Humsafar Train Fire : વલસાડથી સુરત જતી ટ્રેનના જનરેટર કોચમાં અચાનક લાગી આગ અને...

23 September, 2023 05:31 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Humsafar Train Fire: આ ટ્રેન વલસાડ જિલ્લાના છીપવાડ પહોંચી ત્યારે જનરેટર કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેનમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો.

હમસફર એક્સપ્રેસ ટ્રેનના જનરેટર ડબ્બામાં લાગેલી આગ

ગુજરાતમાં શનિવારે એક ટ્રેનમાં આગ લાગવાની દુર્ઘટના થઈ હતી. ભીષણ આગ લાગવા છતાં મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી અનુસાર આ ટ્રેન રાજસ્થાનના શ્રીગંગાનગરથી તમિલનાડુના તિરુચિરાપલ્લી જવા નીકળી હતી. હમસફર એક્સપ્રેસ ટ્રેનના જનરેટર ડબ્બામાં અચાનક વિસ્ફોટ (Humsafar Train Fire) થયો હતો જેને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી.

મળતી માહિતી અનુસાર આગ ઝડપથી અન્ય કોચમાં ફેલાઈ ગઈ હતી. પરંતુ ટ્રેનના સ્ટાફે દ્વારા તત્પરતા બતાવવામાં આવી હતી અને જે કોચમાં આગ લાગી હતી ત્યાંથી મુસાફરોને ફટાફટ બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રેન કોચના સ્ટાફના આ પગલાંને કારણે કોઈપણ મુસાફરને ઈજા થઈ હોવાની હજુ સુધી કોઈ માહિતી નથી. આ ઘટના ગુજરાતના વલસાડ જિલ્લામાં બની હતી. મળતી માહિતી અનુસાર આ ટ્રેન વલસાડથી સુરત સ્ટેશન તરફ જઈ રહી હતી. આ આગ (Humsafar Train Fire) કેવી રીતે લાગી તેના કારણની હજુ તપાસ ચાલી રહી છે.

જ્યારે આ ટ્રેન વલસાડ જિલ્લાના છીપવાડ પહોંચી ત્યારે જનરેટર કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જે ઝડપથી ટ્રેનના પાછળના પેસેન્જર ડબ્બામાં પણ ફેલાઈ ગઈ હતી. જેના કારણે ટ્રેનમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. આગની જાણ થતાં જ હમસફર ટ્રેન (Humsafar Train Fire)ને તરત જ અટકાવી દેવામાં આવી હતી અને મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. ઉપરાંત બર્નિંગ કોચને બાકીની ટ્રેનથી અલગ કરવામાં આવ્યા હતા.

પશ્ચિમ રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરે આ બાબતે જણાવ્યું હતું કે તિરુચિરાપલ્લી જંક્શનથી શ્રીગંગાનગર જંક્શન જતી ટ્રેન નંબર 22498માં આગ (Humsafar Train Fire)ની ઘટના બની હતી. વલસાડમાંથી પસાર થતી વખતે ટ્રેનની પાવર કાર/બ્રેક વાનમાં આગ લાગી ગઈ હતી અને ટ્રેનના કોચમાંથી ખૂબ જ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જેના કારણે તમામ મુસાફરોને એ જ પેસેન્જર કોચમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. જો કે, આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. અસરગ્રસ્ત કોચને તાબડતોબ ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યા હતા. આ પછી ટ્રેનને આગળ મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે.

ગુજરાતમાં ટ્રેનમાં આ રીતે આગ લાગવાની આ બીજી ઘટના છે. લગભગ 8 દિવસ પહેલા દાહોદ આણંદ મેમુ ટ્રેન નંબર 9350ના એન્જિનમાં પણ ભીષણ આગ ફાટી નીકળી હતી. દાહોદથી 10 કિમી દૂર આવેલા જેકોટ રેલ્વે સ્ટેશન પર ગોધરા જતી ટ્રેનમાં આચનકથી આગ લાગી ગઈ હતી. આ આગ ઝડપથી ફેલાઈને બે ડબ્બાઓ સુધી ફેલાઈ ગઈ હતી, પરંતુ તમામ મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી દેતાં મોટી દુર્ઘટના ટળી હતી. સળગતી ટ્રેનની આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી હતી. આ ટ્રેનમાં આગ લાગવાનું કારણ એ હતું કે એન્જિનની બાજુમાં આવેલા એસી કોચમાં લીકેજ થયું હતું.

surat train accident fire incident western railway gujarat news gujarat