ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ઉપરાઉપરી ત્રણ ઝાટકા લાગ્યા

18 January, 2022 10:43 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

બપોરે વિજય સુવાળા બીજેપીમાં જોડાયા અને સાંજે મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીને રામ-રામ કર્યા

ગુજરાતના ગાયક કલાકાર અને આમ આદમી પાર્ટીના નેતા વિજય સુવાળાને બીજેપીનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકારી રહેલા ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી.આર.પાટીલ

ગુજરાતમાં પડી રહેલી કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતના રાજકારણમાં ગઈ કાલે ગરમાવો આવી ગયો હતો. આમ આદમી પાર્ટીના બે ટોચના નેતાઓ મહેશ સવાણી અને વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીને છોડીને રામ-રામ કર્યા હતા એટલું જ નહીં, વિજય સુવાળા ગઈ કાલે વિધિવત રીતે કેસરિયો ખેસ ધારણ કરીને બીજેપીમાં જોડાઈ ગયા હતા.
ગુજરાતના ગાયક કલાકાર અને તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડી દેનાર વિજય સુવાળા ગઈ કાલે ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હાથે કેસરી ખેસ પહેરીને બીજેપીમાં જોડાયા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ નીલમ વ્યાસે પણ આમ આદમી પાર્ટી છોડીને ગઈ કાલે બીજેપીમાં જોડાઈ ગયા હતા. હજી તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીને આ આઘાતમાંથી કળ વળે ત્યાં જ ગઈ કાલે સાંજે આમ આદમી પાર્ટીના ગુજરાતના ટોચના નેતા મહેશ સવાણીએ પાર્ટી છોડી દેવાની જાહેરાત કરતાં ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઈ હતી.
મહેશ સવાણીએ પ્રેસ-કૉન્ફરન્સ યોજીને આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘મને લાગ્યું કે હું આગળ નહીં ચાલી શકું, કારણકે મારી તબિયત, મારો બિઝનેસ, મારું સેવાનું કામ છે એમાં મને ડિસ્ટર્બ થાય છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી મને એવું લાગ્યું કે હું મારી ફૅમિલીને સમય નથી આપી શકતો. એટલા માટે હું બૅક થયો છું. અત્યારના તબક્કે મેં એવું વિચાર્યું છે કે રાજકારણમાં ન રહેતાં ફક્તને ફક્ત લોકોની સેવામાં રહેવું. મને લાગ્યું કે હું સેવાનો માણસ છું.’

gujarat gujarat news aam aadmi party gujarat politics shailesh nayak