11 July, 2025 06:55 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
બ્રૅડ પિટે પહેરેલા શર્ટની ચર્ચા (તસવીર: X)
ભારતની સંસ્કૃતિ, કલા અને પારંપારિક પધ્ધતિથી બનેલી વસ્તુઓ દુનિયાના દરેક ખૂણે પહોંચી છે. આ વચ્ચે ગુજરાતના સુરેન્દ્રનગરની લગભગ 700 વર્ષ જૂની કલા હવે હૉલિવૂડ સુધી પહોંચી છે. હૉલિવૂડ સ્ટાર બ્રૅડ પિટે તેની ફિલ્મ દરમિયાન એક ખાસ શર્ટ પહેર્યો હતો. આ શર્ટ એકદમ ખાસ હતો અને તેણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. આ શર્ટ સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રખ્યાત ટાંગલિયા વણાટ તકિનીકનો ઉપયોગ કરીને બનાવ્યો હતો, જેથી હવે તેને દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી રહી છે.
બ્રૅડ પિટની નવી ફિલ્મ ૨૭ જૂનના રોજ F1 દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ. આ ફિલ્મના એક સીને દરેકનું ધ્યાન ખેંચ્યું છે ખાસ કરીને ભારતના લોકોનું, કારણ કે તેમાં બ્રૅડ પિટે ભારતીય ફૅશન બ્રાન્ડ 11.11/ઈલેવન ઈલેવન દ્વારા બનાવવામાં આવેલો કૉટન શર્ટ પહેર્યો હતો. આ શર્ટ પરંપરાગત ટાંગલિયા વણાટ તકનીકનો વાપર કરી તૈયાર કરવામાં આવ્યો હતો. પ્રખ્યાત કોસ્ચ્યુમ ડિઝાઇનર જુલિયન ડે દ્વારા બ્રૅડ માટે પસંદ કરાયેલો આ શર્ટ, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની એક ખાસ કલા સ્વરૂપની ઉત્કૃષ્ટ કારીગરી દર્શાવે છે. આ શર્ટના ડિઝાઇનની પસંદગીએ ભારત સહિત વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. સુરેન્દ્રનગરના દેદાદરા, વસ્તાડી અને દેરવાડા જેવા ગામો ટાંગલિયા વણાટ માટે પ્રાથમિક કેન્દ્ર બન્યા છે. આ કળાનો ઉપયોગ હવે સાડીઓ, દુપટ્ટા, શર્ટ, કુર્તા સામગ્રી, ચાદર અને ઓશિકા કવર સહિત વિવિધ ઉત્પાદનો બનાવવા માટે પણ થાય છે.
બ્રૅડ પિટનો શર્ટ ઓર્ગેનિક માટેરિયલથી બન્યો
ફૅશન ડિઝાઇનર્સ મિયા મોરિકાવા અને હિમાંશુ શાના 11.11/ઈલેવન ઈલેવન બ્રાન્ડ તેના ઓર્ગેનિક અપ્રોચ માટે પ્રખ્યાત છે. બ્રાન્ડ તેના કપડાં બનાવવા માટે સ્વદેશી કપાસ અને પર્યાવરણ માટે અનુકૂળ રંગ કરવાની પદ્ધતિનો ઉપયોગ કરે છે. બ્રૅડ પિટે પહેરેલા આ શર્ટને હાથથી કાંતેલા કપાસમાંથી બનાવવામાં આવ્યો હતો અને તેમાં ટાંગલિયા વણાટ તકનીકનો સમાવેશ થાય છે, જે ખૂબ મહેનતથી હાથથી બનાવવામાં આવે છે. નેચરલ ઈન્ડિગો રંગોનો ઉપયોગ કરીને શર્ટને કલર કરવામાં આવ્યો હતો. કારીગરોની કુશળ ટીમ દ્વારા અંદેજે 9 કલાક અને 20 મિનિટ સુધી સતત મહેનત કરી તેને બનાવવામાં આવ્યો હતો.
ભારતીય કારીગરીની જુલિયન ડેને પ્રશંસા કરી
‘બોહેમિયન રેપ્સોડી’ અને ‘રૉકેટમૅન’ જેવી ફિલ્મોમાં કામ માટે પ્રખ્યાત, ડિઝાઇનર જુલિયનડેએ બ્રૅડ પિટ માટે 11.11/ઈલેવન ઈલેવન શર્ટ કેમ પસંદ કર્યો? તે જણાવ્યું. તેમણે કહ્યું “મેં આ શર્ટ જાણી જોઈને પસંદ કર્યો કારણ કે તે ફિલ્મની થીમ માટે પરફેક્ટ હતો. શર્ટનો લાઇટ ઈન્ડિગો ટોન તેના પર અદ્ભુત લાગતો હતો. આ ભારતીય બ્રાન્ડ્સ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી રહી છે, ખાસ કરીને નેચરલ કાપડ અને હસ્તકલા તકનીકોના ઉપયોગ માટે, જે કપડાંને પર્યાવરણને અનુકૂળ અને ખૂબ જ કમ્ફર્ટેબલ બનાવે છે.”
કેવી રીતે શરૂ થયું ટાંગલિયા
કથા મુજબ સુરેન્દ્રનગરમાં 700 વર્ષ પહેલાં ઉદ્ભવેલી, ટાંગલિયા હસ્તકલા એક પ્રેમકથામાંથી ઉભરી આવી હોવાનું કહેવાય છે. ભરવાડ સમુદાયના એક યુવાનને વણકર સમુદાયની એક યુવતી સાથે પ્રેમ થયો. વિરોધ છતાં, તેમણે લગ્ન કર્યા જેથી તેમને બહિષ્કૃત કરવામાં આવ્યા. પોતાને ટકાવી રાખવા માટે, આ દંપતીએ વણાટ શરૂ કર્યો, જેના કારણે ટાંગલિયા હસ્તકલાનું નિર્માણ થયું. સમય જતાં, તેમના વંશજો, જેને ડાંગશિયા સમુદાય તરીકે ઓળખવામાં આવે છે, આ અનોખી કલા સ્વરૂપ માટે પ્રખ્યાત બન્યા.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૅશન ટૅકનોલૉજી (NIFT) અને ગાંધીનગરમાં ટાંગલિયા હેન્ડીક્રાફ્ટ એસોસિએશનના પ્રયાસો દ્વારા ટાંગલિયા હસ્તકલાને પુનર્જીવિત કરવામાં આવી છે. NIFT કૌશલ્ય વિકાસ અને ડિઝાઇન નવીનતા માટે નિયમિત વર્કશોપનું આયોજન કરે છે. સમુદાયના સતત સમર્પણ, ખાસ કરીને વઢવાણના લવજીભાઈ પરમારના યોગદાનથી, આ હસ્તકલાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી છે. આ કળાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટેના તેમના પ્રયાસો બદલ, લવજીભાઈ પરમારને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.