વીફરેલી કુદરત, મહેકતી માનવતા

14 September, 2021 08:43 AM IST  |  Rajkot | Rashmin Shah

રાજકોટમાં ૧૬ કલાકમાં પડેલા ૧૮ ઇંચ વરસાદમાં પણ માનવતાની મહેક વહેતી રહી, જાણે કુદરતને કહેતી હોય કે તારી પરીક્ષા સામે હારીશું નહીં

માજીને લોધિકાના પોલીસ-ઇન્સ્પેક્ટરે ઊંચકીને સલામત સ્થળે ખસેડ્યાં હતા

સૌરાષ્ટ્રભરમાં ગઈ કાલે સાંબેલાધર વરસાદ વરસ્યો હતો, જેમાં રાજકોટ અને જામનગર જિહલ્લો સૌથી વધારે ખરાબ રીતે હડફેટે ચડ્યો હતો. લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતાં વીફરેલી કુદરત સામે માનવતાની મહેક પણ અકબંધ હતી અને એકબીજાને સાથ આપવાનું કામ બખૂબી રીતે સૌકોઈએ નિભાવ્યું હતું.

અણધારી આફત સામે તંત્ર જાગે એ પહેલાં જેની જવાબદારી નહોતી એવા લોકો પણ મદદે આવી ગયા હતા. રાજકોટ જિલ્લાના લોધિકા ગામે ગઈ કાલ સાંજ સુધીમાં ૧૬ ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારના લોકોને કાઢવાની પ્રક્રિાયા ચાલુ કરવામાં આવી હતી, પણ ૮૯ વર્ષનાં એક માજી પાણીના વહેણ અને એકધારા વરસાદ વચ્ચે ચાલી શકતાં ન હોવાથી તેમણે ઘરની બહાર નીકળવાની ના પાડતાં લોધિકા પોલીસ-સ્ટેશનના એક ઇન્સ્પેક્ટરે તેમને ઉપાડી લીધાં હતાં અને લગભગ દોઢ કિલોમીટર જેટલું અંતર તેડેલી અવસ્થામાં કાપીને માજીને સલામત સ્થળે ઉતાર્યાં હતાં, તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પાણી ભરાવા માંડતાં કૉર્પોરેશનના અધિકારીએ સગી માના હાથમાં બાળક આપવાને બદલે માત્ર દોઢ મહિનાના બાળકને પોતાની જવાબદારીએ સાથે લીધું અને પાણી ભરેલા વિસ્તારમાંથી સલામત રીતે બહાર લાવીને તેની મમ્મીના હાથમાં મૂક્યું.

હાથમાં આવેલા બાળકે જ્યારે મમ્મી સામે જોઈને સ્માઇલ આપ્યું ત્યારે મમ્મીની આંખમાં ખુશીનાં જે આંસુ હતાં એ આંસુ કુદરતે પ્રકોપરૂપે વરસાવેલા પાણી પર મલમ જેવાં હતાં.

gujarat gujarat news rajkot Rashmin Shah