ગુજરાતી પરિવાર સાથે થયો વિચિત્ર અકસ્માત

18 April, 2024 08:55 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સુરતમાં નૈવેદ્ય ધરાવવા અને રામનવમી નિમિત્તે જવા નીકળેલી કાશીમીરાની ફૅમિલી સાથે થયેલા ઍક્સિડન્ટમાં ૧૧ વર્ષના દીકરાએ જીવ ગુમાવ્યો

આ ટ્રકમાં પ્રવાસ કરી રહેલા ૧૧ વર્ષના વિરાટે વિચિત્ર અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.

કાશીમીરાના મીરા-ગાંવઠણમાં મહાજનવાડીમાં રહેતા કાવિઠિયા પરિવાર સાથે વિચિત્ર અકસ્માત થયો હતો, જેમાં આ પરિવારના પાંચમા ધોરણમાં ભણતા ૧૧ વર્ષના દીકરાએ જીવ ગુમાવ્યો છે. બાળકોને વેકેશન હોવાથી સુરતમાં નૈવેદ્ય ધરાવવા અને રામનવમીની ઉજવણી કરવા મંગળવારે રાતે પોણાબાર વાગ્યે નીકળેલો કાવિઠિયા પરિવાર રિક્ષાથી જવાનો હતો, પણ પરિચિત ટ્રકવાળો મળતાં તેની સાથે જવા નીકળ્યા હતા. જોકે રાતના સાડાત્રણ વાગ્યે ખાનિવડે બ્રિજ પાસે તેમની ટ્રકે રસ્તા પર ઊભેલી ટ્રકને ટક્કર લાગતી અટકાવવા માટે જોરથી બ્રેક મારતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં રહેલાં લાકડાનાં બૉક્સ અને કૅબિનના લોખંડના પાટિયા વચ્ચે ૧૧ વર્ષનો વિરાટ કાવિઠિયા આવી જતાં તેનું માથું ફાટી ગયું હતું. અકસ્માત માટે મદદ માટે દોડી રહેલા કાવિઠિયા પરિવારને ગોલ્ડન અવર્સમાં મદદ મળી નહોતી. 

લેઉવા પટેલ સમાજના કડિયાકામનો છૂટક કૉન્ટ્રૅક્ટ લેતા ૩૨ વર્ષના સંજય કાવિઠિયા તેમની પત્ની ભારતી, બે દીકરા અને એક દીકરી સાથે સોમવારે મોડી રાતે સુરતના કામરેજ જઈ રહ્યા હતા. મંગળવારે વહેલી સવારે પહોંચીને આઠમના માતાજીના નૈવેદ્યમાં ભળી જવાય એટલે જલદી ઘરેથી નીકળ્યા હતા. ત્યાર બાદ રામનવમીની ઉજવણી કરીને બોટાદ તેમના ગામે બાળકોને રજા હોવાથી જવાના હતા. હાલમાં વેકેશનનો સમય હોવાથી ટ્રેનમાં કે બસમાં ટિકિટ ન મળતાં તેમણે કાશીમીરાથી પહેલાં રિક્ષામાં જવાનું નક્કી કર્યું હતું, પણ પછી તેઓ ટ્રકમાં ગયા હતા.
કોઈ મદદે આવ્યું નહીં

વિરાટની મમ્મી ભારતીએ ખૂબ ભાવુક થઈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઊંઘમાં બાળકો ટ્રકમાંથી પડે નહીં એટલે બૉક્સની બાજુએ તેમને સુવડાવ્યાં હતાં. અકસ્માત થતાં ટ્રકચાલક ભાગી ગયો હતો. વિરાટ લોહીલુહાણ હાલતમાં હોવાથી તેને હૉસ્પિટલમાં તાત્કાલિક પહોંચાડવા મદદ માટે અનેક પ્રયાસો કર્યા હતા, પણ કોઈ મદદે આગળ આવ્યું નહોતું. ત્યાર બાદ છેક અડધો કલાક પછી ડૉક્ટર વગરની ઍમ્બ્યુલન્સ આવી હતી.’

વિરાટને સાયન્ટિસ્ટ બનવું હતું
વિરાટની મમ્મીએ વધુમાં કહ્યું હતું કે ‘વિરાટ ખૂબ સરળ અને શાંત સ્વભાવનો હતો. તેને તેનાં ભાઈ-બહેન પ્રત્યે ખૂબ લગાવ હતો. બન્ને બાળકો સામે વિરાટે જીવ ગુમાવતાં નાની ઉંમરનાં હોવાથી તેમને ખૂબ આઘાત લાગ્યો છે. વિરાટ કાગળિયાં લઈને પ્લેન, ઘડિયાળ, નાની બંદૂક જેવી અનેક વસ્તુઓ પોતાની રીતે બનાવતો રહેતો હતો. તેને મોટા થઈને સાયન્ટિસ્ટ બનવાની ઇચ્છા હતી એટલે તે ખૂબ ભણે અને આગળ વધે એવા અમે સતત પ્રયાસો કરતા હતા.’

gujarat news road accident ram navami