જૂનાગઢમાં સતત બીજા દિવસે મુશળધાર વરસાદ

15 September, 2021 11:40 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગ્રામીણ વિસ્તારોની હાલત કફોડી બની છે ત્યારે ગઈ કાલે પણ જૂનાગઢ જિલ્લામાં મેઘો મુશળધાર વરસ્યો હતો અને જૂનાગઢના ૬ તાલુકાઓમાં પોણા ચારથી છ ઇંચ વરસાદ નોંધાયો હતો.

પ્રતીકાત્મક તસવીર

સૌરાષ્ટ્રમાં આકાશમાંથી સોમવારે વરસાદી આફત આવ્યા પછી ગઈ કાલે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની હાલત કફોડી બની છે ત્યારે ગઈ કાલે પણ જૂનાગઢ જિલ્લામાં મેઘો મુશળધાર વરસ્યો હતો અને જૂનાગઢના ૬ તાલુકાઓમાં પોણા ચારથી છ ઇંચ વરસાદ નોંધાયો હતો.
ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતમાં છ ઇંચથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પડ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ૫ ઇંચ, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૪ ઇંચ, માળિયા અને વંથલીમાં પોણા ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ ૧૫૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો તે પૈકી ૩૬ તાલુકાઓમાં ૧ ઇંચથી ૬ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ગઈ કાલે અમદાવાદમાં મોડી સાંજે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા વચ્ચે મેઘગર્જના સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

gujarat news Gujarat Rains shailesh nayak