Gujarat Riot: ATSની મોટી કાર્યવાહી, તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPSની ધરપકડ

25 June, 2022 07:40 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

મળતી માહિતી મુજબ ગુજરાત ATSની બે ટીમો મુંબઈ પહોંચી હતી

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત રમખાણોના કેસમાં ખોટી માહિતી આપવા બદલ શનિવારે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને બે પૂર્વ IPS અધિકારીઓ સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર દર્શનસિંહ બી. બ્રાડની ફરિયાદ પરથી ત્રણેય વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

આ પછી ગુજરાત ATS મુંબઈના જુહુ પહોંચી અને તિસ્તા સેતલવાડની તેના ઘરેથી ધરપકડ કરી હતી. આ સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમારની ધરપકડ કરી છે. એફઆઈઆર મુજબ આરોપીએ ઝાકિયા જાફરી દ્વારા કોર્ટમાં અનેક અરજીઓ કરી અને એસઆઈટી ચીફ અને અન્ય કમિશનને ખોટી માહિતી આપી છે.

મળતી માહિતી મુજબ ગુજરાત ATSની બે ટીમો મુંબઈ પહોંચી હતી. એક ટીમ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન ગઈ હતી અને બીજી ટીમ મુંબઈ પોલીસ સાથે જુહુમાં તિસ્તા સેતલવાડના ઘરે ગઈ હતી. આ પછી ટીમે તેને કસ્ટડીમાં લીધી અને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન પહોંચી હતી.

જ્યારે ટીમે તિસ્તાને જીપમાં બેસાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના ઓફિસ સ્ટાફ અને સમર્થકોનો તપાસ ટીમ સાથે ઝઘડો થયો હતો. તેમણે તિસ્તાને જીપમાં લઈ જવાથી રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. ગુજરાત પોલીસે આપેલા તમામ દસ્તાવેજો તપાસ્યા હતા. હવે એટીએસ તેમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લાવી રહી છે.

પૂર્વ IPS આરબી શ્રીકુમારની ધરપકડ

આ સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમારની ધરપકડ કરી છે. નોંધનીય છે કે ગુજરાત રમખાણોના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં મુખ્યમંત્રીની બેઠકમાં હાજરી આપવાના દાવેદારોના નિવેદનો આ મામલામાં રાજકીય સનસનાટી પેદા કરવા માટે છે.

વાસ્તવમાં, સંજીવ ભટ્ટ, હિરેન પંડ્યા અને આરબી શ્રીકુમારે SIT સમક્ષ નિવેદનો આપ્યા હતા જે પાયાવિહોણા અને ખોટા સાબિત થયા હતા, કારણ કે તપાસમાં જાણવા મળ્યું હતું કે આ લોકો કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં હાજર રહ્યા ન હતા.

તિસ્તાની તપાસની જરૂરઃ SC

24 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો પર SITના રિપોર્ટ સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી ઝાકિયા જાફરીએ દાખલ કરી હતી. અરજીને ફગાવી દેતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તિસ્તા સેતલવાડની વધુ તપાસની જરૂર છે, કારણ કે તિસ્તા આ કેસમાં ઝાકિયા જાફરીની લાગણીનો ગુપ્ત રીતે પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો હતો.

gujarat gujarat news