ભાઈ, હું તો અહીં જ છું

04 June, 2021 02:40 PM IST  |  Rajkot | Rashmin Shah

‍૨૦૦૦૦ કરોડથી વધારેનું સ્કૅમ કરનારા મેહુલ ચોકસીને વિદેશથી લાવવાના ન્યુઝ સોશ્યલ મીડિયા પર મૂકતી વખતે એક અંગ્રેજી ન્યુઝ-ચૅનલે ભૂલથી દેશના જાણીતા સેક્સોલૉજિસ્ટ અને ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત કવિ ડૉ. મુકુલ ચોકસીનું નામ લખી નાખ્યું

ફાઈલ તસવીર

છેલ્લા ચાર દિવસથી ગીતાંજલિ જેમ્સના મેહુલ ચોકસીને દેશમાં પાછો લાવવા બાબતની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું સ્કૅમ કરનાર મેહુલ ચોકસી ઇન્ડિયાને સોંપવામાં આવે એ માટે ભારતીય અધિકારીઓની ટીમ પણ પહોંચી ગઈ છે. મેહુલ ચોકસી દેશમાં પાછો આવે કે ન આવે, પણ સમાંતર નામ હોવાને કારણે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર ગુજરાતના જાણીતા કવિ અને દેશના જાણીતા સેક્સોલૉજિસ્ટ મુકુલ ચોકસી ખાસ્સા નજરમાં આવી ગયા. બન્યું એવું કે દેશની પૉપ્યુલર અંગ્રેજી ચૅનલે મેહુલ ચોકસીના ન્યુઝ સ્પ્રેડ કરવા બનાવેલી ઇમેજમાં ભૂલથી મેહુલ ચોકસીને બદલે મુકુલ ચોકસી લખાઈ ગયું. 

મુકુલ ચોકસીએ કહ્યું હતું કે ‘અફકોર્સ, આ ભૂલ છે અને આવી ભૂલ અગાઉ પણ જ્યારે-જ્યારે મેહુલ ચોકસીના ન્યુઝ આવ્યા છે ત્યારે કોઈ ને કોઈએ કરી જ છે. ઠીક છે, ઉતાવળમાં ભૂલ થાય, પણ ધ્યાન રાખવું જોઈએ. આ તો હું છું, સમજી શકું છું વાતને, પણ જો બીજો કોઈ હોય તો તે અને તેના ફૅમિલી-મેમ્બર્સ હેરાન થઈ જાય.’ 

અંગ્રેજી ન્યુઝ-ચૅનલે વાઇરલ કરેલી એ ઇમેજ એ લેવલ પર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ જેની કોઈ કલ્પના પણ ન થઈ હોય. ગુજરાતમાં તો એ નામની ભૂલને કારણે જબરદસ્ત વાઇરલ થઈ. મુકુલભાઈને પોતાને એ એક જ ઇમેજ ૧૦૦થી વધુ લોકોએ મોકલી અને એટલા જ તેમને ફોન આવ્યા. 

ડોમિનિકા કોર્ટે ચોક્સીના કેસમાં સુનાવણી મોકૂફ રાખી ભાગેડુ વેપારીને લીધે ડૉમિનિકાની છાપ ખરડાઈ?
કૅરેબિયન દેશ ડૉમિનિકાના મૅજિસ્ટ્રેટે પંજાબ નૅશનલ બૅન્ક સાથે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને ભારતથી ભાગીને આવેલા હીરાના વેપારી અને આરોપી મેહુલ ચોકસીની જામીનની અરજી નકારી કાઢી હતી, પરંતુ પછીથી ગઈ કાલે ડોમિનિકા હાઇ કોર્ટે ચોક્સીના કેસમાં સુનાવણીને મોકૂફ રાખી હતી. હવે પછીની સુનાવણી કદાચ પહેલી જુલાઈઅે થશે અને ત્યાં સુધી ચોક્સી ડોમિનિકામાં જ રહેશે.
ભારત સરકારે ગઈ કાલે ખાતરીપૂર્વક કહ્યું હતું કે ચોકસીને ભારત લાવવા એ કોઈ કસર નહીં છોડે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ચોક્સીને ભારત ભેગો કરવા અમે દૃઢ છીએ.

ચોકસી ડોમિનિકા ટાપુમાં ૨૩ મેએ ગેરકાયદે રીતે પ્રવેશ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ચોકસીના વકીલ વિજય અગરવાલે બુધવારે ડૉમિનિકાની અદાલતને જણાવ્યું હતું કે તેમના આ અસીલને પાડોશી ટાપુ ઍન્ટિગામાંથી અપહરણ કરીને બળજબરીથી અહીં લાવવામાં આવ્યા છે.

૬૨ વર્ષનો આ આરોપી બુધવારે વ્હીલચૅરમાં બેસીને અદાલતમાં હાજર થયો હતો.
ઍન્ટિગાની સરકાર ઇચ્છે છે કે ચોકસીને સીધો ડૉમિનિકાથી ભારતને સોંપી દેવામાં આવે. એ.એન.આઇ.ના એક અહેવાલમાં જણાવાયું હતું કે વિશ્વમાં ડૉમિનિકા ટાપુની છાપ નિયમ-પરસ્ત અને ન્યાય-પ્રિય રાષ્ટ્ર તરીકેની છે, પરંતુ એની આ પ્રતિષ્ઠા બાબતે અત્યારે પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે.

gujarat Rashmin Shah rajkot