‘કેમ છે? હવે ગુજરાતી બોલે છે?’

14 July, 2021 08:20 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

આવું પૂછ્યું નરેન્દ્ર મોદીએ ઑલિમ્પિક્સમાં ભાગ લેવા જઈ રહેલી અમદાવાદની શૂટર ઇલાવેનિલ વાલારિવનને

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહેલી ઇલાવેનિલ વાલારિવન સાથે વાત કરીને તેને શુભકામના આપી હતી.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઑલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલી અમદાવાદની શૂટર ઇલાવેનિલ વાલારિવન સાથે ગુજરાતીમાં વાત કરીને શુભકામના આપી હતી. ઇલાવેનિલે વડા પ્રધાન સમક્ષ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘સર, હું મારી પહેલી ઑલિમ્પિક માટે જઈ રહી છું ત્યારે બહુ જ પ્રાઉડ ફીલ થાય છે.’
ટોક્યોમાં યોજાનારા ઑલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય ખેલાડીઓ સાથે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ કરીને ‘વિજયી ભવ’¬ની શુભકામના આપી હતી. શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહેલી અમદાવાદની શૂટરને નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં પૂછ્યું હતું, ‘કેમ છે? હવે ગુજરાતી બોલે છે?’ ત્યારે તેણે કહ્યું હતું, ‘હા સર, મને થોડું આવડે છે.’
નરેન્દ્ર મોદીએ પૂછ્યું હતું કે ‘મને એ કહે કે પહેલાં તમે ઍથ્લેટિક્સમાં જવા ઇચ્છતાં હતાં, તો એવુ કયું ટ્રિગર થયું કે તમે શૂટિંગને અપનાવી લીધું?’
ઇલાવેનિલ વાલારિવને કહ્યું કે ‘સર, મેં શૂટિંગ પહેલાં ઘણાં સ્પોર્ટ્સ ટ્રાય કર્યાં હતાં. નાનપણથી મને સ્પોર્ટ્સ ગમતું હતું. ઍથ્લેટિક્સ, બૅડ્મિન્ટન, જુડો વગેરે ટ્રાય કર્યાં હતાં; પણ જ્યારે મેં શૂટિંગ શરૂ કર્યું ત્યારે મને વધુ એક્સાઇટમેન્ટ થયું હતું અને મને એ ગેમ સાથે લગાવ થઈ ગયો.’
નરેન્દ્ર મોદી એક સમયે અમદાવાદના મણિનગર વિધાનસભાના વિધાનસભ્ય હતા એ વાતને યાદ કરતાં તેમણે કહ્યું કે ‘હું મણિનગરનો એમએલએ હતો. તમે મણિનગરમાં રહો છો. મેં જ્યારે ખોખરામાં મારા ઍસેમ્બલી સેગમેન્ટમાં સૌથી પહેલાં સ્પોર્ટ્સ ઍકૅડેમી શરૂ કરી હતી. તમે બધાં રમવા આવતાં હતાં. આજે મને તમને જોઈને ગર્વ થાય છે.’
ઇલાવેનિલ વાલારિવને કહ્યું હતું કે ‘સર, મારી શૂટિંગની પ્રોફેશનલ જર્ની સંસ્કારધામથી શરૂ થઈ હતી. હું ત્યારે ૧૦મા ધોરણમાં હતી. સંસ્કારધામમાં ડિસ્ટ્રિક્ટ લેવલની સ્પોર્ટ્સ સ્કૂલ શરૂ કરી હતી અને ત્યાં અભ્યાસ થતો અને દિવસભર ટ્રેઇનિંગ પણ થતી એટલે મારી જર્ની સારી રહી છે. હવે જ્યારે મારા પ્રથમ ઑલિમ્પિક માટે જઈ રહી છું ત્યારે સર, બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે આટલા લોકોની મદદ, આટલા લોકોએ મને સપોર્ટ કર્યો, મોટિવેટ કરી એટલે સારું લાગે છે.’
નરેન્દ્ર મોદીએ તેને કહ્યું કે ‘તમે આટલી નાની ઉંમરે વિશ્વસ્તરે સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે દેશને ઉમ્મીદ છે કે ખેલના આ સૌથી મોટા મંચ પર પણ તમે આ યાત્રાને જારી રાખશો. મારી તમને બહુ જ શુભકામના છે.’

 

Gujarat ahmedabad narendra modi shailesh nayak