજી નૉટરાઇઝ કરીને કરવાની રહેશે.
-ઓળખના પુરાવામાં ડ્રાઇવિંગ-લાઇસન્સ, પાસપોર્ટ, ફોટો-ઓળખપત્ર આપવાનાં રહેશે.
કયા દસ્તાવેજ રજૂ કરવાના?
-વરવધૂ અને સાક્ષીઓનાં આધાર કાર્ડ.
-વરવધૂનું જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
-લગ્નની કંકોતરી કે આમંત્રણ-પત્રિકા.
-વરવધૂના અલગ-અલગ રીતે બે પાસપોર્ટ સાઇઝના ફોટો.
-વરવધૂનો લગ્નવિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટો.
-વરવધૂએ તેમનાં માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલી છે કે કેમ એ વિશેનું ડેક્લેરેશન.
માતા-પિતાના કયા ડૉક્યુમેન્ટ્સ રજૂ કરવાના?
-માતા-પિતાનું આધાર-કાર્ડ.
-પિતાનું પૂરું નામ, સરનામું.
-પિતાનો મોબાઇલ નંબર.
-માતાનું પૂરુ નામ અને સરનામું.
-માતાનો મોબાઇલ નંબર.
લગ્નની નોંધણી-પ્રક્રિયામાં ગુજરાત સરકાર સુધારા કરવા જઈ રહી છે ત્યારે સરદાર પટેલ ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માતા-પિતાને જાણ કરવામાં આવશે એ સારું છે, પણ પછી મા-બાપને દીકરી સોંપવામાં આવે અને મૈત્રી-કરાર રદ કરવામાં આવે, કેમ કે લગ્ન કરેલા લોકો પણ ભાગી જાય છે એટલે દીકરીના પરિવારજનો હેરાન થાય છે. ખોટા દસ્તાવેજો દ્વારા લગ્ન કરે છે એની સામે કડક સજાની જોગવાઈ નથી કરી, એ થવી જોઈએ.’
લાલજી પટેલે કહ્યું હતું કે ‘એક મહિનામાં લગ્ન ફાઇનલ થશે, એમાં કંઈ અટકવાનો પ્રશ્ન આવતો નથી. દીકરા-દીકરી ડૉક્યુમેન્ટ લઈને ભાગી જશે પછી જાણ કરાશે એથી શું થાય. માતા-પિતાને જાણ કરવામાં આવે અને માતા-પિતા પોલીસ-સ્ટેશને જાય તો દીકરીને કોને સોંપાશે એનો કોઈ ઉલ્લેખ નથી. જ્યાં સુધી લગ્ન રજિસ્ટર ન થાય ત્યાં સુધી દીકરી માતા-પિતાના ઘરે રહે એવું સરકાર કરે. ૩૦ દિવસમાં માતા-પિતા જોઈ શકે કે છોકરો શું કરે છે, વ્યસની છે કે નહીં, શું નોકરી-ધંધો કરે છે, કેવા પરિવારમાંથી આવે છે વગેરે.’