મહાત્મા ગાંધીની સાયકલનાં પૈડાં ફરી એકવાર કેવી રીતે ફર્યા? જાણો સત્યાગ્રહ સમા જીર્ણોદ્ધારની વાત

24 August, 2021 12:45 PM IST  |  Mumbai | Chirantana Bhatt

મને ખબર છે કે ગાંધીજીની સાયકલના પેડલ પર શું લખ્યું હતું? તે જે સાયકલ ચલાવતા તેના પેડલના રબર પૅડ્ઝ પર ‘ફ્રીડમ’ શબ્દો એમ્બોઝ્ડ હતા

સાયકલ સવાર ગાંધીજીની તસવીર 1928ની છે. તૈયાર સાયકલની ટેસ્ટ રાઇડ લેતાં રિયાઝ તૈયબજી - તસવીર સૌજન્ય રિયાઝ તૈયબજી

તમને ખબર છે કે ગાંધીજીની સાયકલના પેડલ પર શું લખ્યું હતું? તે જે સાયકલ ચલાવતા તેના પેડલના રબર પૅડ્ઝ પર ‘ફ્રીડમ’ શબ્દો એમ્બોઝ્ડ હતા. ગાંધીજીની સાયકલનો ઉલ્લેખ અને તેની વાત વિસ્તારે કરવાના બે કારણ છે. એક તો ગઇકાલે ગયેલો વિશ્વ પર્યાવરણ દિવસ અને તે પહેલાનો સાયકલ ડે પણ. ગાંધીજી જીવતા હોય તો આવી પ્રતીકાત્મક ઉજવણીઓની ટીકા કરતા હોત એ ચોક્કસ પણ કમનસીબે ગાંધીજી નથી.  પેન્સિલ સાવ ટચૂકડી થઇ જાય છતાં ય તેનો ઉપયોગ કરતા ગાંધીજી વિશેનો પાઠ આપણે નિશાળમાં ભણ્યા છીએ (ગુજરાતી માધ્યમની નિશાળામાં ભણેલાઓને આ બરાબર યાદ હશે) અને માટે જ જ્યારે ગાંધીજીની સાયકલના જીર્ણોદ્ધાર વિશે જાણવા મળ્યું ત્યારે તેની વાત ન થાય તે તો કેવી રીતે બને. 

અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ રિયાઝ તૈયબજી એ વ્યક્તિ છે જેમણે ગાંધીજી જે સાયકલ ચલાવતા તેનો જીર્ણોદ્ધાર કર્યો. એ ગાંધીજીની સાથી અબ્બાસ તૈયબજી, રિયાઝ તૈયબજીના દાદકાકા થાય.  ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે તેમણે આ આખા અનુભવ અંગે વિગતવાર વાત કરી. જ્યારે ગાંધીજીની ખખડી ગયેલી સાયકલનો જીર્ણોધ્ધાર કરવાની ચર્ચા થઇ ત્યારે રિયાઝ તૈયબજી ગાંધી હેરિટેજ સાઇટ મિશનના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર હતા. આ 2015ની વાત છે, અમદાવાદના સાબરમતી આશ્રમમાં એક મિટીંગ હતી જેમાં ગાંધીજી જે ઇમારતોમાં રહ્યા હોય, જેનું બાંધકામ તેમણે કર્યું હોય કે જ્યાં તેમને કેદ રખાયા હોય તેનું દસ્તાવેજીકરણ કરવાના પ્રોજેક્ટની ચર્ચા કેન્દ્ર સ્થાને હતી.  ગાંધિયન સ્કોલર અને સાબરમતી આશ્રમના તત્કાલીન ડાયરેક્ટર ત્રિદીપ સુહ્રુદ સાથે પ્રાધ્યાપક તથા આર્કિટેક્ટ નીલકંઠ છાયાની હાજરીમાં થઇ રહેલી આ મીટિંગમાં ૩૪ આવી ઇમારતોની ચર્ચા થઇ રહી હતી. 

