મારાથી કોઈ પણ કાળે હવે આ કામ થઈ શકે એમ નથી

22 November, 2025 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

SIRની કામગીરીથી કંટાળીને ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષકે કર્યો આપઘાત, પત્નીને લખેલી સુસાઇડ-નોટમાં વેદના ઠાલવી

અરવિંદ વાઢેરે લખેલી સુસાઇડ-નોટ

ગુજરાતમાં મતદારયાદી માટે ચાલી રહેલી સ્પેશ્યલ ઇન્ટે​ન્સિવ રિવિઝન (SIR)ની કામગીરીથી કંટાળીને ગઈ કાલે ગીર સોમનાથ જિલ્લામાં એક શિક્ષકે આપઘાત કરતાં શિક્ષણજગતમાં ઘેરા શોકની લાગણી સાથે SIRની કામગીરી સામે રોષ ફેલાયો છે. શિક્ષકના આપઘાતના પગલે પરિવારે ડેડબૉડી સ્વીકારવાની ના પાડતાં ખુદ શિક્ષણપ્રધાન પ્રદ્યુમન વાજા કોડીનાર દોડી ગયા હતા અને પરિવારને સાંત્વન પાઠવી આશ્વાસન આપતાં પરિવારે ડેડબૉડી સ્વીકારી હતી અને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા. SIRની કામગીરીથી ક્યાંક કોઈ શિક્ષકે આપઘાત કરતાં તો અન્ય શિક્ષકોની તબિયત લથડતાં આ કામગીરી સામે શિક્ષકોમાં આક્રોશ ફેલાયો છે.

મારાથી કોઈ પણ કાળે હવે આ SIRનું કામ થઈ શકે એમ નથી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં શિક્ષક તરીકે કામ કરતા અને દેવળી ગામે રહેતા અરવિંદ વાઢેરે વહેલી સવારે આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલાં તેમણે તેમનાં પત્નીને ઉલ્લેખીને વેદના ઠાલવતાં સુસાઇડ-નોટ લખી હતી જે વાઇરલ થઈ હતી. એમાં તેમણે લખ્યું હતું કે ‘પ્રિય પત્ની સંગીતા, મારાથી કોઈ પણ કાળે હવે આ SIRનું કામ થઈ શકે એમ નથી. હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તાણ અનુભવું છું. તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે. હું તમને બન્નેને ખૂબ જ ચાહું છું, પણ હવે હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી. મારો આ થેલો અહીં પડ્યો છે એમાં કામગીરીનું બધું જ સાહિત્ય છે એ સ્કૂલે આપી દેજે. I am very sorry my dear wife Sangita and my loving dear son Krishay.’

પરિવાર પર આભ તૂટી પડ્યું

શિક્ષકે આપઘાત કર્યો હોવાનું જાણતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને પરિવારજનો શિક્ષકની બૉડીને કોડીનાર હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં પરિવારે ડેડબૉડી સ્વીકારવાની ના પાડી દીધી હતી. મૃત્યુ પામેલા શિક્ષકના સસરા રણવીર ચુડાસમાએ એવી માગણી કરી હતી કે ‘જેના ત્રાસથી મારા જમાઈ ગુજરી ગયા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને મારી દીકરીના પતિ ગુજરી ગયા છે તો તેને નોકરી મળવી જોઈએ.’

શિક્ષણપ્રધાને પરિવારને મળીને સાંત્વન આપ્યું

શિક્ષકના આપઘાતના પગલે ગુજરાતના શિક્ષણપ્રધાન પ્રદ્યુમન વાજા કોડીનાર હૉસ્પિટલમાં દોડી ગયા હતા અને શિક્ષકના પરિવાર સાથે બેઠક કરીને સાંત્વન આપ્યું હતું. શિક્ષણપ્રધાન પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે ‘જે દુખદ અને કરુણ ઘટના બની છે એ દિલને હચમચાવી નાખે એવી છે. સમગ્ર ગુજરાતના શિક્ષકો મારો પરિવાર છે. મારા પરિવારને આજે દુઃખ આવ્યું છે ત્યારે દુઃખની આ ઘડીમાં હું તેમના પડખે આવ્યો છું. પરિવારની જે લાગણી હતી એને ધ્યાનમાં લઈને આશ્વાસન આપ્યું છે કે સરકાર તેમની સાથે છે. પરિવારને સાંત્વન આપ્યું છે, સરકાર હંમેશાં તેમની સાથે રહેશે.’

SIRની કામગીરીથી કેટલાક શિક્ષકોની તબિયત લથડી, બે શિક્ષકો તો હાર્ટ-અટૅકથી મૃત્યુ પામ્યા

ગુજરાતમાં ચાલી રહેલી SIRની કામગીરીની અસર શિક્ષકોની તબિયત પર પડી રહી હોવાના બનાવો બહાર આવ્યા છે. દાહોદ જિલ્લાના ઝાલોદની સાદેડા પ્રાથમિક શાળાના શિક્ષક બચુ ડામોરની ગઈ કાલે તબિયત લથડી હતી. એના કારણે ઍમ્બ્યુલન્સ બોલાવીને તેમને હૉસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. તેમના પરિવારના સભ્યોનો આક્ષેપ હતો કે બૂથ લેવલ ઑફિસર (BLO)ની કામગીરીને કારણે તેમની તબિયત બગડી છે. બીજી તરફ તાપી જિલ્લામાં વાલોડ તાલુકાની બેલ્ધા પ્રાથમિક શાળાનાં મહિલા આચાર્ય અને સહાયક BLO તરીકે કામ કરતાં કલ્પના પટેલને હાર્ટ-અટૅક આવ્યો હતો અને તેઓ મૃત્યુ પામ્યાં હતાં. કપડવંજ પંથકમાં BLO તરીકે કામ કરતા નવાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશ પરમારને હૃદયરોગનો હુમલો આવતાં મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારજનોએ મીડિયાને કહ્યું હતું કે તેઓ BLOની કામગીરી કરતા હતા અને પ્રેશર વધુ હતું, મોડી રાત સુધી કામ કરતા હતા.  

શિક્ષકના આપઘાતથી રાજકારણ ગરમાયું

ગુજરાતમાં શિક્ષકના આપઘાતથી રાજકારણ ગરમાયું છે. કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ SIRની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે SIRની કામગીરીના ત્રાસને કારણે આજે શિક્ષક આત્મહત્યા કરે છે. ગુજરાતમાં AAPના નેતા ઈસુદાન ગઢવીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘કામના ભારણને કારણે એક શિક્ષકે આપઘાત કર્યો છે. એક BLOને કપડવંજમાં કામના ભારણના કારણે અટૅક આવતાં મૃત્યુ પામ્યા છે. કેટલાય BLO તનાવમાં છે. શિક્ષકો પર ૯૦ પ્રકારની કામગીરી આપી દીધી છે. SIRની કામગીરીના કારણે શિક્ષણકાર્ય ખોરંભે ચડ્યું છે. શિક્ષકોને આવું પ્રેશર ન આપો.’

special intensive revision sir gujarat gujarat news suicide