20 August, 2026 10:12 AM IST | Ahmedabad | Shailesh Nayak
ડાબેથી કિડનીદાતા સીમા નિશાદ અને કમરુન્નિસા સાથે કિડની મેળવનાર ઘનશ્યામ નિશાદે એકબીજા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી (તસવીર : શૈલેષ નાયક)
દેશ અને દુનિયામાં કિડની-ટ્રાન્સપ્લાન્ટના ઘણા કિસ્સાઓ બની રહ્યા છે, પરંતુ અમદાવાદની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં સ્વૉપ કિડની ટ્રાન્સપ્લાન્ટનો હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે જેમાં એકબીજાના પતિને બચાવવા હિન્દુ અને મુસ્લિમ મહિલાએ પોતાની કિડની એકબીજાના પતિને ડોનેટ કરી હતી. ગુજરાતમાં કદાચ ધર્મની રીતે પહેલો એવો કિસ્સો બન્યો છે જેમાં હિન્દુ મહિલા સીમા નિશાદે મુસ્લિમ ભાઈને અને મુસ્લિમ મહિલા કમરુન્નિસાએ હિન્દુ ભાઈને પોતાની કિડની આપીને તેમને નવજીવન બક્ષ્યું છે. આ બન્ને પરિવારો તેમ જ હૉસ્પિટલના ડૉક્ટર સહિતના સ્ટાફમાં આનંદ છવાઈ ગયો હતો.
ઉદેપુરની કમરુન્નિસાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પતિ જાવેદ શેખને કિડનીની તકલીફ થઈ હતી. તેમને કિડની બદલવી પડે અેવી સ્થિતિ ઊભી થઈ હતી જેથી મારી કિડની મારા પતિને આપવા માટે હું તૈયાર થઈ હતી, પરંતુ મારી કિડની મૅચ ન થઈ. અમારા ડૉક્ટર જાવેદ વકીલે અમારા જેવી બીજી ફૅમિલીની વાત અમને કરી હતી જેથી ડૉક્ટરના માધ્યમથી અમે ઘનશ્યામભાઈનો સંપર્ક કર્યો હતો. તેમની પણ અમારા જેવી જ વાત હતી એટલે અમે બન્ને ફૅમિલી કિડની-ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે સંમત થઈ હતી, કેમ કે અમારે તો બન્નેનો જીવ બચાવવો હતો. સુખદ વાત એ બની હતી કે મારી કિડની ઘનશ્યામભાઈ સાથે અને તેમની પત્ની સીમાબહેનની કિડની મારા પતિની સાથે મૅચ થઈ હતી એટલે મેં અને સીમાબહેને કિડની ડોનેટ કરી હતી. ઑપરેશન સારી રીતે થઈ ગયું. ભગવાન અને અલ્લાહની કૃપાથી આજે બન્ને જણ ઠીક થઈ ગયા છે અને અમારા બન્નેની ફૅમિલી ખુશ છે.’
મુસ્લિમ બહેનની કિડની સાથે ૪૦ દિવસ સારી રીતે પસાર કર્યા બાદ ગઈ કાલે સ્ટર્લિંગ હૉસ્પિટલમાં આવેલા અમદાવાદના ઘનશ્યામ નિશાદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ૧૪ મહિનાથી મારે ડાયાલિસિસ ચાલતું હતું અને મારે કિડનીની જરૂર હતી. મારી મિસિસ સીમા મને કિડની આપવા તૈયાર થઈ હતી, પરંતુ મૅચ થઈ નહોતી. અમારા ડૉક્ટર અપૂર્વ પારેખે અમને કહ્યું હતું કે એક બીજો પેશન્ટ છે તેમનો પણ તમારા જેવો કેસ છે. એમ કહીને સ્વૉપ કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત કરી હતી. અમે અેના માટે રેડી થયા હતા. સંજોગો એવા મળ્યા કે મુસ્લિમ બહેન કમરુન્નિસાની કિડની મને મૅચ થઈ અને મારી મિસિસ સીમાની કિડની તેમના પતિ જાવેદ શેખને મૅચ થઈ હતી. ત્યાર બાદ જરૂરી પ્રક્રિયા પૂરી કરીને ૯ જુલાઈએ ઑપરેશન થયું હતું. ઑપરેશન થયાને આજે ૪૦ દિવસ થઈ ગયા. આજે હું પહેલાં જેવી નૉર્મલ લાઇફ જીવી રહ્યો છું.’