તેમણે જણાવ્યું કે, “આ મીટિંગમાં બીજી બધી વાત સાથે ભંગાર હાલતમાં પડેલી સાયકલની વાત પણ થઇ અને મને બે પૈડે ચાલતી કોઇપણ ચીજમાં રસ પડે છે એ વાતને જાણે ધ્યાનમાં રાખીને થોડા દિવસોમાં એ સાયકલ રિક્ષામાં મારા ઘરે મોકલી દેવાઇ. પહેલાં તો મને કંઇ સુજ્યું નહીં કે તેનું શું કરવું? ” સાયકલ સવાર ગાંધીજીની તસવીર 1928ની છે. તેમણે આ સાયકલ કદાચ અમૃતિલાલ શેલત નામના એક વિદ્યાર્થી પાસેથી સાબરમતી આશ્રમના પરિસરમાં જ કોઇ બેઠકમાં પહોંચવા ઉછીની લીધી હતી. તેવી એક માન્યતાની વાત પણ રિયાઝ તૈયબજી કરે છે.

ડિસેમ્બર 2015 સુધી તો સાયકલ તેમના ઘરનાં વધારાના બૅડરૂમમાં પડી રહી. તેના ટાયર સપાટ થઇ ગયા હતા, ચેન જકડાયેલી હતી. સીટમાં પેડિંગ નહોતું, મડગાર્ડ અને ચેન ગાર્ડના તો આકરા જ બદલાઇ ગયા હતા. આમ તો આ ક્યારનીય ભંગારમાં ગઇ હોત તો ચાલત પણ આખરે તે જે વ્યક્તિ સાથે જોડાયેલી હતી તેને કારણે તેનું આગવું મહત્વ હતું.

આ દરમિયાન તેમના ઘરે એક ડચ મિત્ર રહેતા હતા અને તેમણે આ હાલતમાં પડેલી સાયકલ જોઇને સવાલ કર્યા. જ્યારે જાણવા મળ્યું કે આ ગાંધીજીની સાયકલ હતી ત્યારે તેમને પહેલા તો વિશ્વાસ જ ન થયો. તે પોતે જે દેશના હતા ત્યાં તો આ આખી બાબતને ખુબ મહત્વ મળ્યું હોત અને સાયકલને એક્સપર્ટ્સે ફરી બેઠી કરી હોત, તેનો જીર્ણોદ્ધાર કર્યો હોત. તે રાષ્ટ્રીય મહત્તાનો પ્રોજેક્ટ બન્યો હોત.  

સાયકલમાં ક્યાંક પેડિંગ તરીકે મુકાયેલું કશાકનું વાળેલું કાર્ડ હતું તો ક્યાંક બ્રેક ટાઇટ રહે તે માટે ખિલ્લી વાંકી વાળીને ફિટ કરાયેલી હતી, ક્યાંક તારનો ઉપયોગ કરાયેલો હતો. રિયાઝ તૈયબજીને આ બધું જોઇને એ જમાનો યાદ આવતો જ્યારે સાયકલ રિપેરિંગની દૂકાનેથી સાયકલ ભાડે લઇને ફરેવી શકાતી. તેમને એવો પણ વિચાર આવતો કે શું આ બધા ‘જુગાડ’ ગાંધીજીએ પોતે કર્યા હશે?

રિયાઝ તૈયબજીએ નક્કી કર્યુ કે સાયકલ એ રીતે ઠીક કરાશે જેનાથી તે ચલાવી શકાય તેવી રીતે તૈયાર થાય. તેના જે લોકલ પાર્ટ્સ જ બદલવા પડે એવા હતા તે તે લોકલ બજારમાં આસાનીથી મળતા હોય તેવા હિસ્સાઓથી જ બદલવા.  તેઓ પોતાની સાયકલ માટે અમદાવાદના સેંધાજી ઠાકોર પાસે જતા. સેંધાજીને ઘરે બોલાવાયા અને સાયકલનો એકેએક હિસ્સો કેરોસિનથી સાફ કરી તેની પર WD-40 છાંટવામાં આવ્યું. સાયકલના હિસ્સા છૂટા પાડ્યા ત્યારે સમજાયું કે ઘણા બધા હિસ્સોમાં કાટ બહુ સખત જામ્યો હતો. આટલા વર્ષે પણ તેના પૈંડાનું એલાઇનમેન્ટ બગડ્યું નહોતું, ઘણા બધા હિસ્સાઓમાંથી કાટ દૂર કરી શકાયો. બેરિંગ્ઝ બદલવામાં આવ્યા અને મડ ગાર્ડ તથા ચેન ગાર્ડનો આકાર સરખો કરાયો પછી બધા હિસ્સાઓને સેન્ડ બ્લાસ્ટિંગ માટે મોકલાયા. સાયકલના વળાંક વાળા હિસ્સાઓમાં ડેન્ટિંગ કરવું પડે તેમ હતું અને તે માટે હિસ્સાઓ શહેરની બહાર મોકલવાનું સૂચન પણ મળ્યું.

