05 July, 2025 06:14 AM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
વરસાદને લીધે કાપડ વેપારીઓનું નુકસાન (તસવીર: ચિરંતના ભટ્ટ)
ગુજરાતમાં ભારે વરસાદને લીધે મોટી તબાહી થઈ છે. સતત વરસી રહેલા વરસાદને લીધે ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, જેને લીધે મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે. તાજેતરમાં આ વરસાદી આફતના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા છે. ગુજરાતના હીરા અને કાપડના હબ કહેવાતા સુરત શહેરમાં સતત વરસાદને લીધે પ્રખ્યાત કાપડ બજારોમાં વિનાશ સર્જાયો છે. વરસાદને લીધે પાણી દુકાનોમાં ભરાઈ જતાં કાપડ વેપારીઓને કિલોના ભાવે મોંઘી સાડીઓ વેચવાનો વખત આવ્યો છે. પૂરના પાણીમાં કરોડ રૂપિયાની સાડીઓ પડલી જતાં તેને વેપારુઓ વેપારીઓ કિલોના ભાવે વેચવા મજબૂર થયા છે, જેથી તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે.
બજારો ‘ધોબી ઘાટ’ બન્યું
સુરતનું રઘુકુલ માર્કેટ જે એક અગ્રણી કાપડ હબ છે તે ભારે વરસાદને પગલે ડૂબી ગયું હતું. માર્કેટની ગલીઓ ધોબી ઘાટ બની ગઈ છે કારણ કે અહીં ચારેય તરફ ભીંજાઈ ગયેલી સાડીઓ અને કપડાં સૂકવવા મૂકવામાં આવ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વેપારીઓએ દોરડા પર સાડીઓ રાખી છે અને ભીના કપડાંએ સૂકવવાના ભયાવહ પ્રયાસમાં પંખાઓ અને કુલર્સ લગાવ્યા છે. દુકાનોમાં એક સમયે 1000 થી 2000 રૂપિયામાં વેચાતી સાડીઓ આજે 35 રૂપિયાથી 50 રૂપિયા કિલોના ભાવે વેચવા માટે મૂકવામાં આવી છે. એક કિલોગ્રામ ત્રણ સાડીઓ આવી રહી છે, જેથી વેપારીઓને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
અંદાજે 1000 કરોડનું નુકસાન, 500 કરતાં વધુ દુકાનો અસરગ્રસ્ત છે
એક બ્રોકરે જણાવ્યું હતું કે, "નવરાત્રિ જેવા તહેવારોની સિઝન નજીક આવતા, વેપારીઓએ જથ્થાબંધ સ્ટૉક ભરીને રાખ્યો હતો પરંતુ સાડીઓને નુકસાન થયું હોવાથી, તેઓને માલ વજનના ભાવે વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી." રઘુકુલ માર્કેટના કાપડના વેપારીએ કહ્યું "નજીકમાં મેટ્રો બાંધકામને કારણે બજારની નજીક એક ડ્રેઇન ઓવરફ્લો થઈ ગયો. રસ્તા પરથી પાણી બજારમાં પ્રવેશ્યું, આખા ગ્રાઉન્ડ ફ્લોર પર ભરાઈ ગયું. 500 થી વધુ દુકાનોને ભારે નુકસાન થયું છે. સિલ્ક પ્લાઝા, અનમોલ અને સોમશ્વર સહિતના અન્ય આઠ બજારોમાં પરિસ્થિતિ એટલી જ ભયાનક છે.”
પાણીથી ભીના થયેલા માલમાંથી હવે દુર્ગંધ આવી રહી છે. ઘણા દુકાન માલિકો, ખાસ કરીને સ્ટોરેજ વિકલ્પો અથવા વીમા વિના, જે બાકી છે તે બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. એક વિક્રેતાએ જણાવ્યું હતું કે, "કોઈ વીમો ન હોય તેવા વેપારીઓ માટે પરિસ્થિતિ વધુ ખરાબ છે. કોઈ વળતર નથી અને માલને બીજે મોકલવાનો પણ કોઈ પર્યાય નથી." ઑગસ્ટમાં તહેવારની મોસમની શરૂઆત થતાં, ઉત્પાદન વધારવામાં આવ્યું હતું. પરંતુ ગયા સોમવારે વરસાદના પાણી ભરાતા બેસમેન્ટ અને ખાડીના કાંઠે આવેલા કાપડના બજારોના ગ્રાઉન્ડ ફ્લોર ડૂબ્યા હતા. દુકાન માલિકો કહે છે કે સમય વધુ ખરાબ થઈ શક્યો ન હોત, કારણ કે તેઓ આવતા અઠવાડિયામાં વધતી માગને પહોંચી વળવાની તૈયારી કરી રહ્યા હતા.