Gujarat Rains: રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી, મંગળવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર

19 September, 2021 12:49 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ફરી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ફરી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં 24.64 ઈંચ સાથે મોસમનો સરેરાશ 74.51 ટકા વરસાદ પડ્યો છે.  રાજ્યમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં દાહોદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જ્યારે આજે પણ કેટલાક તાલુકાઓમાં વરસાદનું આગમન થયું છે. જેમાં નવસારી, વલસાડ અને પાટણ જિલ્લાઓનો સમાવેશ થાય છે. 

ભારતના હવામાન વિભાગની આગાહી મુજબ, રાજસ્થાન અને ગુજરાતમાં 18થી 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.  હાલની આગાહીના આધારે IMDએ રવિવારથી મંગળવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 21 સપ્ટેમ્બર સુધી અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નર્મદા અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. 

ઉલ્લેખનીય છે કે,  છેલ્લા પાંચ દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદથી અનેક જિલ્લાઓ હજુ પણ અસરગ્રસ્ત છે.  સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર સહિતના જિલ્લાઓમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ હતી. જેમાં અનેક ગામડાઓમાં ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને પશુધનને નુકસાન પહોંચ્યું હતું. જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર પહોંચી અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી.

 

gujarat gujarat news Gujarat Rains