રિયાઝ તૈયબજી જણાવે છે કે, “મને મિત્રોએ કહ્યું કે મારે ડેન્ટિંગ માટે હિસ્સાઓ રાજકોટ કે ઇંદોર મોકલવા પણ તેમાં હિસ્સાઓ ખોવાઇ જવાની શક્યતા હતી. મારી આ ચિંતા ત્યારે દૂર થઇ જ્યારે મને મારું રોય એનફ્લિડ રિપેર કરનારા મુકેશભાઇએ નાઝીરભાઇની વાત કરી જે અમદાવાદમાં શોધન હાઉસની પાસે બેસે છે અને શહેરના સૌથી સારા ડેન્ટર ગણાય છે. જો કે તેમણે આ કામ કરવાની ના પડી અને છ મહિને મને મુકેશે અનીસભાઇ શોધી આપ્યા.”

અમદાવાદના સી એન વિદ્યાલય પાસે અનીસભાઇની વર્કશોપ છે અને ત્યાં મોંધીદાટ કાર્સના ગોબા ઉપાડવાનું કામ બહુ કુનેહથી થતું હોય છે. બાપુની સાયકલ રિપેર કરવા માટે અનિસભાઇ તૈયાર થઇ ગયા. અઠવાડિયા પછી સાયકલના બધા હિસ્સા સેન્ડ બ્લાસ્ટિંગ માટે તૈયાર હતા અને એ માટે અજિત જૈનની વર્કશોપ પર બાપુની સાયકલ પહોંચી. પહેલાં નાના હિસ્સાઓ પર ટેસ્ટિંગ થયું અને જાણે એક આખી ટીમ આ સાયકલને બેઠી કરવા તૈયાર હતી. સાયકલના બધા સ્પેર પાર્ટ્સ ક્લિન થયા એટલે એ પણ ખ્યાલ આવ્યો કે તે બ્રિટીશ બનાવટની નહોતી. આ સાયકલ બંગાળમાં બની હતી કે લુધિયાના કે પછી બોમ્બેની હિંદ બાયસિકલ્સે બનાવી હતી તે કળવું મુશ્કેલ હતું.

વર્ષ પછી સાયકલ નેધરલેન્ડ મોકલવામાં આવી. ત્યાં ‘વી હેવ અ ડ્રિમ, ગાંધી, કિંગ એન્ડ મંડેલા’ નામના એક્ઝિબિશનમાં નિવુ કર્ક એમસ્ટરડેમના મ્યુઝિયમમાં મુકવામાં આવી.

નેધરલેન્ડ્ઝમાં ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણીમાં પણ આ સાયકલ એક અગત્યનો હિસ્સો બની. 

આખરે 2016ના પ્રજાસત્તાક દિવસ પહેલાં સાયકલ તૈયાર થઇ ગઇ અને ઉદ્ઘાટન પ્રસંગનું આકર્ષણ પણ રહી. સાયકલના જીર્ણોધ્ધારનો ખર્ચો 13,310 રૂપિયા હતો જેમાંથી તેને મુકવા માટેનું પેડેસ્ટલ જ 7500ના ખર્ચે બન્યુ હતું. ગાંધીજીની સાયકલને બેઠી કરવામાં રિયાઝ તૈયબજીની સાથે જોડાયેલી ટીમની એક એક કડી અગત્યની છે, સેંધાજી, પ્રવિણ, અજીતભાઇ, અનિસભાઇ, ત્રિદીપ સુહ્રુદ અને નિલકંઠ છાયા પણ. 

mahatma gandhi ahmedabad netherlands