ગુજરાતમાં જળબંબાકાર, સીએમ પદનો કાર્યભાર સંભાળતા જ ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં

13 September, 2021 08:02 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ

આજે ગુજરાતમાં મેઘરાજા મન મુકી વરસી રહ્યાં છે. તો બીજી બાજુ ભૂપેન્દ્ર પટેલે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળતા જ એક્શન મોડમાં આવી ગયા છે. ગુજરાતમાં અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જામનગરમાં આભ ફાટ્યુ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ અંગે તાત્કાલીક બેઠક બોલાવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગરનું હવાઈ નિરીક્ષણ પણ કરશે.

જામનગરમાં મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લાના ગામડાઓમાં તો ઘરના ઘર ડૂબી ગયા છે. લોકો જીવ બચાવવા ઝઝૂમી રહ્યા છે, તેવી હાલત થઇ છે. તંત્ર પણ લાચાર છે, માણસો પણ કુદરતના કોપ સામે લાચાર બની ગયા છે. જામનગર-રાજકોટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના પગલે જિલ્લામાં ગામના ગામ બેટમાં ફેરવાયા છે.

જામનગરમાં 3.25 ઈંચ, જામજોધપુરમાં 2.25 અને જોડિયામાં 2 ઈંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું. જામનગરના મોટીબાણુગારમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ છે. ગામમાં અત્યારસુધીમાં 22 ઇંચ જેટલો વરસાદ નોંધાતા આખુ ગામ બેટમાં ફેરવાયું છે. જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થઇ ચુક્યાં છે. જામનગર જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે, ત્યારે કાલાવડમાં 24 કલાકમાં ધોધમાર 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

જૂનાગઢની વાત કરીએ તો નવ તાલુકાઓમાં રવિવારની રાત્રે 10થી સોમવારે બપોરે 12 વાગ્‍યા સુધીમાં પડેલા સાર્વત્રિક વરસાદમાં સૌથી વધુ વિસાવદરમાં 354 (14 ઇંચ) વરસાદ નોંધાયો છે.  જૂનાગઢમાં 144 (6 ઇંચ), કેશોદમાં 77 (3 ઇંચ), ભેસાણમાં 77 (3 ઇંચ), મેદરડામાં 65 (2.5 ઇંચ), માંગરોળમાં 60 (2.5 ઇંચ), માણાવદરમાં 78 (3 ઇંચ) વરસાદ નોંધાયો છે. 

રાજકોટ શહેર અને રવિવારથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં 10.5 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે. ધોરાજીમાં 7 ઇંચ અને ગોંડલમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.

 મોડી રાતે અમરેલી જિલ્લાના કેટલાક તાલુકમાં કયાંક ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમા મોડી રાતે વડીયામા અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા સુરવોડેમમાં 3 ફૂટ નવા નીરની આવક જોવા મળી હતી.સ્થાનિક ચેકડેમ પણ છલકાય ઉઠ્યા છે. 

 

Gujarat Rains gujarat news jamnagar rajkot bhupendra patel gujarat